ગુજરાતદક્ષિણ ગુજરાત

સુરતવાસીઓને રૂ.2416 કરોડના વિકાસ પ્રકલ્પોની ભેટ આપતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે સુરત મુલાકાતે આવ્યા હતા. તેમણે મહાનગરપાલિકા તથા સુડાના રૂા.2416 કરોડના ખર્ચે વિવિધ વિકાસ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ કર્યું હતું. જે ભેટ સુરતને આપતા સીએમએ જણાવ્યું કે, ‘રાજ્ય સરકારે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોનું ‘ઘરના ઘર’નું શમણું સાકાર કરવામાં કોઈ કસર છોડી નથી. દરેકને માથે છતની નેમને અનુસરીને રાજ્ય સરકારે રાજ્યમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 10 લાખથી વધુ આવાસોનું નિર્માણ કર્યું છે, જે પૈકી લાભાર્થી પરિવારોને 7 લાખ આવાસોનું પઝેશન પણ મળી ચૂક્યું છે.’


દેશની સૌથી ઉંચી ઓફીસ બિલ્ડીંગ સહિતના વિકાસકાર્યોની હારમાળા

કેન્દ્રીય રેલ્વે અને ટેક્ષટાઈલ રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશ, સુરત જિલ્લા પ્રભારી મંત્રી અને નાણા, ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ અને શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાની વિશેષ ઉપસ્થિતિમાં ઉધના દરવાજા, રિંગ રોડ ખાતે આયોજિત સમારોહમાં મુખ્યમંત્રીએ રૂ.1344 કરોડના ખર્ચે સુરત મહાનગરપાલિકાના આઈકોનિક મુખ્ય વહીવટી ભવનના રૂપમાં સાકાર થનાર દેશની સૌથી ઊંચી ઓફિસ બિલ્ડીંગ સહિતના રૂ.1560 કરોડના વિકાસકાર્યોના ખાતમુહુર્ત અને રૂ.808.63 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ કર્યું હતું. આ ઉપરાંત મુખ્યમંત્રીના હસ્તે રૂ.47 કરોડના ખર્ચે સુડા નિર્મિત PM આવાસ યોજનાના 503 મકાનોનો કોમ્પ્યુટરાઈઝ્ડ ડ્રો પણ યોજાયો હતો. જેમાં પ્રતિકરૂપે 7 લાભાર્થીઓને ચાવીઓ આવાસની ચાવી અર્પણ કરવામાં આવી હતી.

સુરતને વિશ્વકક્ષાનું શહેર બનાવવા અનેક પ્રોજેકટ અમલમાં

સુરત મહાનગરપાલિકાની વિકાસલક્ષી કામગીરીને બિરદાવતા મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે, સુરતે શહેરીકરણ, સ્વચ્છતા અને માળખાકીય સુવિધાઓના ક્ષેત્રે સફળ કામગીરી કરી બતાવી છે. સુરત વિશ્વ કક્ષાનું શહેર બને એ માટે પાલિકાના નવા આઈકોનિક ભવન સહિત ડુમસ સી ફેઝ પ્રોજેક્ટ અને ઈકોટુરિઝમ, તાપી શુદ્ધિકરણ, તાપી નદી પર બહુહેતુક કન્વેન્શન બેરેજ, ફ્લડ પ્રોટેક્શન વોલ, નવું ગાંધીસ્મૃતિ ભવન ઓડિટોરીયમ, શહીદ સ્મારક, સ્મીમેર હોસ્પિટલ વિસ્તરણનું કાર્ય, સ્કૂલોના રિનોવેશન અને નવી શાળાઓનું બાંધકામ જેવા વિકાસ પ્રકલ્પો પ્રગતિમાં છે, અને પ્રોજેક્ટસ ઝડપભેર પૂર્ણ થાય એ દિશામાં સુનિયોજિત કાર્ય થઈ રહ્યું છે. જનસુવિધા વધારતા પ્રકલ્પો ઝડપભેર પૂર્ણ કરવા માટે સુરત મહાનગરપાલિકાને સહાયરૂપ થવા રાજ્ય સરકાર સદાય તત્પર હોવાનું તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું.

કાર્યક્રમમાં સાંસદ – ધારાસભ્ય સહિતનાઓ ઉપસ્થિત રહ્યા

આ પ્રસંગે ધારાસભ્ય પૂર્ણેશભાઈ મોદી, વિનોદભાઈ મોરડિયા, સંદિપભાઈ દેસાઈ, સંગીતાબેન પાટીલ, કાંતિભાઈ બલર, પ્રવીણભાઈ ઘોઘારી, અરવિંદભાઈ રાણા, મનુભાઈ પટેલ, પ્રદેશ ભાજપ અધ્યક્ષ અને સાંસદ સી.આર.પાટીલ, મેયર હેમાલીબેન બોઘાવાલા, જિલ્લા કલેકટર આયુષ ઓક, પોલીસ કમિશનર અજય તોમર, પ્રાદેશિક નગરપાલિકા નિયામક અરવિંદ વિજયન સહિત પાલિકાના પદાધિકારી-અધિકારીઓ, અગ્રણીઓ અને શહેરીજનો, PM આવાસના લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button