અમદાવાદ શહેરમાં આજે શુક્રવારે સમી સાંજે વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો. જેના કારણે પશ્ચિમના વિસ્તારોમાં પવન સાથે વરસાદ પડતાં ગરમીમાં રાહત થઈ હતી. જાણવા મળ્યા અનુસાર શહેરના આંબાવાડી, સાઉથ બોપલ, એસજી હાઈવે, પ્રહલાદ નગર, વેજલપુર, જીવરાજપાર્ક, પર ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે વાહનચાલકો મુશ્કેલીમાં મૂકાયા છે.
બપોરથી સાંજ સુધી વાદળછાયું વાતાવરણ અને બફારો રહ્યો
મળતી માહિતી મુજબ અમદાવાદ શહેરમાં આજે દિવસભર વાતાવરણ વાદળછાયું રહ્યું હતું. બપોરથી સાંજ સુધી સખત બફારાના કારણે લોકો અકળાયા હતા. દરમ્યાન સમી સાંજે અચાનક જ વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો અને આંબાવાડી, સાઉથ બોપલ, એસજી હાઈવે, વસ્ત્રાપુરમાં વરસાદ વરસ્યો છે. ત્યાં જ શહેરના એસજી હાઇવે પર પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. અમદાવાદના કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. થોડી જ મીનિટોમાં રસ્તાઓ પર પાણી ભરાતા વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
પાટણના રાધનપુરમાં ચાર ઈંચ સુધી વરસાદ ખાબકતા જળબંબાકારની સ્થિતિ
પાટણ જિલ્લાના રાધનપુરમાં ચાર ઇંચ સુધી વરસાદ ખાબકી જતા જળબંબાકાર જેવી સ્થિતિનું સર્જન થયું હતું જેના કારણે અનેક લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. આ વરસાદ માત્ર સાડા ત્રણ કલાકમાં પડી જતા બજારોમાં 2થી 3 ફૂટ જેટલા પાણી ભરાયા હતા. તેમજ મોટાભાગની દુકાનો પાણીમાં ગરકાવ થઈ હતી. માર્ગો પર નદીઓની જેમ પાણી વહેવા લાગ્યા હતા.
સવારે બફારો રહ્યો, બપોર પછી મેઘરાજાએ કરી દે ધનાધન
મળતી માહિતી મુજબ ઉત્તર ગુજરાતમાં શુક્રવારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી હતી પરંતુ સવારના સમયે વાદળછાયા વાતાવરણના કારણે ભારે બફારો થતો હતો પણ બપોર પછી હવામાનમાં અચાનક પલટો આવ્યો હતો અને સાડા ત્રણ કલાકના સમયગાળામાં જ ચાર ઇંચ જેટલો વરસાદ પડી જતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. તેમજ શહેરમાં જ્યા જુઓ ત્યા પાણી જ પાણી જોવા મળ્યું હતું. હાઇવે ચાર રસ્તા ઉપર ભારે વરસાદને કારણે ટ્રાફિક જામ પણ થઈ ગયો હતો. એસટી સ્ટેન્ડથી જલારામ સોસાયટી સુધી પાણી ભરાઈ ગયા હતા. જેને કારણે લોકોને ભારે હાલાકી પડી હતી. ધોધમાર વરસાદના કારણે પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. બજારોમાં 2થી 3 ફૂટ જેટલા પાણી ભરાઈ જતા વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો