એક તરફ ઉનાળો શરૂ થવા જઈ રહ્યો છે ત્યારે કમોસમી વરસાદ સાથે વાતાવરણમાં પલટો આવ્યો છે. જેના કારણે સૌથી વધુ ચિંતા ખેડૂતોની વધી છે. કમોસમી વરસાદી ઝાપટું પડતા ખેડૂતોના પાકમાં નુકસાનીની ભીતિ વર્તાઈ રહી છે. તેમજ જ કેરીના તૈયાર પાકને પણ વધુ નુકસાન થવાની ચિંતા ખેડૂતોમાં વધી છે. અમદાવાદમાં પણ રાત્રિના સમયે વિજળીના કડાકા સાથે વરસાદી વાતાવરણ પલટાયું હતું. શહેરના પૂર્વ વિસ્તારમાં છાંટા પણ પડ્યા હતા.
રાજ્યમાં આગામી 48 કલાક માટે હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર, ઉત્તર અને દ.ગુજરાતમાં માવઠાની આગાહી કરાઈ છે. આ સાથે જ ભારે પવન સાથે વરસાદની હવામાન વિભાગની આગાહીથી લોકોની મુશ્કેલી વધી શકે છે. અમદાવાદ અને ગાંધીનગરમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. તો મોડી રાતે ઉત્તર ગુજરાતના બનાસકાંઠામાં ભારે વરસાદ થયો હોવાનું પણ જાણવા મળ્યું છે.
આ વિસ્તારોમાં વરસાદ
બોટાદમાં મોડી સાંજે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. સાળંગપુરમાં રાત્રે સાંબેલાધાર વરસાદ પડ્યો હતો. આ સાથે ભાવનગરમાં ઉમરાળા, વલભીપુર, પાલીતાણા તથા જેસરમાં પણ વરસાદી ઝાપટા પડ્યા હતા. તો સુરેન્દ્રનગરમાં પાટડી, વઢવાણ તથા સુરેન્દ્રનગર શહેરમાં પણ વરસાદી છાંટા પડ્યા હતા.
અમરેલી જિલ્લાના ધારી ગીર પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. ભારે પવન સાથે કમોસમી વરસાદના ઝાપટાઓ પડ્યા હતા. ભારે પવનના કારણે ડાભાળીથી દેવલા તરફ જતા રસ્તા પર વીજ પોલ ધરાશાયી થયો હતો. વીજ પોલ ધરાશાયી થતા આસપાસના કેટલાક ગામડાઓમાં વીજ સેવા ખોરવાઈ હતી.
જામનગરમાં રાત્રિ દરમિયાન વાતાવરણમાં પલટો જોવા મળ્યો. અહીં રાત્રિ દરમિયાન વીજળીના કડાકા સાથે વરસાદ વરસ્યો. રાજ્યમાં માવઠાની આગાહીની અસર જામનગર શહેર અને જિલ્લામાં જોવા મળી. વાતાવરણમાં પલટો વળતા આકાશમાં વીજળીના કડાકા ભડાકાની અસર પણ વર્તાઈ. ગરમી ભર્યા વાતાવરણ વચ્ચે કમોસમી વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હોવાની માહિતી પણ મળી રહી છે.
આ પણ વાંચો : મોરબી ઝૂલતો પુલ દુર્ઘટના કેસ : જયસુખના હવાતિયા, જેલમાંથી બહાર આવવા પણ મૃતકોની જ લીધી મદદ
હવામાન વિભાગની આગાહીને પગલે ડાંગમાં પણ કમોસમી વરસાદ થયો છે. આહવામાં વરસાદ થતાં ડાંગ દરબારમાં મુશ્કેલી સર્જાઈ હતી. કમોસમી વરસાદને કારણે ખેતીના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.
આ પણ વાંચો : હવામાનમાં પલટો : રાજ્યમાં વિવિધ સ્થાનો પર વાદળછાયું વાતાવરણ, ક્યાંક વરસાદ તો ક્યાંક ગરમી વધી