જુનિયર ક્લાર્કની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થતા તંત્રને હાશકારો, હવે પરિણામ પર નજર
- જુનિયર ક્લાર્કની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ
- પેપર લીક થયા બાદ આ વખતે તંત્રએ રાખી પુરેપુરી તકેદારી
- ભાવનગરમાં 9 શંકાસ્પદ લોકોની અટકાયત
આજે રાજ્યભરમાં યોજાયેલી જુનિયર ક્લાર્કની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં પુરી થઈ છે. રાજ્યના 3 હજાર કેન્દ્રો પર પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. અને આ તમામ કેન્દ્રો સીસીટીવીથી સજ્જ કરવામા આવ્યા હતા. અને પરીક્ષામાં કોઈ પણ પ્રકારની ગેરરીતી ન થાય તે માટે તંત્રએ પૂર્ણ તૈયારીઓ કરી હતી ત્યારે પરીક્ષા શાંતી પૂર્ણ માહોલમાં પૂર્ણ થતા તંત્રએ હાશકારો અનુભવ્યો હતો.
જુનિયર ક્લાર્કની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવતી જુનિયર ક્લાર્કની પરીક્ષા આજે પૂર્ણ થઈ છે. રાજ્યમાં આશરે 9.53 લાખ જેટલા ઉમેદવારો પરીક્ષા આપી છે.ત્યારે અગાઉ પેપર લીક થયા બાદ આ વખતે પરીક્ષાને લઈને તંત્ર દ્વારા પુરેપુરી તકેદારી રાખવામાં આવી હતી. જેથી આ વખતે ઉમેદવારોએ શાંતિમય વાતાવરણમાં પોતાનું પેપર પૂર્ણ કર્યું છે. ત્યારે પરીક્ષા શાંતીપૂર્ણ માહોલમાં સંપન્ન થતા ગુજરાત સેવા પસંદગી મંડળ ગાંધીનગર ખાતે શ્રી ફળ વધેરીને ભગવાનનો આભાર માનવામાં આવ્યો હતો.
જૂન મહિનામાં આવશે પરિણામ
ગુજરાત પંચાયત સેવા પંસદગી મંડળ ના ઈન્ચાર્જ અધ્યક્ષ હસમુખ પટેલે આ પરીક્ષાના પરિણામ અંગે માહીતી આપતા જણાવ્યું હતુ કે જૂન મહિનામાં આ પરીક્ષાનું પરિણામ આવશે. ત્યારે હસમુખ પટેલના નેતૃત્તવમાં યોજવામાં આવેલ આ પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.
ભાવનગરમાં 9 શંકાસ્પદ લોકોની અટકાયત
જુનિયર કલાકની પરીક્ષાને લઈ ભાવનગરમાં 9 શંકાસ્પદ લોકોની અટકાયત કરવામા આવી છે. પરીક્ષા દરમિયાન LCBએ 9 શંકાસ્પદ લોકોની અટકાયત છે. જુનિયર ક્લાર્કની પરીક્ષા સમયે સાવચેતીના ભાગરૂપે આ કાર્યવાહી કરવામાં આવી છે.
આ પણ વાંચો : દેશમાં વાઘની ગણતરીનું કામ પૂર્ણ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેર કર્યા આંકડા