- ધરમસાલા, 5 મે: IPL 2024માં અત્યારે જે તબક્કો ચાલી રહ્યો છે એને ધ્યાનમાં લેતાં ટોચની પાંચથી છ ટીમો માટે હવેની તમામ મેચો ખૂબ મહત્વ ધરાવે છે. હવેની મેચો આ તમામ ટીમો જીતવા માંગશે અને તે જ તેમને પ્લેઓફ્સમાં પહોંચાડશે. આજની ચેન્નાઈ સુપર કિંગ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચેની મેચ પણ આ જ મહત્વ ધરવતી હતી.
પંજાબ કિંગ્સે ટોસ જીતીને પહેલાં બોલિંગ લીધી હતી અને ચેન્નાઈની શરૂઆત ખાસ સારી ન રહી હતી. ઓપનર અજીન્ક્ય રહાણે ફરીથી સસ્તામાં આઉટ થઇ ગયો હતો. પરંતુ ત્યાર બાદ કેપ્ટન ઋતુરાજ ગાયકવાડ અને ડેરિલ મિચલે ઇનિંગ સંભાળી હતી અને ઝડપથી રન બનાવવાના શરુ કર્યા હતા.
જો કે ધરમસાલાની આ પીચ ધીમી હતી અને સ્પિનરોને મદદ કરનારી હતી. આ પીચ ઉપર પંજાબ કિંગ્સના સ્પિનર રાહુલ ચાહરે 3 વિકેટો લીધી હતી. પરંતુ પંજાબનો બોલિંગ હિરો રહ્યો હતો પર્પલ કેપ હોલ્ડર હર્ષલ પટેલ જેણે ચાર ઓવર્સમાં ફક્ત 24 રન આપીને 3 વિકેટ લીધી હતી.
ચેન્નાઈ સુપર કિંગ્સના ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંઘ ધોની આજે પણ મોડો આવ્યો હતો પરંતુ તે હર્ષલ પટેલના પહેલા બોલે જ ક્લીન બોલ્ડ થઇ ગયો હતો. આજે ચેન્નાઈના બે બેટરો પહેલા બોલે આઉટ થયા હતા જેમાં ધોની પહેલાં શિવમ દુબે પણ સામેલ હતો.
ચેન્નાઈએ એક પછી એક વિકેટો પડવા છતાં પંજાબ સામે 167 રનનો ફાઈટીંગ ટોટલ મૂક્યો હતો. આવી પીચ ઉપર પંજાબના બેટરો આવતાની સાથે જ શોટ્સ રમવાનું શરુ કર્યું હતું જે તેમને ભારે પડી ગયું હતું. પ્રભસિમરનસિંઘ અને શશાંક સિંઘ સિવાય પંજાબનો એક પણ બેટરે રણનીતિ અપનાવીને બેટિંગ કરી ન હતી.
પરિણામે જે રીતે ચેન્નાઈએ પોતાની ઇનિંગમાં છેલ્લે છેલ્લે વિકેટો ગુમાવી હતી, પંજાબે શરૂઆતમાં જ વિકેટો ગુમાવી દીધી હતી પરિણામે તેના બેટરો દબાણમાં આવી ગયા હતા અને છેવટે આ ટાર્ગેટ તેઓ ચેઝ કરી શક્યા ન હતા.
થોડા દિવસ અગાઉ જ પંજાબે ચેન્નાઈના હોમ ગ્રાઉન્ડ ચેપોક પર ચેન્નાઇને હાર આપી હતી, આમ ચેન્નાઈએ પંજાબના હોમ ગ્રાઉન્ડ પર જીતીને બદલો લઇ લીધો હતો. ચેન્નાઈએ પંજાબને 28 રને હાર આપી હતી.
IPL 2024માં ચેન્નાઈ સુપર કિંગ્સ પોતાની આગલી મેચ ગુજરાત ટાઈટન્સ સામે અમદાવાદમાં રમશે, જ્યારે પંજાબ કિંગ્સ પોતાની મેચ ધરમસાલામાં જ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામે રમશે.