અમદાવાદ, 17 જુલાઈ 2024, ગુજરાતમાં ચાંદીપુરા વાઈરસનું સંક્રમણ વધવાના કારણે હેલ્થ એજન્સીઓ એલર્ટ થઈ ગઈ છે. ગત 16 જુલાઈ, 2024 સુધીમાં ચાંદીપુરા વાઇરસથી 8 બાળકનાં અને આજે એટલે કે 17 જુલાઈએ ગોધરાના 1 ગાંધીનગરના 2 અને મહેસાણાનાં 1 બાળકનું મૃત્યુ થતાં રાજ્યનો મૃત્યુઆંક 12 થયો છે. તેમજ અત્યાર સુધીમાં 15 શંકાસ્પદ કેસ આવી ચૂક્યા છે. જ્યારે રાજસ્થાનના બે કેસ છે અને એમાથી 1 બાળકનું મોત થયું છે અને મધ્યપ્રદેશનું બાળક સ્ટેબલ છે. આમ 6 કલાકમાં રાજ્યમાં 4 બાળકના મૃત્યુ થઈ ગયા છે.
ગાંધીનગરમાં પણ વાયરસની એન્ટ્રી થયાની વિગતો
આજે ગાંધીનગરના ભાટ ટોલ ટેક્સ પાસેના છાપરા વાસમાં 15 મહિનાની બાળકી શંકાસ્પદ વાઇરસની ઝપેટમાં આવી હતી. જેનું સારવાર દરમિયાન ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મૃત્યુ થયું છે તેમજ બાળકીનાં સેમ્પલ પુણે મોકલી આપવામાં આવ્યાં છે. આજે ગોધરાની 4 વર્ષની બાળકીએ વડોદરા SSG હોસ્પિટલમાં દમ તોડ્યો છે. વડોદરાની સર સયાજી રાવ જનરલ હોસ્પિટલમાં આવેલા બાળરોગ વિભાગમાં છેલ્લા 15 દિવસમાં બાળરોગ વિભાગમાં કેટલાક કેસો સામે આવ્યા છે, જેમાંથી અત્યાર સુધીમાં 7 સેમ્પલ પુણે લેબમાં મોકલવામાં આવ્યાં છે. આ તમામ શંકાસ્પદ છે. હાલમાં ચાર દર્દી સારવાર હેઠળ છે, જેમાંથી બે વોર્ડમાં શિફ્ટ કરવામાં આવ્યાં છે, જ્યારે 2 બાળક આઈસીયુમાં સારવાર હેઠળ છે.
શંકાસ્પદ બાળકોના સેમ્પલ પુણે ખાતેની લેબમાં મોકલાયા
અમદાવાદ સિવિલમાં આજે મહેસાણા અને ગાંધીનગરના દહેગામ તાલુકાના અમરાજી મુવાડા ગામની બાળકના મૃત્યુ થયા છે. જ્યારે અમદાવાદમાં ચાંદીપુરા વાઇરસના શંકાસ્પદ કેસ શહેરની વચ્ચે આવેલા આંબાવાડી અને ચાંદલોડિયા વિસ્તારમાં નોંધાયા છે. આંબાવાડી વિસ્તારમાં ચુનાના ભઠ્ઠા વિસ્તારમાં એક કેસ નોંધાયો છે. જ્યારે અન્ય એક કેસ ચાંદલોડિયા વિસ્તારમાં નોંધાયો છે. આ બંને બાળકો હાલમાં સિવિલ હોસ્પિટલમાં આવેલી 1200 બેડની હોસ્પિટલમાં આવેલી મહિલા અને બાળ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.સિવિલ હોસ્પિટલ તરફથી જણાવ્યા મુજબ તમામ શંકાસ્પદ બાળકોના સેમ્પલ પુણે ખાતે ચકાસણી માટે મોકલવામાં આવ્યા છે.
44000 જેટલા લોકોને આ રોગની તપાસમાં આવરી લીધા
આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે ચાંદીપુરા વાઈરસને લઈ જણાવ્યું હતું કે ચાંદીપુરાનો જે રોગ છે એ રેતીની માખી દ્વારા થતા રોગના નમૂના પુણે મોકલાયા છે. અત્યારે આપણે એને શંકાસ્પદ ગણીએ છીએ. હાલમાં એનાં લક્ષણો મળતાં આવે છે. રિપોર્ટ આવ્યા બાદ એનું કન્ફર્મ થશે. મધ્ય ગુજરાતની અંદર આ પ્રકારનો રોગ આપણને વધુ જોવા મળે છે. જે ઘરો માટીના અને લીપણનાં હોય છે એમાં તિરાડોની અંદર આ માખીઓ, કીટકો વસતા હોય છે. ત્યાં આગળ એના પુરવાનું કામ જંતુનાશક દવા છાંટવાનું વગેરે જેવાં કામ 4500થી 4600 જેટલાં ઘરોમાં કરવામાં આવ્યું છે. આશરે 44000 જેટલા લોકોને આ રોગની તપાસમાં આવરી લીધા છે.
આ પણ વાંચોઃઅમદાવાદમાં ચોમાસામાં રોગચાળો વકર્યો,સોલા સિવિલમાં ડેન્ગ્યૂના કેસ નોંધાયા