ચેમ્પિયન્સ ટ્રોફી જીતની ઉજવણી ઈન્દોરમાં હિંસક બની, જૂથ અથડામણ પછી તણાવપૂર્ણ સ્થિતિ


ઈન્દોર, 10 માર્ચ : ભારતે રવિવારે રાત્રે દુબઈમાં ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં જીત મેળવી હતી. ભારતની જીત બાદ ઈન્દોરના મહુ વિસ્તારમાં કેટલાક યુવાનો વિજયની ઉજવણી કરી રહ્યા હતા. વિજયના જશ્ન દરમિયાન જ્યારે રેલી મહુની જામા મસ્જિદ પાસે પહોંચી ત્યારે બંને જૂથો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ ઘટનામાં અનેક લોકો ઘાયલ થયા છે. પથ્થરમારાની સાથે અનેક દુકાનોને આગ ચાંપી દેવામાં આવી છે. મહુમાં હંગામા બાદ પોલીસ એક્શન મોડમાં છે. વિસ્તારને છાવણીમાં ફેરવી દેવામાં આવ્યો છે.
જાણવા મળ્યા અનુસાર ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતની જીત બાદ કેટલાક ક્રિકેટ ચાહકો ઈન્દોરના મહુ વિસ્તારમાં રેલી કાઢી રહ્યા હતા. આ દરમિયાન તેમની રેલી મહુની જામા મસ્જિદ પાસે પહોંચી હતી. લોકો જામા મસ્જિદની અંદર નમાઝ અદા કરી રહ્યા હતા. આ દરમિયાન બંને પક્ષો વચ્ચે કોઈ મુદ્દે ઝઘડો થયો અને વિવાદ એટલો વધી ગયો કે પથ્થરમારો શરૂ થઈ ગયો હતો. બંને તરફથી પથ્થરમારામાં લોકો ઘાયલ થયા છે. આ દરમિયાન ઘણી દુકાનો અને વાહનોને આગ ચાંપી દેવામાં આવી હતી. હાલમાં સ્થિતિ નિયંત્રણમાં છે, પરંતુ વિસ્તારમાં તણાવ યથાવત છે.
મહુમાં હિંસા અંગે માહિતી આપતા ઈન્દોરના કલેક્ટર આશિષ સિંહે કહ્યું કે પથ્થરબાજી બાદ સ્થિતિ નિયંત્રણમાં છે. વિસ્તારમાં પોલીસ ફોર્સ તૈનાત કરવામાં આવી છે. જ્યારે કલેકટરને પૂછવામાં આવ્યું કે આ ઘટના કેવી રીતે બની, તો તેમણે કહ્યું કે આ અંગે તેઓ પછી વાત કરશે, હાલ પરિસ્થિતિ નિયંત્રણમાં છે. જો કે, આ બાબતે વાત કરતી વખતે, પોલીસે જણાવ્યું હતું કે આ વિસ્તારમાં ઉજવણી દરમિયાન, બે પક્ષો વચ્ચે કોઈ મુદ્દા પર વિવાદ થયો હતો, ત્યારબાદ પથ્થરમારો અને આગચંપી થઈ હતી.
આ ઘટના અંગે પોલીસ ડીઆઈજી નિમિશ અગ્રવાલે જણાવ્યું કે કેટલાક યુવકો ભારતની ચેમ્પિયન્સ ટ્રોફી જીતની ઉજવણી કરી રહ્યા હતા. આ દરમિયાન રેલી પણ કાઢવામાં આવી હતી. રેલી દરમિયાન બે પક્ષો વચ્ચે કોઈ મુદ્દે ઝઘડો થયો હતો, ત્યારબાદ પથ્થરમારો અને આગચંપી જેવી ઘટનાઓ બની હતી.
આ પણ વાંચો :- બળાત્કારના કેસની સાબિતી માટે પ્રાઈવેટ પાર્ટ ઉપર ઈજાના નિશાન હોવા જરૂરી નથી : સુપ્રીમ કોર્ટ