અમદાવાદગુજરાત

ગુજરાતમાં 5 દિવસ ભારે વરસાદની શક્યતાઓ નહિવત્, માછીમારોને દરિયો નહીં ખેડવા સૂચના

Text To Speech

અમદાવાદ, 08 ઓગસ્ટ 2024, આગામી પાંચ દિવસ સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદ ન પડવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. રાજ્ય પરની ઓફ શોર ટ્રફ સિસ્ટમ હળવી થતાં સાર્વત્રિક હળવો વરસાદ વરસી શકે છે. પરંતુ ભારે વરસાદની શક્યતા આગામી પાંચ દિવસ માટે નહિવત્ રહેશે. અત્યાર સુધીમાં રાજ્યમાં જરૂરિયાત કરતાં વધુ વરસાદ નોંધાયો છે. સૌરાષ્ટ્ર સહિતના મોટા ભાગના વિસ્તારોમાં એકધારા પડેલા વરસાદને કારણે ખેડૂતોનાં નિંદામણ સહિતનાં કામો અધૂરાં રહે છે. આ વચ્ચે વરાપ નીકળતાં ખેડૂતોએ હાશકારો અનુભવ્યો છે.

માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
બીજી તરફ અમદાવાદ સહિત આસપાસના જિલ્લાઓમાં આજે છૂટાછવાયા હળવા વરસાદી ઝાપટાં વરસી શકે છે, એવી સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવએ જણાવ્યું હતું કે આગામી પાંચ દિવસ ભારે વરસાદની શક્યતા નહિવત્ છે, પરંતુ અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં ગાજવીજ સાથે હળવા વરસાદી ઝાપટાં વરસી શકે છે. તદુપરાંત દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ 35થી 45 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાથી આગામી પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.

રાજ્યમાં સામાન્ય કરતાં 15% વધુ વરસાદ નોંધાયો
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે એક જૂનથી અત્યારસુધીમાં સમગ્ર ગુજરાત રાજ્યમાં સામાન્ય કરતાં 15% વધુ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં 1 જૂનથી 7 ઓગસ્ટ સુધીમાં 571 મિમી જરૂરિયાત સામે 576 મિમી વરસાદ વરસ્યો છે, તેથી સામાન્ય કરતાં એક ટકા વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છમાં ચોમાસાની શરૂઆતમાં જ ભરપૂર વરસાદ ખાબક્યો હતો, તેથી ત્યાં સામાન્ય કરતાં 34% વધુ વરસાદ વરસ્યો છે.

આ પણ વાંચોઃગુજરાત રાજ્યની જીવાદોરી સરદાર સરોવર નર્મદા ડેમમાં જાણો કેટલી થઇ પાણીની આવક

Back to top button