ચેન્નઈ ટેસ્ટ : અશ્વિનની જોરદાર સદી, જાણો પ્રથમ દિવસના અંતે ભારતનો સ્કોર શું છે
- ખરાબ શરૂઆત બાદ ટીમની સ્થિતિ સ્થિર
- જાડેજા અને અશ્વિન વચ્ચે રેકોર્ડ ઈનિંગ
- અશ્વિન (102) અને જાડેજા (86) અણનમ
ચેન્નઈ, 19 સપ્ટેમ્બર : ભારતીય ટીમ અને બાંગ્લાદેશ વચ્ચે 2 મેચની ટેસ્ટ શ્રેણીની ભવ્ય શરૂઆત થઈ છે. પ્રથમ મેચ ગુરુવાર (19 સપ્ટેમ્બર)થી ચેન્નઈના ચેપોક સ્ટેડિયમમાં રમાઈ રહી છે. મેચના પહેલા જ દિવસે સ્ટાર સ્પિન ઓલરાઉન્ડર રવિચંદ્રન અશ્વિન અને રવિન્દ્ર જાડેજાનું બેટિંગ પ્રદર્શન જોવા મળ્યું હતું. મેચના પ્રથમ દિવસે રમતના અંત સુધીમાં ભારતીય ટીમે 6 વિકેટે 339 રન બનાવી લીધા હતા. જેમાં અશ્વિન (102) અને જાડેજા (86) અણનમ છે. આ બંનેએ પોતાની બેટિંગથી બાંગ્લાદેશી બોલરોનો નાશ કર્યો અને ભારતીય ટીમને મુશ્કેલ પરિસ્થિતિમાંથી બહાર કાઢીને મોટો સ્કોર બનાવ્યો હતો.
અશ્વિને 8માં નંબરે સદી ફટકારી
મેચમાં ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે 34 રનમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારબાદ ટીમે 144 રનમાં 5મી વિકેટ ગુમાવી હતી. આ પછી જાડેજાએ 7મા નંબરે આવીને ફિફ્ટી ફટકારી હતી. જ્યારે 8માં નંબર પર આવતા અશ્વિને 108 બોલમાં સદી ફટકારી હતી. આ તેની ટેસ્ટ કારકિર્દીની છઠ્ઠી સદી હતી. આ પહેલા પણ અશ્વિને ફેબ્રુઆરી 2021માં ચેન્નાઈમાં સદી ફટકારી હતી. ત્યારબાદ તેણે ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટમાં સદી ફટકારી હતી. તેની સદી દરમિયાન 10 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા.
અશ્વિન-જાડેજાએ 195 રનની રેકોર્ડ ભાગીદારી કરી
પ્રથમ દિવસે રમતના અંત સુધીમાં અશ્વિન 112 બોલમાં 102 રન બનાવીને અણનમ અને જાડેજા 117 બોલમાં 86 રન બનાવીને અણનમ પરત ફર્યા હતા. હવે આ જ બે બેટ્સમેન બીજા દિવસની પણ શરૂઆત કરશે. બીજા દિવસે જાડેજાની નજર પણ સદી પૂરી કરવા પર રહેશે. પહેલા દિવસે અશ્વિન અને જાડેજા વચ્ચે 227 બોલમાં 195 રનની અણનમ ભાગીદારી નોંધાઈ હતી.
જાડેજા અને અશ્વિને બનાવ્યો આ રેકોર્ડ
આ સાથે જાડેજા-અશ્વિને મળીને બાંગ્લાદેશ સામે 7મી કે તેથી વધુની કોઈપણ વિકેટ માટે સૌથી વધુ રનની ભાગીદારીનો રેકોર્ડ બનાવ્યો હતો. આ પહેલા આ રેકોર્ડ સચિન તેંડુલકર અને ઝહીર ખાનના નામે હતો, જેમણે 10મી વિકેટ માટે 133 રનની ભાગીદારી કરી હતી.