અમદાવાદ: ખારીકટ કેનાલમાં વરસાદ શરૂ થતાની સાથે ઠલવાય છે કેમિકલનું પાણી; વર્ષોથી કેનાલ ફરતેની દીવાલો તૂટી જતા લોકો બની રહ્યા છે શિકાર
અમદાવાદ 11 ઓગસ્ટ 2024 : આમ તો અમદાવાદના સમગ્ર પૂર્વ વિસ્તારમાં વર્ષોથી ખારીકટ કેનાલએ પ્રદૂષણનું મુખ્ય કેન્દ્ર બની ગયું છે. ઠેર ઠેર ગંદકીઓનું સામ્રાજ્ય, રોગચાળો, અને કેમિકલનું પાણી ઠલવાતા લોકોના આરોગ્ય જોખમમાં મુકાઈ ગયા છે. ત્યારે આ સમગ્ર મુદ્દે આજે સ્થાનિક લોકોએ નારાજ થઈને લાંભા વોર્ડના કોર્પોરેટરો તથા કોર્પોરેશન વિરુદ્ધ રોષ ઠાલવ્યો આવ્યો હતો. અને એક બાદ એક એવી ચાર મુખ્ય સમસ્યાઓનું વર્ણન કર્યું હતું અને કહ્યું હતું કે છેલ્લા પાંચ વર્ષથી વારંવાર રજૂઆતો કરવા છતાં લાંભા વોર્ડના કોર્પોરેટરો તથા અધિકારીઓને કોઈ સમસ્યાની દરકાર નથી સ્કૂલમાં જતા બાળકો પણ અવારનવાર કેનાલમાં પડી જાય છે. તેવા અનેક સવાલો તંત્ર સામે સ્થાનિક લોકોએ ઉઠાવ્યા છે.
મુખ્ય ચાર સમસ્યાઓ નિવારણ થવું જરૂરી
સ્થાનિક આગેવાને એચડી ન્યુઝ સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે આશરે પાંચ વર્ષથી અહીંયા કેનાલની દિવાલ પડી ગઈ છે. થોડો સમય અગાઉ અમૂલની લોડેડ ગાડી પણ કેનાલમાં પડી ગઈ હતી. અવારનવાર ટ્રાફિક સમસ્યા સર્જાય છે એક બાજુ લોડેડ મોટા મોટા ટ્રકો પાર્ક કરવામાં આવે છે. જેના સંદર્ભે ટ્રાફિક પોલીસને પણ વારંવાર રજૂઆતો કરાઇ છે બીજી બાજુ ઘણીવાર રાત્રે મોડી સાંજે કેનાલમાં લોકો પડી જાય છે. સામે સ્કૂલ હોવાથી પણ બાળકો ત્યાં ચાલવા જતા કેનાલમાં પડી જવાના શિકાર બન્યા છે.
બીજી તરફ એ કેનાલમાં જીઆઇડીસીનું ગંદુ કેમિકલ યુક્ત પાણી વરસાદ શરૂ થતાની કેનાલમાં છોડી દેવામાં આવે છે. જોકે તેની અલગ વ્યવસ્થા કરવામાં આવી છે છતાં પણ ગેરકાયદેસર રીતે નિયમોનું ઉલ્લંઘન કરીને કેમિકલનું પાણી છોડી દેવામાં આવે તો વરસાદના પાણીમાં મિક્સ થઈ જતા કોઈને ખ્યાલ ના આવે જેવા ઉદ્દેશ્યથી આવા તમામ ગેરકાયદેસર કાર્યો કરવામાં આવે છે. સમગ્ર કેનાલમાં કેમિકલ યુક્ત પાણી હોવાથી હવામાં કેમિકલ ફેલાતા શ્વાસ લેવા સુધીની તકલીફો ત્યાંના લોકો ભોગવી રહ્યા છે. પરંતુ આર્થિક સ્થિતિ ખરાબ હોવાથી કોઈપણ પ્રકારની રજૂઆતો કરી શકતા નથી
સ્થાનિક તંત્રને વારંવાર રજૂઆતો કરાઇ છે
સ્થાનિક લોકોએ વધુમાં જણાવ્યું હતું કે લાંભા વોર્ડમાં સ્થાનિક અપક્ષ કોર્પોરેટર કાલુભાઈ ભરવાડ તથા ત્રણ કોર્પોરેટર ભાજપમાંથી ચૂંટાઈને આવે છે. વારંવાર તેમને રજૂઆતો કરવામાં આવી છે કે અહીંયા કેનાલ ફરતે પાકી દિવાલ બનાવી આપવામાં આવે જેથી પડી જવાનો ભય ન રહે સાથે જીઆઇડીસીનું ગંદુ પાણી કેનાલમાં ન છોડવામાં આવે, તથા સાંકડો રસ્તો હોવાથી ત્યાં કોઈ મોટા વાહનોને પાર્કિંગ કરવા દેવામાં ના આવે પરંતુ કોઈ પણ પ્રકારની સમસ્યા નિવારણ માટે કાર્ય કરાતું નથી અને માત્ર સમસ્યાઓ સાંભળીને જતી કરી દેવામાં આવે છે.
અમદાવાદ પૂર્વની જનતા માટે સારા સમાચાર
અત્રે મહત્વનું છે કે કોર્પોરેશન દ્વારા ખારીકટ કેનાલની પ્રદૂષણની સમસ્યા દૂર કરવા માટે ₹1200 કરોડના પ્રોજેક્ટ થકી કેનાલની ઉપર રોડ બનાવી નીચેની સાઈડ ઢાંકી દેવા કામ શરૂ કરી દેવાયું છે. જેથી આશા છે કે આવનારા દિવસોમાં અમદાવાદના પૂર્વની જનતા સારા વાતાવરણ અને શુદ્ધ આબોહવા મેળવી શકશે.