અરવલ્લી, 25 જુલાઈ 2024, ચાંદીપુરા વાઈરસે સમગ્ર ગુજરાતમાં હાહાકાર મચાવ્યો છે. જેમાં અત્યાર સુધી 41 બાળકોના મૃત્યુ નીપજ્યાં છે ત્યારે, આ રોગ ના ઉપદ્રવ અને તેના નિયંત્રણ બાબતે ચકાસણી માટે પુનાથી NIVની બે ટીમ મેઘરજના ઢેકવા અને ભિલોડાના મોટા કંથારિયા ગામે આવી હતી.અરવલ્લી જિલ્લામાં ચાંદીપુરા કેસને લઈને પુણેથી કેન્દ્ર સરકારની ટીમે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી. જિલ્લાના ભિલોડાના મોટા કંથારિયા અને મેઘરજ તાલુકાના ઢેકવા ગામના વિવિધ વિસ્તારોમાં ટીમ દ્વારા લોહીના સેમ્પલ તેમજ સેન્ડ ફ્લાયના નમૂના લેવાયા હતા.
ચાંદીપુરા વાઇરસના હાલ 54 દર્દી દાખલ
રાજ્યના વિવિધ વિસ્તારોમાં ચાંદીપુરાના કેસ સામે આવતાં સેમ્પલ પુના મોકલાયા હતા. જેને લઇને કેન્દ્ર સરકારે બે ટીમ અરવલ્લી જિલ્લામાં મોકલી હતી. જેણે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઇને જરૂરી માહિતી એકત્રિત કરી હતી.ગુજરાત રાજ્યના શંકાસ્પદ ચાંદીપુરા વાઇરસના હાલ 54 દર્દી દાખલ છે અને 23 દર્દીને રજા આપવામાં આવી છે, જેમાં ગુજરાત સિવાય રાજસ્થાનના કુલ 3 કેસમાં 2 દર્દી દાખલ છે અને 1 દર્દીનું મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે મધ્યપ્રદેશના 2 કેસ સામે આવ્યા હતા, જેમાં બંને દર્દી હાલ હોસ્પિટલમાં દાખલ છે અને મહારાષ્ટ્રથી સામે આવેલા 1 કેસમાં હાલ દર્દી સારવાર હેઠળ છે.
ગાંધીનગરમાં જ ટેસ્ટિંગ થઈ જશે
ચાંદીપુરા વાઇરસના કેસ વધતાં અને જે સેમ્પલો પુણે મોકલવામાં આવતાં હતાં તેના રિપોર્ટ પરત આવવા ઘણો સમય લાગતો હોવાથી વાઇરસનાં સેમ્પલ ટેસ્ટિંગ અંગે રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે આ અંગે એક મોટી જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે ચાંદીપુરા વાઇરસનાં સેમ્પલનું ટેસ્ટિંગ હવે GBRCમાં થશે. સેમ્પલને પુણે મોકલવાં નહીં પડે અને ગાંધીનગરમાં જ ટેસ્ટિંગ થઈ જશે. આરોગ્ય વિભાગની ટીમે પોઝિટિવ અને શંકાસ્પદ મળેલા દર્દીઓનાં ઘર અને આસપાસના વિસ્તારના ઘરો મળી કુલ 38,670 ઘરમાં સર્વેલન્સની કામગીરી કરી છે. જ્યારે ગામોનાં તમામ કાચાં મકાનોમાં તાત્કાલિક મેલાથિયોન પાઉડરથી ડસ્ટિંગ/ સ્પ્રેઇંગની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે.
આ પણ વાંચોઃગુજરાત સરકારે ગામડાઓમાં આરોગ્ય સેવાઓ માટે 1110 જેટલા બોન્ડેડ તબીબો મૂક્યા