અમદાવાદ, 25 જુલાઈ 2024 શહેરમાં વિદેશ મોકલવાના નામે લોકોને છેતરતા અનેક ગઠિયા સક્રિય થઈ ગયાં છે. ગઈકાલે જ કેનેડા મોકલવાના બહાને ઉમિયા ઓવરસિઝ ના સંચાલકોએ પાંચ લાખ રૂપિયાની છેતરપિંડી કરી હોવાના અહેવાલ પ્રકાશમાં આવ્યા હતાં. ત્યારે હવે ફરીવાર એક ગઠિયાએ વિદેશ મોકલવાના બહાને ચાર લાખ રૂપિયાની ઠગાઈ કરી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. અમદાવાદના સૌથી મોટા ચીટર તેજસ શાહે એર ટિકીટ અને હોટેલ બુકિંગના નામે અનેક લોકોને છેતર્યા છે. તે લોકોન પૈસા પડાવીને વિદેશ ભાગી ગયો છે અને ગર્લફ્રેન્ડો સાથે લોકોના પૈસે ઐયાશી કરી રહ્યો છે.
ટોકન પેટે તેના ઘરે રોકડા 50 હજાર રૂપિયા આપ્યા
પ્રાપ્ત વિગતો પ્રમાણે ચાંદખેડામાં રહેતા જોઘાસિંગ જસલે ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા કહ્યું હતું કે, મારા જમાઈએ વિદેશ જવાની વાત કરી હતી. ત્યારે એક ઓળખિતા વ્યક્તિ મારફતે 2023માં અમદાવાદના મેમનગરમા રહેતા રાજેશ પટેલનો સંપર્ક થયો હતો. ત્યાર બાદ અમે રાજેશ પટેલને તેમના ઘરે મળવા ગયા હતાં. તેમણે અમને કહ્યું હતું કે, પોર્ટુગલ દેશના વિઝા મળી જશે. જો તમારી ઈચ્છા હોય તો સાત લાખ રૂપિયા ખર્ચો થશે. જેમાં પાંચ લાખ રૂપિયા પહેલા આપવાના થશે અને પોર્ટુગલ પહોંચ્યા બાદ ત્યાંથી પગારમાંથી બે લાખ રૂપિયા આપવા પડશે. ત્યાર બાદ અમે રાજેશ પટેલને ટોકન પેટે તેના ઘરે રોકડા 50 હજાર રૂપિયા આપ્યા હતાં.
વિઝાની ઉઘરાણી કરતાં વાત કરવાની બંધ કરી દીધી
ત્યાર બાદ તેમણે મારા જમાઈના વિવિધ ડોક્યુમેન્ટ માંગતા તેમને પુરા પાડ્યા હતાં. તે ઉપરાંત અમે રાજેશ પટેલને ટુકડે ટુકડે કુલ ચાર લાખ રૂપિયા આપ્યા હતાં. ત્યાર બાદ અમે તેની પાસે વિઝાની ઉઘરાણી કરતાં તેણે અમારી સાથે વાત કરવાની બંધ કરી દીધી હતી. અમે તેની સાથે રૂબરૂ મુલાકાત કરતાં તેણે કહ્યું હતુંકે, પોર્ટુગલની વ્યવસ્થા થશે નહીં પણ અન્ય દેશમાં મોકલી આપીશ અને તેનો પણ ખર્ચ સાત લાખ રૂપિયા થશે. ત્યાર બાદ અમે તેની વાતમાં સંમત થયા હતાં. ત્યાર બાદ તેણે જણાવ્યું હતું કે, તમારા જમાઈના વિઝા અને સ્પોન્સર લેટર આવી ગયો છે.
પોલીસે ફરિયાદ લઈને વધુ કાર્યવાહી હાથ ધરી
ત્યાર બાદ મેં મારા જમાઈને લખનઉથી નોકરી છોડાવીને તાત્કાલિક અમદાવાદ બોલાવી દીધા હતાં. રાજેશ પટેલે અમને લેટર આપ્યો હતો. આ લેટર આપ્યાના બે દિવસ બાદ ટિકિટ અને વિઝાની વ્યવસ્થા રાજેશ પટેલે કરી આપી નહોતી. તેણે કહ્યું હતું કે, સાયપ્રસ દેશમાં કાયદાકીય પ્રક્રિયા બદલાઈ ગઈ હોવાથી તમારે રાહ જોવી પડશે. અમે તેની પાસે પૈસા પાછા માંગ્યા હતાં ત્યારે તેણે અમારા ફોન ઉપાડવાના બંધ કરી દીધા હતાં અને હજી સુધી તેણે પૈસા પાછા આપ્યા નથી. પોલીસે ફરિયાદ લઈને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચોઃઅમદાવાદના મહાઠગ તેજસ શાહે ફ્રોડ કરવા ટ્રાવેલ એજન્ટોની સિન્ડીકેટ બનાવી