કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝ

જામનગરની દુર્ઘટનામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સંવેદના વ્યક્ત કરી : મૃતકો અને ઈજાગ્રસ્તો માટે સહાયની જાહેરાત

  • મૃતકોના પરિજનોનો રૂ.4 લાખ તથા ઈજાગ્રસ્તને રૂ.50 હજાર સહાય
  • શહેરમાં ત્રણ માળની જર્જરિત બિલ્ડીંગ થઈ હતી ધરાશાયી
  • નવી સાધના કોલોની વિસ્તારમાં બની હતી ઘટના
  • ઘટનામાં એક જ પરિવારના 3 સભ્યો યુવાન, તેની સગર્ભા પત્નિ અને પુત્રનું થયું મોત
  • બિલ્ડીંગ ધરાશાયી થવાની ઘટનામાં 5 ઈજાગ્રસ્તો સારવાર હેઠળ
  • અંદાજે બે દાયકા કરતા પણ વધુ જૂનું બાંધકામ હોવાનું આવ્યું સામે
  • ફાયર વિભાગ અને મહાનગરપાલિકા દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી

જામનગરમાં ત્રણ માળના જર્જરિત બિલ્ડીંગ પડી જવાની દુર્ઘટનામાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સંવેદના વ્યક્ત કરી છે. બનાવમાં તાત્કાલીક અસરથી ઈજાગ્રસ્તોને સારવાર મળી રહે તેવા આદેશ આપ્યા છે. ઉપરાંત હતભાગીઓ અને ભોગ બનનાર માટે સહાયની જાહેરાત કરવામાં આવી છે. જેમાં મૃતકોના પરિજનોનો રૂ.4 લાખ તથા ઈજાગ્રસ્તને રૂ.50 હજાર સહાય જાહેર કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, જામનગર શહેરમાં આજે સમી સાંજે એક અકસ્માત સર્જાયો છે. શહેરના નવી સાધના કોલોની વિસ્તારમાં એક ત્રણ માળનું જર્જરિત બિલ્ડીંગ ધરાશાયી થયું છે. આ ઘટનામાં એક બાળક, એક સગર્ભા મહિલા અને એક પુરૂષના મોત થયાની સત્તાવાર પુષ્ટિ થઈ છે. જેમાં ત્રણેય મૃતકો એક જ પરિવારના સભ્યો હોવાનું અને માતા – પિતા તેમજ પુત્ર હોવાનું ખુલ્યું છે. બિલ્ડીંગ ધડાકાભેર તૂટી પડવાના કારણે સ્થળ ઉપર નાસભાગ મચી ગઇ હતી. બનાવના પગલે મોટી સંખ્યામાં ફાયરબ્રિગેડ સ્ટાફ તથા મહાનગરપાલિકાનો સ્ટાફ દોડી ગયો હતો અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે.

એક બાળક સહિત ત્રણેક લોકોને બહાર કઢાયા હતા

મળતી માહિતી મુજબ, જામનગરની નવી સાધના કોલોની વિસ્તારમાં આવેલા હાઉસિંગ બોર્ડના મકાનમાં M-69 બ્લોક આજે સાંજે ધડાકાભેર તૂટી પડ્યો હતો. સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર આ બિલ્ડીંગમાં ત્રણ માળ હતા. આ બ્લોકમાં એક ફ્લોર પર બે ફ્લેટ હોવાનું જાણવા મળ્યું છે. એટલે કે ત્રણ ફ્લોર પરના 6 ફ્લેટ ધરાશાયી થયેલા છે. મોટાભાગના મકાનમાં લોકો હાલ વસવાટ કરતા હોવાનું જામવા મળ્યું છે. આ મકાન 25 વર્ષ કરતા વધુ જૂના છે. અહીં હાલ મળતી માહિતી મુજબ કાટમાળમાં દબાયેલા લોકોને બહાર કાઢવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. જેમાંથી એક બાળક સહિત ત્રણ લોકોને ગંભીર રીતે ઈજાગ્રસ્ત હાલતમાં બહાર કાઢવામાં આવ્યા હતા જેઓને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમના મોત થયાનું જાહેર કરવામાં આવ્યું હતું.

મૃતકોના નામની યાદી

  • જયપાલ રાજુભાઈ સાદીયા (ઉ.વ.આ.35)
  • મિત્તલબેન જયપાલભાઈ સાદીયા (ઉ.વ.આ.35)
  • શિવપાલ જયપાલભાઈ સાદીયા (ઉ.વ.આ.5)

ઈજાગ્રસ્તોના નામોની યાદી

  • રાજુભાઈ ઘેલાભાઈ સાદીયા (ઉ.વ.આ.55)
  • જયાબેન રાજુભાઈ સાદીયા (ઉ.વ.આ.55)
  • હિતાંશી જયપાલભાઈ સાદીયા (ઉ.વ.આ.4)
  • દેવુબેન (ઉ.વ.આ.50)
  • પારૂલબેન અમિતભાઇ જોઈશર (ઉ.વ.આ.35)
  • કંચનબેન મનસુખભાઇ જોઈશર (ઉ.વ.આ.65)

સાંસદ, ધારાસભ્ય સહિતનાઓ પહોંચ્યા

શહેરના સાધના કોલોનીમાં મકાન ધરાશાહી થવાની ઘટનાની જાણ થતા સાંસદ પૂનમબેન માડમ ધારાસભ્ય દિવ્યેશ અકબરી, રીવાબા જાડેજા, મેયર બીનાબેન કોઠારી, પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલું, મહાનગરપાલીકા કમિશનર ડી.એન.મોદી, ભાજપ શહેર પ્રમુખ ડો. વિમલ કગથરા, વિપક્ષ નેતા ધવલ નંદા સહિતના અને કોર્પોરેટરો ઘટના સ્થળે દોડી ગયા હતા. દુર્ઘટના બાદ ઘટના સ્થળે પહોચેલા સાંસદ પૂનમબેન માડમ દુર્ઘટનાનો નઝારો જોઇને તેમજ ફસાયેલા લોકોના પરિજનોની વિકટ સ્થિતિ જોઈ ભાવુક બની ગયા હતા. અને તેમની આંખના ખૂણા ભીંજાયા હતા.

108 મારફત હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા

આ બનાવના પગલે આ વિસ્તારમાં અફડાતફડી નો માહોલ સર્જાયો હતો. આ ઘટના ની જાણ થતા જામનગર મહાનગર પાલિકાની ફાયર વિભાગ ની ટીમ, 108 એમ્બ્યુલન્સ સ્ટાફ તેમજ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને તાત્કાલિક ધોરણે બચાવ કાર્ય હાથ ધાર્યું હતું. ફાયર વિભાગ દ્વારા બિલ્ડીંગના કાટમાળ હેઠળથી પાંચ લોકોને બહાર કાઢી 108 એમ્બ્યુલન્સ મારફત હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. તેમજ વધુ લોકોની શોધખોળ હાથ ધરી હતી.

Back to top button