ગુજરાતમાં આગામી ત્રણ દિવસ સામાન્યથી ભારે વરસાદની આગાહી છે. રાજ્યમાં ચોમાસું સત્તાવાર બેસી ગયું છે. ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં સરેરાશ એક ઈંચ સુધી વરસાદ વરસ્યો છે. જૂન મહિનામાં સામાન્ય રીતે જરૂરિયાત વરસાદથી 50 ટકા ઓછો વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગે રાજ્યમાં ત્રણ દિવસ સામાન્ય વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના મતે પરંતુ 25 જૂનથી રાજ્યમાં વરસાદનું જોર વધશે. હવામાન વિભાગે 25 અને 26 જૂનના દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે.
હવામાન વિભાગનું કહેવું છે કે, જૂન મહિનામાં જેટલો વરસાદ વરસવો જોઈએ તેના કરતા અત્યાર સુધીમાં 50 ટકા વરસાદ વરસ્યો છે. જો કે, જૂન મહિનો પૂર્ણ થવાને હજુ 8 દિવસ બાકી છે. હવામાન વિભાગના મતે આમ તો ગુજરાતમાં જૂન મહિનામાં ઓછો વરસાદ વરસે છે. જુલાઈ અને ઓગસ્ટમાં જ સારો વરસાદ વરસે છે.
56 તાલુકામાં વરસાદ નોંધાયો
બુધવારે 56 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ સુરતના કામરેજમાં 3.44 ઇંચ વરસાદ વરસ્યો હતો. અમદાવાદમાં બુધવારની રાતે ભારે પવન ફૂંકાવાની સાથે અમુક વિસ્તારોમાં વરસાદ પણ વરસ્યો હતો. આજે સવારથી જ રાજકોટ અને ગોંડલ સહિતના વિસ્તારોમાં ઝરમર વરસાદની શરૂઆત થઈ ગઈ છે. અમદાવાદમાં પણ હાલમાં વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે.હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી ચાર દિવસ દક્ષિણ ગુજરાતના ડાંગ,વલસાડ, તાપી, સુરતમાં ભારે વરસાદ થવાની સંભાવનાઓ છે.સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ સારા વરસાદની આગાહી છે.
વહેલી સવારથી ગોંડલ, જસદણ અને ધોરાજીમાં ધીમીધારે વરસાદ
હવામાન વિભાગની જણાવ્યા મુજબ ગઇકાલથી રાજકોટ જિલ્લામાં મેઘારાજાએ મંડાણ માંડ્યા છે. આજે વહેલી સવારે 6 વાગ્યાની આસપાસ રાજકોટના જસદણ, ગોંડલ અને ધોરાજીમાં ધીમીધારે વરસાદ શરૂ થયો છે. આથી રસ્તાઓ પર પાણી વહેતા થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. ગઈકાલે અસહ્ય બફારા વચ્ચે ધીમીધારે મેઘરાજાના પગરણને કારણે લોકોએ ગરમીમાંથી રાહત મેળવી છે. જ્યારે રાજકોટ શહેરમાં પણ આજે સવારે વરસાદી ઝાપટું વરસી જતા રસ્તાઓ ભીંજાયા હતા.
દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર
ગુજરાતમાં ચોમાસાનું આગામન થઈ ગયું છે, ત્યારે આજે બપોર પછી દક્ષિણ ગુજરાતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. દક્ષિણ ગુજરાતમાં નવસારી, વલસાડ, ડાંગ, તાપી અને સુરત જિલ્લામાં મેઘરાજાએ પધરામણી કરી છે. નવસારી જિલ્લામાં અત્યારે વરસાદી માહોલ જામ્યો છે. નવસારી જીલ્લાનાના અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ શરૂ થયો છે. નવસારી,ગણદેવી, ચીખલી માં ભારે પવન સાથે ધોધમાર વરસાદ શરૂ થયો છે.
બુધવારે વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. ધરમપુર શહેર, આસુરા, બીલપુડી, બરુમાળ, બામટી બારોલિયાના ગામડામાં વરસાદ વરસ્યો હતો. અસહ્ય ઉકળાટ બાદ ધોધમાર વરસાદ વરસવાથી વાતાવરણમાં ઠંકક પ્રસરી છે.ડાંગમાં પણ હવામાન વિભાગની આગાહી મુજબ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. જિલ્લામાં વઘઈ,આહવા સહિત અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વરસાદ શરૂ થયો હતો. સૌરાષ્ટ્ર્ના જૂનાગઢ, રાજકોટ, પોરબંદર, અમરેલી, ભાવનગરમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.