ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડસ્પોર્ટસ

ચેમ્પિયન્સ ટ્રોફી 2025 : સાઉથ આફ્રિકાએ અફઘાનિસ્તાનને 107 રનથી હરાવ્યું

Text To Speech

કરાચી, 21 ફેબ્રુઆરી : આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની મેચ નંબર-3માં દક્ષિણ આફ્રિકાનો અફઘાનિસ્તાન સામે મુકાબલો થયો હતો. 21 ફેબ્રુઆરી (શુક્રવાર)ના રોજ કરાચીના નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં દક્ષિણ આફ્રિકાએ 107 રનથી જીત મેળવી હતી. અફઘાનિસ્તાનને મેચ જીતવા માટે 316 રનનો ટાર્ગેટ હતો, પરંતુ તેની આખી ટીમ 43.3 ઓવરમાં 208 રન પર જ સિમિત થઈ ગઈ હતી. ટૂર્નામેન્ટની ચોથી મેચમાં ઈંગ્લેન્ડનો મુકાબલો 22 ફેબ્રુઆરી (શનિવાર)ના રોજ ઓસ્ટ્રેલિયા સામે થશે. ગ્રુપ બીની આ મેચ લાહોરના ગદ્દાફી સ્ટેડિયમમાં રમાશે.

રહમત શાહે એકલા હાથે સંઘર્ષ કર્યો

અફઘાનિસ્તાન માટે રહેમત શાહે શાનદાર ઇનિંગ રમી હતી, પરંતુ તે પૂરતું ન હતું. રહમતે 92 બોલમાં 90 રન બનાવ્યા જેમાં 9 ચોગ્ગા અને એક છગ્ગાનો સમાવેશ થાય છે. રહમત છેલ્લી વિકેટ તરીકે આઉટ થયો હતો. રહમત સિવાય કોઈ બેટ્સમેન લાંબો સમય ક્રિઝ પર ટકી શક્યો નહોતો. જો કે, અઝમતુલ્લા ઉમરઝાઈ (18), રાશિદ ખાન (18), ઈબ્રાહિમ ઝદરાન (17), સેદીકુલ્લાહ અટલ (16), ગુલબદિન નાયબ (13) અને રહેમાનુલ્લા ગુરબાઝ (10) બે આંકડા સુધી પહોંચવામાં સફળ રહ્યા હતા.

દક્ષિણ આફ્રિકા તરફથી ઝડપી બોલર કાગીસો રબાડાએ સૌથી વધુ ત્રણ વિકેટ ઝડપી હતી. જ્યારે લુંગી એનગિડી અને વિયાન મુલ્ડરે બે-બે સફળતા હાંસલ કરી હતી. માર્કો જેન્સેન અને કેશવ મહારાજને એક-એક વિકેટ મળી હતી. અફઘાનિસ્તાનના 8 બેટ્સમેન ફાસ્ટ બોલરોનો શિકાર બન્યા હતા.

રિકલ્ટનની શાનદાર સદી

આ મેચમાં દક્ષિણ આફ્રિકાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા 50 ઓવરમાં 6 વિકેટે 315 રન બનાવ્યા હતા. દક્ષિણ આફ્રિકા માટે વિકેટકીપર બેટ્સમેન રેયાન રિકલ્ટને 106 બોલમાં 103 રનની શાનદાર ઇનિંગ રમી હતી. આ દરમિયાન રિકલ્ટને 7 ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો હતો. કેપ્ટન ટેમ્બા બાવુમા (58), એઇડન માર્કરામ (52*) અને રાસી વાન ડેર ડુસેન (52)એ પણ અડધી સદી ફટકારી હતી.

રેયાન રિકલ્ટન અને ટેમ્બા બાવુમા વચ્ચે બીજી વિકેટ માટે 129 રનની ભાગીદારી થઈ હતી, જેના કારણે આફ્રિકન ટીમને મોટા સ્કોર સુધી પહોંચાડવામાં મદદ મળી હતી. અફઘાનિસ્તાન તરફથી સ્પિનર ​​મોહમ્મદ નબીએ બે વિકેટ ઝડપી હતી. જ્યારે અઝમતુલ્લા ઉમરઝાઈ, ફઝલહક ફારૂકી અને નૂર અહેમદને એક-એક વિકેટ મળી હતી.

આ પણ વાંચો :- રાજ્યના 2 સિનિયર મહિલા IAS અધિકારીની બદલી, નોમિનેશન મેળવનાર 20ને પણ મળ્યું પોસ્ટિંગ

Back to top button