ટોપ ન્યૂઝટ્રેન્ડિંગસ્પોર્ટસ

ચેન્નઈ ટેસ્ટઃ પ્રારંભિક ધબડકા બાદ ટીમ ઈન્ડિયાએ બાંગ્લાદેશને આપ્યો અશક્ય ટાર્ગેટ

Text To Speech
  • ઋષભ પંત અને શુભમન ગિલની સદી
  • ભારતે 287 રન સાથે બીજી ઈનિંગ ડિકલેર કરી

ચેન્નઈ, 21 સપ્ટેમ્બર : ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 2 મેચની ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ ગુરુવાર (19 સપ્ટેમ્બર)થી ચેન્નઈના ચેપોક સ્ટેડિયમમાં શરૂ થઈ હતી. આ મેચનો આજે ત્રીજો દિવસ છે. ટાર્ગેટનો પીછો કરતી વખતે બાંગ્લાદેશે કોઈપણ નુકસાન વિના 30 રન બનાવી લીધા છે. ઝાકિર હસન અને શાદમાન ઈસ્લામ ક્રીઝ પર છે. આ મેચમાં ભારતે બાંગ્લાદેશને જીતવા માટે 515 રનનો ટાર્ગેટ આપ્યો છે.

ત્રીજા દિવસે લંચ બાદ ભારતીય ટીમે ચાર વિકેટે 287 રન બનાવીને તેનો બીજો દાવ ડિકલેર કર્યો હતો. ભારતે પ્રથમ દાવમાં 376 રન બનાવ્યા હતા. જવાબમાં બાંગ્લાદેશની ટીમ તેની પ્રથમ ઈનિંગમાં 149 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ રીતે ભારતને પ્રથમ દાવમાં 227 રનની લીડ મળી હતી.

ઋષભ પંત અને શુભમન ગિલ વચ્ચે શતકીય ભાગીદારી

ભારતને બીજી ઇનિંગમાં તેનો પહેલો ઝટકો ત્રીજી ઓવરમાં જ લાગ્યો, જ્યારે કેપ્ટન રોહિત શર્મા ફાસ્ટ બોલર તસ્કીન અહેમદના બોલ પર ઝાકિર હસનના હાથે કેચ આઉટ થયો.  રોહિતે 5 રન બનાવ્યા હતા. આ પછી યશસ્વી જયસ્વાલ ફાસ્ટ બોલર નાહિદ રાણાના બોલ પર વિકેટકીપર લિટન દાસના હાથે કેચ આઉટ થયો હતો. ત્યારબાદ ભારતે 67 રનના સ્કોર પર વિરાટ કોહલીની વિકેટ પણ ગુમાવી દીધી હતી.  કોહલી સ્પિન બોલર મેહદી હસન મિરાજના બોલ પર LBW આઉટ થયો હતો. કોહલીએ 37 બોલનો સામનો કરીને 17 રન બનાવ્યા જેમાં બે ચોગ્ગા સામેલ હતા. આ પછી શુભમન ગિલ અને ઋષભ પંતની જોડી ક્રિઝ પર સ્થિર થઈ. બંને વચ્ચે ચોથી વિકેટ માટે 167 રનની ભાગીદારી થઈ હતી.

પંત અને ગિલની સદી થઈ

રિષભ પંતે 128 બોલનો સામનો કરીને 109 રન બનાવ્યા હતા. આ તેની ટેસ્ટ કારકિર્દીની છઠ્ઠી સદી હતી. પંતના આઉટ થયાના થોડા સમય બાદ શુભમન ગિલે પણ પોતાની સદી પૂરી કરી હતી. શુભમન 119 રન બનાવીને અણનમ પરત ફર્યો હતો. શુભમને તેની ઇનિંગમાં 10 ચોગ્ગા અને ચાર છગ્ગા ફટકાર્યા હતા. શુભમનની કારકિર્દીની આ છઠ્ઠી સદી હતી. કેએલ રાહુલ 22 રન બનાવીને અણનમ રહ્યો હતો.

Back to top button