કર્ણાટક વિધાનસભામાં હોબાળો: રાજ્યપાલ ભાષણ અધૂરું છોડી બહાર નીકળી ગયા, કોંગ્રેસ-ભાજપના ધારાસભ્યો આમને-સામને

કર્ણાટકઃ 22 જાન્યુઆરી, 2026: કર્ણાટક વિધાનસભાના સત્રની શરૂઆતમાં જ ભારે હોબાળો અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. રાજ્યપાલ થાવરચંદ ગેહલોતે ગુરુવારે રાજ્ય વિધાનમંડળના સંયુક્ત સત્રમાં કોંગ્રેસ સરકાર દ્વારા તૈયાર કરવામાં આવેલું પરંપરાગત ભાષણ પૂરું વાંચવાનો ઇનકાર કરી દીધો હતો. રાજ્યપાલ માત્ર થોડી જ મિનિટોમાં સંબોધન પતાવીને ગૃહની બહાર નીકળી જતાં બંધારણીય કટોકટી જેવી સ્થિતિ સર્જાઈ છે.
માત્ર ગણતરીની પંક્તિઓ વાંચીને ‘જય હિંદ’ કહી દીધું
રાજ્યપાલ ગેહલોતે પોતાના સંબોધનમાં માત્ર એટલું જ કહ્યું કે, તેમની સરકાર સામાજિક અને આર્થિક વિકાસ માટે કટિબદ્ધ છે. ત્યારબાદ તરત જ ‘જય હિંદ’ અને ‘જય કર્ણાટક’ ના નારા લગાવી ભાષણ સમાપ્ત કરી દીધું. આ અચાનક બનેલી ઘટનાથી ગૃહમાં હાજર ધારાસભ્યો અસમંજસમાં મુકાઈ ગયા હતા.
ગૃહમાં પક્ષ-વિપક્ષ વચ્ચે ઉગ્ર સૂત્રોચ્ચાર
રાજ્યપાલ જેવો હોદ્દો છોડીને રવાના થયા કે તરત જ કોંગ્રેસના ધારાસભ્યોએ તેમના વિરુદ્ધ સૂત્રોચ્ચાર શરૂ કર્યા હતા. બીજી તરફ, ભાજપના ધારાસભ્યોએ રાજ્યપાલના સમર્થનમાં ‘ભારત માતા કી જય’ ના નારા લગાવી તેમને અભિનંદન પાઠવ્યા હતા. આ દરમિયાન કોંગ્રેસના MLC બી.કે. હરિપ્રસાદે રાજ્યપાલને રોકવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં ધક્કામુક્કી દરમિયાન તેમનું કુર્તું પણ ફાટી ગયું હોવાના અહેવાલ છે. માર્શલોએ વચ્ચે પડીને રાજ્યપાલ માટે બહાર જવાનો રસ્તો સાફ કરવો પડ્યો હતો.
વિવાદનું મુખ્ય કારણ: કેન્દ્ર વિરોધી 11 પેરેગ્રાફ
રાજ્યપાલ અને સિદ્ધારમૈયા સરકાર વચ્ચેના વિવાદનું મૂળ કારણ ભાષણના એ 11 પેરેગ્રાફ હતા, જેમાં કેન્દ્ર સરકાર પર પ્રહારો કરવામાં આવ્યા હતા. ભાષણમાં આરોપ હતો કે કેન્દ્ર સરકાર કર્ણાટકનું “આર્થિક દમન” કરી રહી છે અને 15મા નાણા પંચ દરમિયાન રાજ્યને ₹1.25 લાખ કરોડના હિસ્સાથી વંચિત રાખવામાં આવ્યું છે. ભાષણમાં રોજગાર ગેરંટી યોજના (MNREGA) અને ‘વિકસિત ભારત’ અભિયાનની પણ ટીકા કરવામાં આવી હતી. રાજ્યપાલે અગાઉથી જ સરકારને આ વિવાદાસ્પદ પેરેગ્રાફ હટાવવા સૂચના આપી હતી, પરંતુ સરકારે તેમાં ફેરફાર ન કરતા રાજ્યપાલે આખું ભાષણ વાંચવાનું ટાળ્યું હતું.
આ ઘટના બાદ કર્ણાટકમાં રાજ્યપાલ અને સત્તાધારી કોંગ્રેસ સરકાર વચ્ચેનો ગજગ્રાહ વધુ તીવ્ર બન્યો છે, જેની અસર આગામી દિવસોમાં રાજ્યના રાજકારણ પર સ્પષ્ટપણે જોવા મળશે.












