રાજ્યમાં પાછોતરો વરસાદ થવાની સંભાવના, જાણો કોને કરી આગાહી
રાજ્યમાં ચાલુ વર્ષે ખૂબ સારો વરસાદ થયો છે. અનેક જળાશયો 100 ટકા સુધી ભરાયા છે. સારા વરસાદને પગલે જળસ્તરો પણ ઊંચા આવી ગયા છે. જોકે, વરસાદનો રાઉન્ડ હજુ પૂર્ણ નથી થયો. રાજ્યમાં પાછોતરો વરસાદ થવાની સંભાવના હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. .
આ વિસ્તારોમાં પડશે વરસાદ
અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે 30 અને 31 ઓગસ્ટથી વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થશે. આ રાઉન્ડ સપ્ટેમ્બરના પહેલા સપ્તાહ સુધી રહેશે. ઓગસ્ટના અંતમાં ઉત્તર-પૂર્વ ગુજરાતના વિસ્તારોમાં વરસાદ રહેશે. મહેસાણા, સમી, હારીજ, બેચરાજી, પંચમહાલના ભાગો, કચ્છના ભાગો, ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ રહેશે.
રાજ્યમાં વરસાદની સાથે ભેજનું પ્રમાણ પણ વધશે
ગુજરાતના કેટલાક વિસ્તારો વરસાદની શક્યતાઓ છે. વરસાદની સાથે અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાંથી ભેજનું પ્રમાણ આવશે, જેની અસર ગુજરાતના વાતાવરણ ઉપર થશે. 30 ઓગસ્ટથી સપ્ટેમ્બરના પહેલા સપ્તાહ સુધી વરસાદી માહોલ રહેવાની સંભવના છે. આઠથી 11 સપ્ટેમ્બર વચ્ચે પણ વરસાદ થવાની હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલે શક્યતા વ્યક્ત કરી છે.
રાજ્યમાં મોસમનો સરેરાશ 100.86 ટકા વરસાદ
રાજ્યમાં અત્યાર સુધીમાં મોસમનો કુલ સરેરાશ 100.86 ટકા વરસાદ પડ્યો છે. કચ્છમાં 155.89 ટકા, ઉત્તર ગુજરાતમાં 110.42 ટકા, પૂર્વ-મધ્ય ગુજરાતમાં 82.76 ટકા, સૌરાષ્ટ્રમાં 89.50 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 108.42 ટકા વરસાદ પડ્યો છે.