- ખાદ્ય પદાર્થમાં ભેળસેળના 49,991 નમૂનાની તપાસ કરવામાં આવી
- ગુજરાતમાં 3 વર્ષમાં 2,240 કેસ, 1,467ને સજા થઇ છે
- 4 વર્ષમાં 50 હજારથી વધુ નમૂનાની તપાસ કરાઈ
ગુજરાતમાં છેલ્લાં ચાર વર્ષમાં ખાદ્ય પદાર્થમાં ભેળસેળના 49,991 નમૂનાની તપાસ કરવામાં આવી હતી, જે પૈકી 3,686 નમૂનામાં ભેળસેળ હોવાનું સામે આવ્યું છે. ભેળસેળના કિસ્સામાં વર્ષ 2019-20થી 2021-22 એટલે કે છેલ્લાં ત્રણ વર્ષમાં 136 ક્રિમિનલ કેસ કરવામાં આવ્યા છે, જે પૈકી 29 આરોપીઓને સજા ફટકારવામાં આવી છે, જ્યારે 2,104 સિવિલ કેસ કરવામાં આવ્યા હતા, જેમાં 1438 વ્યક્તિ સામે કેસ પુરવાર થતાં દંડ ફટકારવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: સુરતમાં આપ નેતા ગોપાલ ઇટાલિયા હર્ષ સંઘવી પર ટિપ્પ્ણી કરી ભરાયા
ત્રણ વર્ષમાં ક્રિમિલન અને સિવિલ એમ કુલ 2240 કેસ કરાયા
આમ ત્રણ વર્ષમાં ક્રિમિલન અને સિવિલ એમ કુલ 2240 કેસ કરાયા હતા, જે પૈકી 1467 વ્યક્તિને સજા કે દંડ ફટકારવામાં આવ્યો છે. સરકારના હેલ્થ વિભાગના સત્તાવાર આંકડામાં આ હકીકત બહાર આવી છે. કેટલાક કિસ્સામાં એવું પણ સામે આવ્યું છે કે, ઓર્ગેનિકના ફૂડના નામે લોકો સાથે છેતરપિંડી થઈ રહી છે, ખેડૂત જે તે ફૂડનું સેમ્પલ કરાવે તો એ ઓર્ગેનિક તેલમાં જંતુનાશક દવાની હાજરી જોવા મળે છે, પરંતુ તંત્ર દ્વારા પગલાં ભરવામાં ઢીલાશ રાખવામાં આવતી હોવાના કિસ્સા પણ સામે આવ્યા છે. એવા પણ કિસ્સા સામે આવે છે કે, સરકારી લેબોરેટરીમાં ટેસ્ટ કરાવીએ તો રિપોર્ટ અખાદ્ય હોય અને ખાનગી લેબોરેટરીમાં ટેસ્ટનો રિપોર્ટ યોગ્ય હોવાનું બહાર આવતું હોય છે, જેને લઈ વિવાદ ઊભા થાય છે. સરકારી તંત્ર આ દીશામાં કડક બને તે જરૂરી હોવાનો મત નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે.
વર્ષ 2018-19માં ગુજરાતમાં 9,884 નમૂનાનું વિશ્લેષણ કરાયું
સરકારી રિપોર્ટ પ્રમાણે વર્ષ 2018-19માં ગુજરાતમાં 9,884 નમૂનાનું વિશ્લેષણ કરાયું હતું, જેમાંથી 822 નમૂનામાં ભેળસેળ હોવાનું બહાર આવ્યું હતું, જેમાંથી 22 ક્રિમિનલ અને 353 સિવિલ કેસ થયા હતા, 237 કિસ્સામાં દંડ અને 22ને સજા કરાઈ હતી. સરકારી તંત્રના કહેવા પ્રમાણે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (એફએસએસએઆઈ) મોનિટરિંગ કરવામાં આવતું હોય છે, ખાદ્ય પદાર્થના નમૂના અધિકારીઓ દ્વારા લેવાય છે, જેને વિશ્લેષણ માટે એફએસએસએઆઈની માન્યતા મળી હોય તેવી લેબોરેટરીમાં મોકલવામાં આવે છે, જો કોઈ નમૂના અયોગ્ય હોય તો એફએસએસએની જોગવાઈ અનુસાર કાર્યવાહી કરાય છે.