ચંદ્રાબાબુને જૂઠું બોલવાની ટેવ: તિરૂપતિ પ્રસાદ વિવાદ વચ્ચે જગનમોહન રેડ્ડીએ PMને લખ્યો પત્ર
- માત્ર રાજકીય હેતુઓ માટે કરોડો લોકોની આસ્થાને ઠેસ પહોંચાડી: જગનમોહન રેડ્ડી
અમરાવતી, 22 સપ્ટેમ્બર: તિરુપતિ મંદિરમાં પ્રસાદને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી વાય.એસ. જગનમોહન રેડ્ડીએ આજે રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે. પત્રમાં રેડ્ડીએ કહ્યું છે કે, (મુખ્યમંત્રી) ચંદ્રાબાબુ નાયડુને જૂઠું બોલવાની ટેવ છે જે એટલા નીચેના સ્તરે ઉતરી ગયા છે કે તેમણે માત્ર રાજકીય હેતુઓ માટે કરોડો લોકોની આસ્થાને ઠેસ પહોંચાડી છે.”
સત્ય બહાર લાવવું જોઈએ: પૂર્વ CM જગનમોહન રેડ્ડી
જગનમોહન રેડ્ડીએ પત્રમાં વધુમાં કહ્યું કે, આ મહત્ત્વપૂર્ણ સમયે સમગ્ર દેશ તમારી તરફ જોઈ રહ્યો છે. નાયડુને જૂઠાણું ફેલાવવાના નિર્લજ્જ કૃત્ય માટે સખત ઠપકો આપવો જોઈએ અને સત્ય બહાર લાવવું જોઈએ. જેનાથી ચંદ્રબાબુ નાયડુ દ્વારા કરોડો હિન્દુ ભક્તોના મનમાં નાખવામાં આવેલી શંકા દૂર થશે અને તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (TTD)ની પારદર્શિતામાં વિશ્વાસ પુનઃસ્થાપિત થશે. મુખ્યમંત્રી નાયડુ TTDની પવિત્રતા, અખંડિતતા અને પ્રતિષ્ઠાને કલંકિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.”
પૂર્વ CM જગનમોહન રેડ્ડી આગળ લખ્યું કે, “એ ધ્યાનમાં રાખવું અગત્યનું છે કે કથિત ભેળસેળયુક્ત ઘીને નકારી કાઢવામાં આવ્યું હતું અને TTD પરિસરમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવી ન હતી. જો કે, નાયડુએ 18 સપ્ટેમ્બરે રાજકીય પક્ષની બેઠકમાં ખોટા ઈરાદા સાથે આ મુદ્દો ઉઠાવ્યો હતો.”
ચંદ્રબાબુ નાયડુએ ધારાસભ્ય દળની બેઠકમાં કર્યો હતો દાવો
થોડા દિવસો પહેલા, NDA ધારાસભ્ય દળની બેઠકમાં, TDP વડા અને આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ દાવો કર્યો હતો કે, અગાઉની YSR કોંગ્રેસ પાર્ટીની સરકારે વેંકટેશ્વર મંદિરને પણ છોડ્યું ન હતું અને લાડુ બનાવવા માટે હલકી ગુણવત્તાની સામગ્રી અને પ્રાણીની ચરબીનો ઉપયોગ કર્યો હતો. બે દિવસ પછી, 20 સપ્ટેમ્બરે, TTD એક્ઝિક્યુટિવ ઓફિસર જે. શ્યામલા રાવે પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, સેમ્પલના લેબ ટેસ્ટિંગમાં પ્રાણીની ચરબી અને લાર્ડની હાજરી બહાર આવી હતી તેમજ બોર્ડ ભેળસેળયુક્ત ઘી સપ્લાય કરતા કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવાની પ્રક્રિયામાં હતું.
આ પણ જૂઓ: તિરુપતિ લડ્ડુ વિવાદ પર ધર્મગુરુ શ્રી શ્રી રવિશંકરનું નિવેદન, 1857ના સિપાહી વિદ્રોહની યાદ અપાવી