મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભાવનગર શહેરને 575.99 કરોડના વિકાસ કાર્યોની ભેટ અર્પણ કરી
- વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનનો લાભ ગત બે દાયકાથી ગુજરાતને મળી રહ્યો છે: સીએમ ભૂપેન્દ્ર પટેલ
- બે દાયકા પહેલાં દેશ વૈશ્વિક સ્તરે હરિફાઇમાં નહોતો ત્યારે ગુજરાત વૈશ્વિક હરિફાઇમાં હતું: સીએમ ભૂપેન્દ્ર પટેલ
ભાવનગર, 21 જાન્યુઆરી: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભાવનગર શહેર અને જિલ્લાનાં કુલ 575.99 કરોડ રૂપિયાના જનસુખાકારીનાં વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યુ હતું. મુખ્યમંત્રીએ રવિવારે વિદ્યાનગર વિસ્તારમાં નિર્માણાધીન નવી કલેક્ટર કચેરી ખાતે વિધિવત પૂજન કરી ખાતમુહૂર્ત કર્યું હતું ત્યારબાદ ઝવેરચંદ મેઘાણી ઓડિટોરિયમ ખાતે તેમનાં હસ્તે વિવિધ વિભાગોના વિકાસ પ્રકલ્પોનું ઇ-લોકાર્પણ અને ઇ-ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
મુખ્યમંત્રીએ તેમનાં પ્રેરક ઉદબોધનમાં કહ્યુ હતું કે, “દેશ અને દુનિયામાં ગુજરાત મોડેલની ચર્ચા થઇ રહી છે તે સિદ્ધિ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આભારી છે. પીએમના વિઝનનો લાભ ગત બે દાયકાથી ગુજરાતને મળી રહ્યો છે. આજે કરોડ, બે કરોડ કે પાંચ કરોડ રૂપિયાના વિકાસકામોની વાત લોકો માટે સામાન્ય થઇ ગઇ છે, કારણ કે વિકાસ કામો માટે પૈસાની કોઈ મુશ્કેલી રહી નથી અને ગુણવત્તાયુક્ત કામો થઈ રહ્યા છે.” ભુપેન્દ્ર પટેલે વિકાસની સાથે વિરાસત અને સંસ્કૃતિનું પણ જતન કરીને વિકસિત ભારત અને વિકસિત ગુજરાત માટે સૌને સાથે મળી કાર્યરત થવા આહવાન કર્યું હતું.
પ્રભારી સચિવ અને રાહત કમિશનર આલોકકુમાર પાંડેએ કહ્યું હતુ કે, સામાન્ય માણસોને પડતી અગવડોનેને સગવડ અને સુવિધામાં રૂપાંતરિત કરવામાં ગુજરાત સરકાર અગ્રેસર છે. નવી કલેકટર કચેરી બનતા તમામ મહેસૂલી સુવિધાઓ એક જ જગ્યાએ ઉપલબ્ધ થશે, જેના કારણે લોકોને સરકારી કામગીરીમાં ઘણી સરળતા રહેશે. જિલ્લામાં કલેકટરના માર્ગદર્શન હેઠળ તમામ લાઈન ડિપાર્ટમેન્ટ સારી કામગીરી કરી રહ્યા છે, જેનું પ્રતિબિંબ જિલ્લાના વિકાસમાં જોવા મળી રહ્યું છે.
ધારાસભ્ય અને પૂર્વ શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ કહ્યું હતું કે, “વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શરૂ કરેલી વિકાસ યાત્રાને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અવિરત રાખી છે. ભાવનગર માટે જીવાદોરી સમાન રિંગરોડની ભેટ આપવા બદલ હું મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કરું છું અને ઋણસ્વીકાર કરું છું.”
મેયર ભરતભાઇ બારડે સમારોહને સંબોધતા કહ્યુ હતુ કે, “જનસુખાકારીના વિકાસ પ્રકલ્પોની ભેટ આપવા બદલ સમગ્ર જિલ્લો મુખ્યમંત્રીનો આભાર માને છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરણાથી થઇ રહેલાં કામોએ અમારી શ્રદ્ધા વધુ મજબૂત કરી છે.”
- સમારોહની આભારવિધિમાં જિલ્લા કલેક્ટર આર.કે. મહેતાએ વિકાસ પ્રકલ્પોની ભેટ આપવા બદલ તેમજ જિલ્લાના વિકાસને નવી દિશા આપવા બદલ મુખ્યમંત્રીનો આભાર માની ઋણ સ્વીકાર કર્યુ હતું.
આ પ્રસંગે અનેક ધારાસભ્યો, જિલ્લા પંચાયતના પ્રમુખ, ડેપ્યુટી મેયર, જિલ્લા કલેકટર, મહાનગરપાલિકા કમિશનર, જિલ્લા વિકાસ અધિકારી, મહારાજા કૃષણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના ઇન્ચાર્જ વાઇસ ચાન્સેલર, સ્થાનિક આગેવાનો સહિતના મહાનુભાવો, અધિકારીઓ અને મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યાં હતાં.
આ પણ વાંચો: વડોદરા બોટ દુર્ઘટનાઃગૃહ વિભાગના સેક્રેટરીને એક્શન ટેકન રિપોર્ટ રજૂ કરવા હાઈકોર્ટનો આદેશ