ખીરું ખાવાથી બે બાળકીના શંકાસ્પદ મોતના કેસમાં FSL રિપોર્ટ આવ્યો, ખીરામાં કોઈ ઝેરી પદાર્થ ન મળ્યો

FSL Report: અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં મારુતિ પ્લાઝા સોસાયટીમાં બનેલી આ ઘટનાએ સમગ્ર શહેરને હચમચાવી દીધું છે. વિમલ પ્રજાપતિ અને તેમની પત્ની ભાવના પ્રજાપતિની બે નાની બાળકીઓ, મોટી દીકરી મિશ્રી (આશરે 4 વર્ષ) અને નાની દીકરી રાહા ( 3 મહિનાની) ના શંકાસ્પદ મોતના કેસમાં ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL)નો રિપોર્ટ આવી ગયો છે.
જાણો આખો ઘટનાક્રમ
1 એપ્રિલ 2026ના રોજ વિમલ પ્રજાપતિ ઘરની નજીક આવેલી ઘનશ્યામ ડેરીમાંથી તૈયાર ઢોસાનું ખીરું લાવ્યા હતા. આ ખીરુંથી ઘરે ઢોસા બનાવ્યા હતા અને પરિવારે તે ખાધા. થોડા સમય પછી આખા પરિવારને ઉલટી અને તબિયત બગડવાનું શરૂ થયું. બાળકીઓની હાલત વધુ બગડતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. ત્યારબાદ 3 એપ્રિલે નાની બાળકી રાહા અને ત્યારબાદ મોટી બાળકી મિશ્રીનું મોત થયું. પરિવારે શરૂઆતમાં આને ફૂડ પોઈઝનિંગ કહ્યું, ખીરાને જવાબદાર ગણાવ્યું હતું.
FSL રિપોર્ટની મુખ્ય
વિગતો
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ડેરીમાંથી અને ઘરમાંથી ખીરાના સેમ્પલ લીધા હતા. FSL રિપોર્ટમાં ખીરામાં કોઈ હાનિકારક, ઝેરી કે અન્ય પદાર્થ મળ્યા નથી. આ રિપોર્ટે ફૂડ પોઈઝનિંગના આરોપને નકારી કાઢ્યો છે. જ્યારે માતા-પિતાના બ્લડ સેમ્પલમાં એલ્યુમિનિયમ ફોસ્ફેટ એટલે કે, ઝેરી પેસ્ટિસાઇડ/સ્લીપિંગ પિલ જેવા પદાર્થ મળી આવ્યાં છે. ઘરમાંથી કીટનાશકની ગોળીઓ પણ મળી આવી છે.
બે કલાક સુધી માતા-પિતાની પૂછપરછ
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ ખાતે મૃતક બાળકીઓના માતા પિતાની પૂછપરછ કરવામાં આવી હતી. આ પૂછપરછ દરમિયાન માતા-પિતાના નિવેદનોમાં નોંધપાત્ર અસંગતતા સામે આવી છે. શરૂઆતમાં તેઓ ખીરું ખાધું હોવાની વાત કરતા હતા, જ્યારે હવે તેઓ ખીચડી અને ચોકલેટ જેવી અન્ય વસ્તુઓ ખાધી હોવાની નવી થિયરી રજૂ કરી રહ્યા છે. નિવેદનોમાં આ ફેરફારને કારણે તપાસ એજન્સીઓ વધુ સતર્ક બની છે અને સમગ્ર ઘટનાક્રમને વિવિધ દૃષ્ટિકોણથી તપાસી રહી છે.
પોલીસને માતા ભાવનાની ડાયરીમાંથી પુત્ર પ્રાપ્તિ અંગેની તેની ગાઢ ઇચ્છા દર્શાવતી નોંધ મળી છે, આ અંગે માતા ભાવનાબેનની પૂછપરછ કરતા તેમણે જણાવ્યું હતું કે, ‘મને પહેલેથી જ એક દીકરી હતી, તેથી જો દીકરો આવે તો પરિવાર પૂર્ણ થાય તેવી દરેક મધ્યમવર્ગીય પરિવાર જેવી એક સામાન્ય ઈચ્છા હતી.
માતા-પિતાના નિવેદનોમાં અસંગતતા છે. શરૂઆતમાં ખીરું કારણ બતાવાયું હતું, પરંતુ હવે અન્ય વસ્તુઓનો ઉલ્લેખ કરવામાં આવી રહ્યો છે. ચાંદખેડા પોલીસ આ કેસની આત્મહત્યા કે સંભવિત હત્યાના દૃષ્ટિકોણથી સઘન તપાસ કરી રહી છે.
આ પણ વાંચો: એર ઈન્ડિયા દુર્ઘટના પીડિતને ડબલ ઝટકો! પત્ની-દીકરી ગુમાવ્યા બાદ UKમાંથી ડિપોર્ટનો ખતરો












