ટોપ ન્યૂઝનેશનલ

છાવલા ગેંગરેપ-મર્ડર કેસઃ ત્રણ દોષિતોને છોડી મુકવાના સુપ્રીમ કોર્ટના આદેશને પડકારશે દિલ્હી સરકાર, LGએ આપી મંજૂરી

નવી દિલ્હીઃ વર્ષ 2012ના બળાત્કાર અને હત્યાના કેસમાં ત્રણ દોષિતોને નિર્દોષ જાહેર કરવાના વિરૂદ્ધમાં દિલ્હી સરકાર દ્વારા રિવ્યુ પિટિશન દાખલ કરશે. દિલ્હી સરકારે ચાવલા સામૂહિક બળાત્કારની હત્યામાં 3 દોષિતોને નિર્દોષ જાહેર કરવાના સુપ્રીમ કોર્ટના ચુકાદા સામે સમીક્ષા અરજી દાખલ કરવા LGને રજૂઆત કરી છે, જે ઉપરાજ્યપાલે મંજૂર કરી છે. સૂત્રોના જણાવ્યા મુજબ કેસનું પ્રતિનિધિત્વ કરવા માટે એસજી તુષાર મહેતા અને એડિશનલ એસજી ઐશ્વર્યા ભાટીની નિમણૂકને પણ ઉપરાજ્યપાલે મંજૂરી આપી દીધી છે.

નવેમ્બરના શરૂઆતના સપ્તાહમાં સુપ્રીમ કોર્ટે ચાવલા ગેંગરેપ-હત્યાના આરોપીઓને છોડવાનો આદેશ આપ્યો હતો. કોર્ટે કહ્યું હતું કે, ફરિયાદ પક્ષ પૂરતા પુરાવા રજૂ કરી શક્યું નથી કારણ કે ઘટનાના ત્રણ દિવસ પછી પીડિતાનો વિકૃત મૃતદેહ મળી આવ્યો હતો. શરીર પર ઊંડા ઘા મળી આવ્યા હતા. આ ઘટનામાં નીચલી કોર્ટે ત્રણ આરોપીઓને દોષિત ઠેરવ્યા હતા. જેને લઈને દિલ્હી સરકાર સુપ્રીમ કોર્ટના નિર્ણય સામે રિવ્યુ પિટિશન દાખલ કરશે.

આરોપીને માત્ર શંકાના આધારે સજા ન આપી શકાય
સુપ્રીમ કોર્ટે કહ્યું કે અપીલકર્તાઓને ન્યાયી સુનાવણીનો તેમનો અધિકાર નકારવામાં આવ્યો હતો. ટ્રાયલ કોર્ટના ચુકાદા પર ટિપ્પણી કરતાં, કહ્યું કે અદાલતો માત્ર શંકાના આધારે આરોપીઓને દોષિત ઠેરવી શકે નહીં. એ સાચું હોઈ શકે કે જઘન્ય અપરાધમાં સંડોવાયેલા આરોપીઓને સજા ન કરવામાં આવે અથવા નિર્દોષ છોડવામાં આવે તો સામાન્ય રીતે સમાજ અને પીડિતાના પરિવારને દુઃખ અને નિરાશાનો સામનો કરવો પડી શકે છે.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે, કોઈપણ પ્રકારના બાહ્ય નૈતિક દબાણથી પ્રભાવિત થયા વિના, કોર્ટમાં દરેક કેસનો નિર્ણય યોગ્યતા અને કાયદા અનુસાર સખત રીતે થવો જોઈએ. તેના આદેશમાં, સુપ્રીમ કોર્ટે કહ્યું, ફરિયાદ પક્ષ વાજબી શંકાથી પરના આરોપોને સાબિત કરવામાં નિષ્ફળ ગયો.

વર્ષ 2012માં 19 વર્ષની યુવતી સાથે જઘન્ય અપરાધ થયો હતો
વર્ષ 2012માં ચાવલા વિસ્તારમાં આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો જેણે બર્બરતાની તમામ હદો વટાવી દીધી હતી. ત્રણ યુવકોએ આ વિસ્તારમાં રહેતી 19 વર્ષની યુવતીનું અપહરણ કર્યું હતું અને તેની સાથે ગેંગરેપ કર્યા બાદ તેની આંખોમાં એસિડ નાખીને તેની હત્યા કરી હતી. ઘટના 14 ફેબ્રુઆરી 2012ની છે. યુવતી ઓફિસેથી છૂટીને સાંજે પોતાના ઘરે જઈ રહી હતી, તે દરમિયાન રસ્તામાં કારમાંથી ત્રણ યુવકોએ તેનું અપહરણ કર્યું હતું. લાંબા સમય સુધી દીકરી ઘરે ન પહોંચતા પરિવારજનોને ચિંતા થવા લાગી અને તેમણે પોતાના રીતે દીકરીની શોધ શરૂ કરી. જે બાદ સંબંધીઓએ પોલીસને ઘટનાની જાણ કરી હતી.

પોલીસે અપહરણનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. શરૂઆતમાં પોલીસને ખબર પડી કે ત્રણ યુવકોએ પીડિતાનું કારમાંથી અપહરણ કર્યું હતું. થોડા દિવસો બાદ પોલીસે આ કેસમાં ત્રણ આરોપી રવિ કુમાર, રાહુલ અને વિનોદની ધરપકડ કરી હતી. તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓએ અપહરણ કર્યા બાદ તેના પર ગેંગરેપ કર્યો હતો. આ દરમિયાન તેને કારમાં ઉપયોગમાં લેવાતા સાધનો વડે માર મારવામાં આવ્યો હતો. યુવતીની બંને આંખોમાં એસિડ નાખીને તેની હત્યા કરી હતી. આ કેસમાં નીચલી અદાલત અને દિલ્હી હાઈકોર્ટે ત્રણેય આરોપીઓને ફાંસીની સજા સંભળાવી હતી. આ પછી દોષિતો તરફથી સજા વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અપીલ દાખલ કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના નિર્ણયને પલટાવતા ત્રણેય દોષિતોને નિર્દોષ જાહેર કર્યા હતા.

Back to top button