

ચેન્નાઈ નજીક મામલ્લાપુરમમાં ચાલી રહેલ 44મી ચેસ ઓલિમ્પિયાડની આજે (9 ઓગસ્ટ) પૂર્ણાહુતિ યોજાઈ રહી છે. ખાસ વાત એ છે કે સમાપન સમારોહમાં ભારતના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે. ધોનીનું ચેન્નાઈ સાથે ખાસ બોન્ડ છે કારણ કે તે ઘણા વર્ષોથી આઈપીએલ ફ્રેન્ચાઈઝી ચેન્નાઈ સુપર કિંગ્સ સાથે જોડાયેલો છે. ધોનીએ પોતાની ટીમ CSKને ચાર વખત IPL ચેમ્પિયન બનાવી છે.
આ ઘટના ભારતમાં પહેલીવાર બની છે
ભારતમાં પ્રથમ વખત ચેસ ઓલિમ્પિયાડનું આયોજન કરવામાં આવ્યું હતું. અને તેમાં રેકોર્ડ બ્રેક ખેલાડીઓએ ભાગ લીધો હતો. ઓપન કેટેગરીમાં 188 ખેલાડીઓ અને મહિલા વર્ગમાં 162 ખેલાડીઓ ભાગ લીધો હતો. તેની મશાલ રિલે છેલ્લા 40 દિવસમાં 75 શહેરોમાંથી પસાર થઈને મામલ્લાપુરમ પહોંચી હતી. ટુર્નામેન્ટમાં ઓપન અને વિમેન્સ કેટેગરીમાં ભારતની ત્રણ-ત્રણ ટીમોએ ભાગ લીધો હતો. મહાન ચેસ ખેલાડી વિશ્વનાથન આનંદે આ ઓલિમ્પિયાડમાં ભાગ લીધો ન હતો. પરંતુ તે ખેલાડીઓના માર્ગદર્શકની ભૂમિકામાં રહ્યા હતા.
PM મોદીએ ચેસ ઓલિમ્પિયાડનું કર્યું હતું ઉદ્ઘાટન
ગયા મહિને 28 જુલાઈ (ગુરુવાર) ના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ચેસ ઓલિમ્પિયાડનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે જવાહરલાલ નહેરુ ઇન્ડોર સ્ટેડિયમમાં આયોજિત ઉદ્ઘાટન સમારોહમાં તમિલનાડુના રાજ્યપાલ આરએન રવિ અને મુખ્ય પ્રધાન એમકે સ્ટાલિન, રમતગમત પ્રધાન અનુરાગ ઠાકુર, અભિનેતા રજનીકાંત, એઆર રહેમાન હાજર રહ્યા હતા.
ચેસમાં તામિલનાડુનો દબદબો રહ્યો
તમિલનાડુ પાસે ચેસનો સમૃદ્ધ વારસો છે. ઈન્ટરનેશનલ ચેસ ફેડરેશન (FIDE) અનુસાર 2022 સુધીમાં ભારતમાં 76 ગ્રાન્ડમાસ્ટર (GM)માંથી 17 ચેન્નાઈના છે. તે જ સમયે પાંચ ભારતીય ખેલાડીઓ વિશ્વના ટોપ 55માં સામેલ છે જેમાંથી બે ચેન્નાઈના રહેવાસી છે.
ધોનીએ 2020માં નિવૃત્તિ લીધી હતી
ધોનીની વાત કરીએ તો તે આગામી સિઝનમાં પણ ચેન્નાઈની કેપ્ટનશીપ કરતો જોવા મળશે. એમએસ ધોનીએ 15 ઓગસ્ટ 2020ના રોજ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી. ધોનીએ ભારત માટે 350 ODI, 98 T20 આંતરરાષ્ટ્રીય અને 90 ટેસ્ટ મેચમાં 17266 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 108 અડધી સદી અને 16 સદી ફટકારી હતી. ધોનીની કપ્તાનીમાં ટીમ ઈન્ડિયા ત્રણ આઈસીસી ટાઈટલ જીતવામાં સફળ રહી હતી.