નક્સલવાદ વિરુદ્ધ મોટી સફળતા મળી: છત્તીસગઢમાં એક જ દિવસમાં 22 નક્સલીઓએ આત્મસમર્પણ કર્યું

બીજાપુર, 24 માર્ચ 2025: છત્તીસગઢને નક્સલમુક્ત બનાવવા માટે સરકાર અને સુરક્ષાદળોની કોશિશ સતત ચાલી રહી છે. રાજ્યના વિવિધ ભાગોમાં સતત નક્સલીઓ સાથે અથડામણ થઈ રહી છે અને તેમનો ખાતમો કરવામાં આવી રહ્યો છે. તો વળી નક્સલી મોટા પ્રમાણમાં આત્મસમર્પણ કરી રહ્યા છે. તાજેતરનો મામલો છત્તીસગઢના બીજાપુર જિલ્લામાંથી સામે આવ્યો છે, જ્યાં રવિવારે કૂલ 22 નક્સલીઓએ આત્મસમર્પણ કરી દીધું છે. અહીં ઉલ્લેખનિય છે કે ગુરુવારે બીજાપુરમાં સુરક્ષાદળો સાથે એન્કાઉન્ટરમાં 26 નક્સલીઓ માર્યા ગયા હતા.
નક્સલવાદીઓની ઓળખ જાહેર
મોટી સંખ્યામાં નક્સલીઓના શરણાગતિ અંગે પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે આયતુ પુનેમ, પાંડુ કુંજમ, કોસી તમો, સોના કુંજમ અને લિંગેશ પદમ પર 2 લાખ રૂપિયાનું ઇનામ હતું. આ ઉપરાંત, તિબ્રુરામ માડવી પર 1 લાખ રૂપિયાનું ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું. પોલીસના જણાવ્યા અનુસાર, “પુનેમ પ્રતિબંધિત માઓવાદી સંગઠનના આંધ્ર-ઓડિશા-બોર્ડર (AOB) વિભાગ હેઠળ પ્લાટૂન નંબર 1 ના સભ્ય તરીકે સક્રિય હતો. પાંડુ અને તમો અનુક્રમે પ્લાટૂન નંબર 9 અને પ્લાટૂન નંબર 10 ના પક્ષના સભ્યો હતા. સોના નક્સલ સંગઠનની તેલંગાણા રાજ્ય સમિતિ હેઠળની પ્લાટૂન પાર્ટીની સભ્ય હતી. માડવી જનતા સરકારના વડા હતા જ્યારે લખમા કડાટી દંડકારણ્ય આદિવાસી કિસાન મજદૂર સંગઠન (KAMS) ના પ્રમુખ હતા. અન્ય નીચલા સ્તરના સભ્યો હતા.”
આત્મસમર્પણ કરનારાઓને આ સુવિધા મળશે
છત્તીસગઢ સરકારે બુધવારે છત્તીસગઢ નક્સલી શરણાગતિ/પીડિત રાહત અને પુનર્વસન નીતિ-2025 ને મંજૂરી આપી. આ નીતિ હેઠળ, આત્મસમર્પણ કરનારા માઓવાદીઓને આર્થિક સહાય, પુનર્વસન, શિક્ષણ, રોજગાર અને સુરક્ષા જેવી સુવિધાઓ આપવામાં આવશે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, આ નીતિ હેઠળ, આત્મસમર્પણ કરનારા માઓવાદીઓને ઘણી સુવિધાઓ પૂરી પાડવામાં આવશે. આમાં નાણાકીય સહાય, પુનર્વસન સુવિધાઓ, શિક્ષણ અને રોજગારની તકોનો સમાવેશ થાય છે.
અત્યાર સુધીમાં કેટલા નક્સલીઓએ આત્મસમર્પણ કર્યું છે?
પોલીસ અધિકારીઓએ માહિતી આપી છે કે વર્ષ 2025માં અત્યાર સુધીમાં બીજાપુરમાં 107 નક્સલીઓએ આત્મસમર્પણ કર્યું છે. તે જ સમયે, સુરક્ષા દળો સાથેની એન્કાઉન્ટરમાં 82 નક્સલીઓ માર્યા ગયા છે. આ સાથે, અત્યાર સુધીમાં કુલ ૧૪૩ નક્સલીઓની ધરપકડ કરવામાં આવી છે. તે જ સમયે, વર્ષ 2025 માં અત્યાર સુધીમાં, સમગ્ર છત્તીસગઢમાં 90 થી વધુ નક્સલીઓ માર્યા ગયા છે અને 164 લોકોએ આત્મસમર્પણ કર્યું છે.
આ પણ વાંચો: સ્ટેન્ડઅપ કોમેડિયન કુણાલ કામરાએ એકનાથ શિંદે પર ભદ્દી ટિપ્પણી કરી, શિવસૈનિકોએ સ્ટૂડિયોમાં ઘૂસી તોડફોડ કરી