ધર્મનેશનલ

ચારધામ યાત્રાઃ 7 દિવસમાં 2 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન, રજિસ્ટ્રેશનનો આંકડો 10 લાખને પાર

Text To Speech

ઉત્તરાખંડ પર્યટન વિકાસ પરિષદ મુજબ, ચારધામ યાત્રામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવી રહ્યા છે. ચારધામ યાત્રામાં આ વખતે દર્શન કરનારા યાત્રિઓનો નવો રેકોર્ડ બની શકે છે. સાત દિવસની અંદર જ બે લાખથી વધુ યાત્રિઓએ કેદારનાથ, બદ્રીનાથ, ગંગોત્રી અને યમનોત્રી ધામના દર્શન કર્યા છે. જ્યારે, યાત્રા પર આવવા માટે રજિસ્ટ્રેશનનો આંકડો 10 લાખનો પાર પહોંચી ગયો છે.

કોરોનાની મહામારીના કારણે બે વર્ષ બાદ ચારધામના કપાટ ખુલતા જ ચારધામની યાત્રા પૂરી ક્ષમતા સાથે સંચાલિત થઈ રહી છે. ચારધામના દર્શન માટે શ્રદ્ધાળુઓમાં અનેરો ઉત્સાહ અને ઉમંગ છે. પહેલા દિવસે જ કેદારનાથ, બદ્રીનાથ, ગંગોત્રી અને યમનોત્રી ધામમાં દર્શન કરવા માટે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું. ત્રણ મેના દિવસે ગંગોત્રી અને યમનોત્રી ધામના કપાટ ખુલતાની સાથે જ યાત્રા શરૂ થઈ ગઈ હતી. 6 મેના દિવસે કેદારનાથ અને 8મી મેના દિવસે બદ્રીનાથ ધામના કપાટ ખુલતાની સાથે જ ચારધામ યાત્રાનો પ્રારંભ થયો. યાત્રા શરૂ થતા જ ચારધામોના દર્શન માટે ભક્તોની લાંબી કતારો લાગી રહી છે.

સૌથી વધુ તીર્થયાત્રિઓએ કેદારનાથ ધામના કર્યા દર્શન
ચારધામ યાત્રામાં કેદારનાથ ધામના સૌથી વધુ 77 હજાર 656 યાત્રિઓએ દર્શન કર્યા. જેમાં ગંગોત્રી ધામમાં 49 હજાર 215, યમનોત્રી ધામમાં 46 હજાર 405 અને બદ્રીનાથ ધામમાં 30 હજાર 773 તીર્થયાત્રિઓ દર્શન કરી ચૂક્યા છે. ચારધામ યાત્રા પર આવવા માટે લાખો લોકોએ રજિસ્ટ્રેશન પણ કરાવ્યું છે. ઉત્તરાખંડ પર્યટન વિકાસ પરિષદ તરફથી ચારધામ યાત્રા પર આવનારા ભક્તોની સુવિધા માટે કૉલ સેન્ટરની સુવિધા ઉભી કરવામાં આવી છે. જ્યાં ટૉલ ફ્રી નંબર 1364 ( અન્ય રાજ્યોમાંથી
01351364)ના માધ્યમથી યાત્રિઓને ચારધામ યાત્રા અને રજિસ્ટ્રેશનની પૂર્ણ જાણકારી આપવામાં આવી રહી છે.

બાબાના દર્શનની સમય મર્યાદામાં વધારો

હવે રાતના 10.30 વાગ્યા સુધી કરી શકાશે બાબાના દર્શન
મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવતા હોવાથી બાબા કેદારનાથના દર્શનની સમય મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે. ભક્તો હવે રાતના 10.30 વાગ્યા સુધી બર્ફીલા બાબાના દર્શન કરી શકશે. પહેલા સવારના 6 વાગ્યાથી બપોરના 3 વાગ્યા સુધી તેમજ સાંજના 5 વાગ્યાથી લઈને રાતના 8.30 વાગ્યા સુધી ભક્તો દર્શન કરી શકતા હતા. પરંતુ, કેદારનાથના કપાટ ખુલ્યા બાદ આ વખતે તીર્થયાત્રિઓની વધુ ભીડ જોવા મળી રહી હોવાથી દર્શનની સમય મર્યાદા વધારવામાં આવી છે. માત્ર બપોરના 3થી 4 વાગ્યા સુધી એક કલાક માટે સાફ-સફાઈ, શૃંગાર અને ભોગ ધરાવવા માટે બાબાના કપાટ બંધ રહેશે. પહેલા કેદારનાથના કપાટ 2 કલાક સુધી બંધ રાખવામાં આવતા હતા.

Back to top button