રાષ્ટ્રપતિ ચંન્દ્રક વિજેતા રાજ્યના પોલીસ અધિકારીઓ-કર્મીઓનો ચંન્દ્રક અલંકરણ સમારોહ યોજાયો
ગુજરાત પોલીસ આયોજિત પોલીસ મેડલ અલંકરણનો ગૌરવશાળી સમારોહ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતમાં યોજાયો હતો. જેમાં તેઓએ સ્પષ્ટપણે જણાવ્યું કે રાજ્યની સુરક્ષા, શાંતિ અને સલામતિના પાયામાં પોલીસ દળની કર્તવ્યનિષ્ઠા અને ફરજપરસ્તી રહ્યા છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ વાયબ્રન્ટ સમિટથી ઉદ્યોગ-વેપાર જગતમાં ગુજરાતની વૈશ્વિક છબિ ઊભી કરી છે. આના પરિણામે દેશ-વિદેશના રોકાણકારો, ઉદ્યોગ વ્યવસાયકારો ગુજરાતમાં રોકાણો કારોબાર માટે આકર્ષાયા છે. ત્યારે ગુજરાતની સુદ્રઢ સુરક્ષા, શાંતિ અને સલામતિ એ આવા રોકાણકારો માટે ગુજરાતને રોકાણ માટેની પસંદગીનું પહેલું સ્થળ બનાવ્યું છે તેનો યશ રાજ્યના પોલીસ બેડાને ફાળે જાય છે.
99 અધિકારીઓ અને કર્મીઓને સન્માનિત કરાયા, ગૃહમંત્રી સહિતના રહ્યા ઉપસ્થિત
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભારતના રાષ્ટ્રપતિ દ્વારા ગુજરાત પોલીસ દળના ૯૯ જેટલા અધિકારી-કર્મીઓને પ્રસંશનીય સેવા, વિશિષ્ટ સેવા માટેના જાહેર થયેલા પોલીસ મેડલ્સ અમદાવાદમાં અર્પણ કર્યા હતા. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, મુખ્ય સચિવ પંકજકુમાર, ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ રાજકુમાર, પોલીસ મહાનિદેશક આશિષ ભાટિયા સહિત ચંન્દ્રકથી સન્માનિત પોલીસ અધિકારીઓના પરિવારજનો આ ગૌરવ ક્ષણે સહભાગી થયા હતા. આ તકે ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ પોલીસ દળના સેવા-સમર્પણને બિરદાવી પોલીસને સમાજ સુરક્ષાના પ્રહરી કહ્યા છે તેનો વિશેષ ઉલ્લેખ કરીને POLICE ની આગવી વ્યાખ્યા પરિભાષિત કરી હતી.
ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીએ પોલીસકર્મીઓની કરી પ્રસંશા
ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, રાજ્ય પોલીસ દળની ફરજપાલન પરસ્તીથી તેમણે ગુજરાતને દેશભરમાં સુરક્ષા બાબતે અવ્વલ રાખ્યું છે. તેમણે કહ્યું કે, ૨૦૦૨ થી ૨૦૨૨ સુધીની ગરવી ગુજરાતથી વંદે ગુજરાત સુધીની સફળતા પાછળ ગુજરાત પોલીસનું પણ મોટું યોગદાન રહ્યું છે. વધુમાં હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને ગૃહમંત્રી અમિતભાઇ શાહએ કાયદો અને વ્યવસ્થા બાબતે અનેક મહત્વપૂર્ણ નિર્ણયો કર્યા તથા પોલીસ વિભાગને પણ લો એન્ડ ઓર્ડર બાબતે કામ કરવાની સંપુર્ણ સ્વતંત્રતા આપી છે. ડ્રગ્સવિરોધી ઝુંબેશનો ઉલ્લેખ કરતા તેમણે ઉમેર્યું કે, પોલીસની કામગીરીથી આજે ડ્રગમાફિયાઓમાં ફફડાટ છે.ગુજરાત પોલીસ ફક્ત ગુજરાત જ નહીં પરંતુ અન્ય રાજ્યોમાં જતું ડ્રગ્સ પકડીને યુવાનોને બરબાદીમાંથી ઉગારવાની ઉત્કૃષ્ઠ કામગીરી કરી રહી છે. ગુજરાત પોલીસની કાબીલે તારીફ કામગીરી બદલ પોલીસકર્મીઓ અને તેમના પરિવારજનોના ઉત્કર્ષ માટે મુખ્યમંત્રીની આગેવાનીમાં સરકારે ફાળવેલા રૂ. 550 કરોડના વિશેષ પેકેજ બદલ તેમણે ગૃહવિભાગ વતી આભાર વ્યક્ત કર્યો હતો.