અમદાવાદમાં રૂ.138.46 કરોડના ખર્ચે ડ્રેનેજ તથા પાણીનાં 6 કામોને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આપી મંજૂરી
- સુરતને પણ રૂ.75.78 કરોડના ખર્ચે 76 નાના – મોટા કામો મંજુર કરાયા
- બંને મહાનગરો માટે કુલ રૂ.214 કરોડની ફાળવણીને મુખ્યમંત્રીએ લીલીઝંડી આપી
- મહાનગરોની વધેલી હદ-આઉટગ્રોથ વિસ્તારમાં વિવિધ કામો કરાશે
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે અમદાવાદ મહાનગર પાલિકામાં 6 જેટલા મોટા કામો માટે રૂ.138.46 કરોડ મંજુર કર્યા છે. આ ઉપરાંત સુરત મહાનગર પાલિકાએ આઉટગ્રોથ વિસ્તારના વિકાસ કામો માટે રજૂ કરેલી રૂ.75.78 કરોડની દરખાસ્તોને સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે. આમ આ બંને યોજના પાછળ કુલ રૂ. 214 કરોડના કામો કરવામાં આવનાર છે.
ડ્રેનેજ – પાણીનાં 6 કામોની દરખાસ્તને અનુમોદન મળ્યું
રાજ્ય સરકારે શહેરી વિસ્તારોમાં અને તેની વધારેલી હદ-આઉટગ્રોથ વિસ્તારોમાં પાણી, ગટરવ્યવસ્થા, રોડરસ્તા, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ, સ્ટ્રીટલાઈટ વગેરે માળખાકીય સુવિધાનો વધારો કરીને માનવ વિકાસ સૂચકાંક અને ઇઝ ઓફ લિવિંગ વધારવાની નેમ રાખી છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આપેલી સૈદ્ધાંતિક મંજૂરીના પરિણામે અમદાવાદ મહાનગર પાલિકાના આઉટ ગ્રોથ વિસ્તાર વિકાસ કામો સંદર્ભે રૂપિયા 138.46 કરોડના ખર્ચે ડ્રેનેજ તથા પાણીનાં 6 કામોની દરખાસ્તને અનુમોદન મળ્યું છે.
બજેટમાં માળખાકીય સુવિધાઓ માટે 37 ટકાનો વધારો
આ ઉપરાંત સુરત મહાનગર પાલિકાના આઉટગ્રોથ વિસ્તારના ભૌતિક આંતર માળખાકીય સુવિધાઓના વિવિધ 76 કામો માટે અંદાજીત 75.78 કરોડ રૂપિયાના કામોને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. આ વર્ષે રાજ્યના શહેરી વિકાસ વિભાગના બજેટમાં શહેરી ક્ષેત્રોની માળખાકીય સુવિધાઓ માટે 37 ટકાનો માતબર વધારો પણ સૂચવવામાં આવ્યો છે.