મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દિલ્હીમાં PM નરેન્દ્ર મોદીની કરી શુભેચ્છા મુલાકાત
- મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં 12 ડિસેમ્બરે રાજ્ય સરકારના સફળ સુશાસનના બે વર્ષ પૂર્ણ થશે
ગાંધીનગર, 11 ડિસેમ્બર: ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે બુધવારે નવી દિલ્હી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની શુભેચ્છા મુલાકાત કરી હતી. તારીખ 12મી ડિસેમ્બર, 2022ના દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વની સરકારે શાસન સેવા દાયિત્વ સંભાળ્યું હતું. તેમના સફળ સુશાસનના બે વર્ષ આવતીકાલે 12 ડિસેમ્બર,2024ના પૂર્ણ થશે. વિકસિત ભારત @ 2047ના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનને વિકસિત ગુજરાતથી સાકાર કરવા 12મી ડિસેમ્બર એટલે કે આવતીકાલે તૃતિય વર્ષમાં પદાર્પણ સાથે ‘ગ્યાન’–ગરીબ, યુવા, અન્નદાતા,નારીશક્તિના સમૂચિત વિકાસના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રીના દ્રષ્ટીવંત નેતૃત્વમાં વર્તમાન સરકારે રાજ્યની વિકાસયાત્રાને જનહિતલક્ષી યોજનાઓથી અનેક સિદ્ધિઓ અને શ્રેષ્ઠ પરિણામો સાથે નવી દિશા આપી છે.
CM of Gujarat, Shri @Bhupendrapbjp, met PM @narendramodi.@CMOGuj pic.twitter.com/5QaacrBOVb
— PMO India (@PMOIndia) December 11, 2024
CM ભૂપેન્દ્ર પટેલની સરકારે PM મોદીનું વિઝન આગળ વધાર્યું
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વિકસિત ભારત @ 2047 માટે ચાર મુખ્ય સ્તંભ ગરીબ, યુવા, અન્નદાતા અને નારીશક્તિના સશક્તિકરણ માટે વિશેષ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ‘ટીમ ગુજરાતે’ પણ વડાપ્રધાનના આ વિકસિત ભારત @ 2047 સંકલ્પને વિકસિત ગુજરાતથી પાર પાડવાની નેમ રાખી છે. મુખ્યમંત્રીના નેતૃત્વમાં રાજ્ય સરકારે વડાપ્રધાનની સંકલ્પના અનુસાર રાજ્યના વિકાસમાં દરેક આયોજન અને કાર્યક્રમોમાં ‘ગ્યાન’ એટલે કે ગરીબ, યુવા, અન્નદાતા અને મહિલાશક્તિના એમ્પાવરમેન્ટ અને ઉત્થાન ઉપર ફોકસ કર્યું છે.
CM ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં રાજ્ય સરકારે બે વર્ષના કાર્યકાળમાં સેવા, સંકલ્પ અને સમર્પણ ભાવ સાથે પ્રજાકીય સુશાસનની જન-જનને અનુભૂતિ કરાવી છે. મુખ્યમંત્રીના નેતૃત્વમાં રાજ્ય સરકાર તારીખ 12મી ડિસેમ્બર, ગુરૂવારે તૃતીય વર્ષમાં પદાર્પણ કરશે તે અવસરને પણ ‘ગ્યાન’ આધારિત વિકાસ ઉત્સવ બનાવવાનું બહુ આયામી આયોજન કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્ય મંત્રી મંડળના મંત્રીઓ વર્તમાન રાજ્ય સરકારના ત્રીજા વર્ષમાં મંગળ પ્રવેશ અવસરે આ ‘ગ્યાન’ આધારિત વિવિધ કાર્યક્રમોમાં સહભાગી થવાના છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સેવા, સંકલ્પ અને સમર્પણના બે વર્ષ પૂર્ણ કરીને તૃતીય વર્ષમાં પદાર્પણ અવસરે તા. 12મી ડિસેમ્બરના દિવસનો પ્રારંભ અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા નરોડામાં 300 ચોરસ મીટરમાં નિર્માણ પામેલા શ્રમિક સુવિધા કેન્દ્રના લોકાર્પણ દ્વારા ગરીબ ઉત્થાન કાર્યક્રમથી કરશે. મુખ્યમંત્રી ‘ગ્યાન’ના બીજા મહત્ત્વપૂર્ણ સ્તંભ એવા યુવાઓના ઉજ્જવળ ભવિષ્યની નેમ સાથે સવારે 11 કલાકે ગાંધીનગરના મહાત્મા મંદિરમાં યોજાનારા કાર્યક્રમમાં રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં પસંદગી પામેલા 580 યુવાનોને નિમણૂક પત્રો એનાયત કરવાના છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ‘અન્નદાતા’ને પ્રોત્સાહન અને પ્રેરણા આપવા ખેડૂત ઉત્પાદક સંગઠનો FPOના સદસ્યો સાથે મુખ્યમંત્રી નિવાસસ્થાને સંવાદ કાર્યક્રમનું પણ આયોજન કર્યું છે. ખેત પેદાશોના મહત્તમ ઉત્પાદન, વેલ્યુએડિશન, બ્રાન્ડિંગ અને માર્કેટિંગ તેમજ પ્રાકૃતિક ખેતીને વેગ આપવા FPOને મુખ્યમંત્રી આ સંવાદ કાર્યક્રમમાં માર્ગદર્શન આપશે.
મુખ્યમંત્રી ગુરુવારે સાંજે 300 જેટલી મહિલા સ્ટાર્ટઅપ્સ અને ઇનોવેટર્સ સાથે અમદાવાદમાં આઈ-હબ ખાતે યોજનારા એક કાર્યક્રમમાં સંવાદ-વાતચીત કરશે. મહિલા ઉદ્યોગ સાહસિકો સંશોધકોને રાજ્ય સરકાર દ્વારા મળેલા પ્રોત્સાહનને કારણે રાજ્યમાં મહિલા સ્ટાર્ટઅપની સંખ્યામાં 52%નો વધારો થયો છે. મુખ્યમંત્રી ‘ગ્યાન’નો ચોથો સ્તંભ એવી નારીશક્તિના શક્તિ સામર્થ્યને આ સ્ટાર્ટ અપ ઇનોવેટર્સ સાથેના સંવાદ કાર્યક્રમથી નવી દિશા આપશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વડપણની વર્તમાન સરકારના ત્રીજા વર્ષમાં પદાર્પણનો પ્રથમ દિવસ એટલે કે તા. 12મી ડિસેમ્બર 2024 સમગ્રતયા ‘ગ્યાન’ સમર્પિત વિકાસ દિવસ બનશે.
આ પણ જૂઓ: કોઈ સલીમ સુરેશ બનીને ભોળીભાળી દીકરીઓને છેતરશે એ નહીં ચાલેઃ હર્ષ સંઘવી