કુનોથી નૌરાદેહી શિફ્ટ થશે ચિત્તા, 6 ચિત્તાના મોત બાદ સરકાર એલર્ટ
ચિત્તાને સાઉથ આફ્રિકાના નામ્બિયાથી મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કમાં લાવ્યા બાદ જાણે ચિત્તાઓ પર ઘાત બેઠી હોય તેવું લાગી રહ્યું છે. કારણકે, છેલ્લા ઘણા સમયથી કોઈના કોઈ કારણોસર ક્યારેક માદા કે નર ચિત્તા તો ક્યારેક તેમના બચ્ચાના મોતના સમાચાર સામે આવી રહ્યા છે. જેને લઈ કુનો નેશનલ પાર્કમાં નામ્બિયાથી લાવેલા ચિત્તાઓના જીવ પર મોતના જોખમનો ખતરો મંડરાઈ રહ્યો હોય તેવું લાગે છે. જેને ધ્યાનમાં રાખતા સરકાર દ્વારા ચિત્તાઓને કુનોથી નૌરાદેહી શિફ્ટ કરવાનો નિર્ણય લીધો છે.
ટાઇગર પ્રોજેક્ટને મળેલી સફળતા બાદ નિર્ણય
મધ્ય પ્રદેશના સૌથી મોટા નૌરાદેહી અભયારણ્યમાં ટાઇગર પ્રોજેક્ટને મળેલી સફળતા બાદ હવે ચિત્તાને કુનોમાંથી અહીં લાવવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. સંભવતઃ નવેમ્બર પહેલા ચિત્તાઓને પણ અહીં ખસેડવામાં આવશે. 1200 કિલોમીટરમાં ફેલાયેલું આ અભયારણ્ય ખૂબ જ સુરક્ષિત માનવામાં આવે છે. તમે આના પરથી અંદાજ લગાવી શકો છો કે વર્ષ 2018માં વાઘણ રાધા અને વાઘ કિશનને વાઘના પુનરુત્થાન પ્રોજેક્ટ હેઠળ અહીં લાવવામાં આવ્યા હતા, જેમની સંખ્યા આજે 16 થઈ ગઈ છે અને સૌથી સારી વાત એ છે કે છેલ્લા 5 વર્ષમાં અહીં કોઈ પણ પ્રકારના વાઘના જાનહાનિના સમાચાર નથી આવ્યા.
અહીં 183 પ્રકારના પ્રાણીઓ અને પક્ષીઓ છે
નૌરાદેહી અભયારણ્ય મધ્ય પ્રદેશના સાગર, દમોહ અને નરસિંહપુર જિલ્લાઓમાં સંયુક્ત રીતે ફેલાયેલું છે. આ વિસ્તારમાં વૃક્ષો, પહાડો, મેદાનો, નદીઓ, ઘાસ, ગુફાઓ, ઝાડીઓ છે. ચિતલ, ચિંકારા, હરણ, નીલગાય, વરુ સહિતના 183 પ્રકારના પ્રાણીઓ અને પક્ષીઓ અહીં જોવા મળે છે. અભયારણ્યની મધ્યમાં આવી જગ્યા હોવાને કારણે, તે પ્રાણીઓ માટે ખૂબ સુરક્ષિત, સમૃદ્ધ અને વાતાનુકૂલિત છે.
નૌરાદેહી અભયારણ્ય વન્યજીવો માટે ખૂબ જ અનુકૂળ જગ્યા
નૌરાદેહી અભયારણ્યના ડીએફઓ ડૉ.એ.એ. અન્સારીએ જણાવ્યું હતું કે, આ વન્યજીવો માટે ખૂબ જ અનુકૂળ જગ્યા છે. નૌરાદેહીમાં વન્યજીવોની સુરક્ષા માટે 150 વનકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે. અહીંયા શિકારીઓને પકડવા માટે ડોગ સ્ક્વોડ પણ તૈનાત છે. અભ્યારણમાં હાથીઓ પણ છે. નૌરાદેહી અભયારણ્યનું આહલાદકને સુરક્ષિત વાતાવરણને જોતા અહીં ચિત્તા લાવવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ અભ્યારણની સુરક્ષાનો રિપોર્ટ સરકારને મોકલવામાં આવ્યો હતો, જેમાં નૌરાદેહી અભયારણ્ય ચિત્તા માટે અનુકૂળ જણાયું હતું.
કુનોમાં અત્યાર સુધીમાં 6 ચિત્તાના મોત!
કુનો નેશનલ પાર્કમાં અત્યાર સુધીમાં 6 ચિત્તાના મોત થયા છે, જે બાદ સરકાર એલર્ટ મોડ પર છે. ગત દિવસોમાં યોજાયેલી બેઠકમાં મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ દ્વારા નવેમ્બર મહિના પહેલા ચિત્તાઓને ગાંધી સાગર અને નૌરાદેહી અભ્યારણ્યમાં ખસેડવાની તૈયારીઓ કરવા સૂચના આપવામાં આવી હતી.
આ પણ વાંચો: કાશ્મીરમાં ભારતીય સેનાનું મોટું ઓપરેશન, 10 કિલો IED બોમ્બ સાથે 3 આતંકવાદીઓની ધરપકડ