ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

ચંપઈ સરકાર ખતરામાં! કેબિનેટ વિસ્તરણ બાદ 12 ધારાસભ્યો નારાજ

  • બજેટના મતદાન દરમિયાન લઘુમતીમાં રહેવાથી સરકારનું થઈ શકે છે પતન

નવી દિલ્હી, 18 ફેબ્રુઆરી: ઝારખંડમાં મુખ્યમંત્રી ચંપઈ સોરેનની સરકારમાં કેબિનેટના વિસ્તરણ બાદ બળવો કરનારા કોંગ્રેસના ડઝન ધારાસભ્યોને શાંત કરવાના પ્રયાસો હાલમાં નિષ્ફળ ગયા છે. કોંગ્રેસના 12 ધારાસભ્યો હાઈકમાન્ડને મળવા રાજધાની પહોંચ્યા છે. જેની પાછળ ધારાસભ્યોને શાંત કરવાના પ્રયાસમાં મુખ્યમંત્રી ચંપઈ સોરેન શનિવારે સાંજે દિલ્હી પહોંચ્યા છે. જો કોંગ્રેસના આ 12 ધારાસભ્યો તેમની માગણીઓ પર અડગ રહેશે તો ચંપઈ સોરેનની સરકાર વિધાનસભા સત્ર દરમિયાન મુશ્કેલીમાં મુકાઇ શકે છે. જેને પગલે CM આજે કોંગ્રેસ અધ્યક્ષને મળી શકે છે. બજેટ એક મની બિલ છે અને તેના પર મતદાન દરમિયાન લઘુમતીમાં રહેવાથી સરકારનું પતન થઈ શકે છે.

 

ચંપઈ સોરેન દિલ્હીમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને પાર્ટીના અન્ય નેતાઓને મળવાના છે. ઉલ્લેખનીય છે કે, સીએમ સોરેનની કોંગ્રેસ અધ્યક્ષ સાથે મુલાકાત દરમિયાન કોંગ્રેસના ધારાસભ્યોની નારાજગીના મુદ્દા પર ચર્ચા થઈ શકે છે.

કેબિનેટમાં નવા ચહેરાઓને તક આપવાની માંગ

નારાજ કોંગ્રેસના ધારાસભ્યો માંગ કરી રહ્યા છે કે, “ચંપઈ સોરેન કેબિનેટમાં તેમની પાર્ટીના જે ચાર લોકોને મંત્રી બનાવવામાં આવ્યા છે, તેમને હટાવી નવા ચહેરાઓને તક આપવામાં આવે. આ ચારેય હેમંત સોરેનની સરકારમાં મંત્રી પણ હતા, પરંતુ તેમાંથી કોઈની કામગીરી એવી નથી કે તેમને ફરીથી કેબિનેટમાં સ્થાન મળવું જોઈએ.”

આ નારાજ ધારાસભ્યોએ શનિવારે રાંચીના બિરસા ચોક સ્થિત એક હોટલમાં બેઠક યોજી હતી. મંત્રી બસંત સોરેન પણ તેમને મનાવવા ત્યાં પહોંચ્યા હતા. તેમણે ધારાસભ્યો સાથે વાત કરી, પરંતુ તેઓ તેમની માંગ પર અડગ રહ્યા. ધારાસભ્યોએ કહ્યું છે કે, જો કોંગ્રેસના ચાર મંત્રીઓ આલમગીર આલમ, રામેશ્વર ઓરાં, બન્ના ગુપ્તા અને બાદલને હટાવવામાં નહીં આવે તો તેઓ 23 ફેબ્રુઆરીથી યોજાનાર વિધાનસભાના બજેટ સત્રનો બહિષ્કાર કરશે.

ચંપઈ સોરેન સરકાર મુકાઈ મુશ્કેલીમાં

બજેટ એક મની બિલ છે અને તેના પર મતદાન દરમિયાન લઘુમતીમાં રહેવાથી સરકાર પતન થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, શુક્રવારે કેબિનેટ વિસ્તરણ દરમિયાન ધારાસભ્યોએ પોતાની નારાજગી વ્યક્ત કરી હતી અને પોતાને સર્કિટ હાઉસના રૂમમાં બંધ કરી દીધા હતા. સમજાવટ બાદ આ લોકો શપથ ગ્રહણ સમારોહમાં ગયા, પરંતુ રોષ મૂક્યો નહીં. નારાજ ધારાસભ્યોએ એક અવાજે કહ્યું કે, તેઓ સરકાર કે મહાગઠબંધનની વિરુદ્ધ નથી, પરંતુ જે રીતે અંધારામાં રાખીને કોંગ્રેસે ફરીથી જૂના મંત્રીઓએ બીજીવાર શપથ લીધા તે ખોટું છે. એટલા માટે અમે બધા ધારાસભ્યો એક થઈને દિલ્હી જઈ રહ્યા છીએ. ત્યાં અમે હાઈકમાન્ડ સમક્ષ અમારા વિચારો રજૂ કરીશું. નારાજ ધારાસભ્યોમાં કુમાર જૈમંગલ ઉર્ફે અનૂપ સિંહ, રાજેશ કછપ, ઈરફાન અંસારી, ઉમાશંકર અકેલા, રામચંદ્ર સિંહ, નમન વિક્સલ કોંગડી, દીપિકા પાંડે સિંહ, અંબા પ્રસાદ, સોનારામ સિંકુ, શિલ્પી નેહા તિર્કી, ભૂષણ બડાનો સમાવેશ થાય છે.

આ પણ જુઓ: BJP: આજે રાષ્ટ્રીય અધિવેશનનો બીજો દિવસ, PM મોદી ફૂંકશે ચૂંટણીનો શંખનાદ

Back to top button