- પશ્ચિમી વિક્ષેપની અસર તળે ગુજરાતમાં વાદળો આવી શકે છે
- રાજકોટ, ભાવનગર, વિરમગામના ભાગોમાં 12 ડિગ્રી સેલ્સિયસ જેવું તાપમાન રહી શકે છે
- તા.19 થી 22માં ગુજરાતમાં પણ ભારે પવન ફૂંકાશે
ગુજરાતના હવામાનમાં પલટો આવવાની શક્યતાઓ છે. જેમાં અંબાલાલ પટેલે વરસાદની આગાહી કરી છે. તેમાં ઉત્તર ગુજરાત, કચ્છમાં હળવો વરસાદ પડી શકે છે. તથા રાજ્યમાં 19 ફેબ્રુઆરીથી ત્રણ દિવસ ભારે પવન ફૂંકાશે. તેમજ શિવરાત્રીમાં રાજ્યના કેટલાક ભાગોમાં ઠંડા પવન ફૂંકાશે.
રાજકોટ, ભાવનગર, વિરમગામના ભાગોમાં 12 ડિગ્રી સેલ્સિયસ જેવું તાપમાન રહી શકે છે
અમરેલી, જુનાગઢ, ગોંડલ, કાલાવડ, રાજકોટ, ભાવનગર, વિરમગામના ભાગોમાં 12 ડિગ્રી સેલ્સિયસ જેવું તાપમાન રહી શકે છે. તેમજ કચ્છ ગાંધીધામના ભાગોમાં 11 ડિગ્રી સેલ્સિયસ જેવું, દહેગામ, મોડાસા, હિંમતનગર, ખેડબ્રહ્માના ભાગોમાં 8 ડિગ્રી જેવું ન્યુનતમ તાપમાન તા.22 થી 24માં જઈ શકે છે. જ્યારે સવારના ભાગમાં અમદાવાદ, ગાંધીનગર તેમજ સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં 12 થી 15 ડિગ્રી સેલ્સિયસ અને કોઈ કોઈ ભાગમાં 18 ડિગ્રી સેલ્સિયસ જેવું ન્યુનતમ ઉષ્ણતામાન સવારના ભાગમાં રહી શકે છે.
પશ્ચિમી વિક્ષેપની અસર તળે ગુજરાતમાં વાદળો આવી શકે છે
પશ્ચિમી વિક્ષેપની અસર તળે ગુજરાતમાં વાદળો આવી શકે અને પવન સાથે ઉત્તર ગુજરાત, કચ્છના ભાગોમાં સામાન્ય વરસાદ કે છાંટા થવાની શક્યતા રહે છે. શિવરાત્રી ઉપર પણ ઠંડા પવન ફૂંકાવાની શક્યતા રહે છે. આ વખતે શિયાળું ઋતુનો એક મજબૂત પશ્ચિમી વિક્ષેપ આગામી 48 કલાકમાં દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોને પ્રભાવિત કરશે. દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં તા.18 થી 22માં ભારે બરફ વર્ષા, હિમવર્ષા, ભૂસ્ખલન થવું, બરફની હિમશિલાઓ બનવી. સાથે સાથે હિમવર્ષા, કમોસમી વરસાદ, વાયુના તોફાનો, આંધી સાથે આ પશ્ચિમી વિક્ષેપની અસર થશે તેમ અંબાલાલ દા.પટેલે જણાવ્યું છે.
તા.19 થી 22માં ગુજરાતમાં પણ ભારે પવન ફૂંકાશે
આ અરસામાં તેની અસર ગુજરાતના ભાગોમાં પણ થવાની શક્યતા રહેશે અને તા.19 થી 22માં ગુજરાતમાં પણ ભારે પવન ફૂંકાશે. જેમાં ઉત્તર ગુજરાતના ભાગોમાં 17 થી 28 કિલોમીટરની ઝડપે, પંચમહાલના ભાગોમાં 17 થી 25 કિલોમીટર, મધ્ય ગુજરાતમાં 15 થી 23 કિલોમીટર, જુનાગઢના ભાગોમાં 17 થી 23 કિલોમીટર, સુરતના ભાગોમાં 15 થી 18 કિલોમીટર, રાજકોટમાં 21 થી 25 કિલોમીટર, જામનગરના ભાગોમાં 25 થી 30 કિલોમીટર, કચ્છના ભાગોમાં 25 થી 30 કિલોમીટર અને આંચકાના પવન 25 થી 33 કિલોમીટરની પ્રતિ કલાકની ઝડપે ફૂંકાઈ શકે છે.