ગાંધીનગરથી ચલો કુંભ ચલે યાત્રાનો ધર્મે – રંગે પ્રારંભઃ સીએમ, ગૃહ રાજ્યમંત્રીએ સૌનું સ્વાગત અને પૂજાવિધિ કરી
![મહાકુંભ ગુજરાત - HDNews](https://www.humdekhenge.in/wp-content/uploads/2025/01/Untitled-design-2025-01-27T132549.992.jpg)
- મુસાફરોને યાત્રા રૂટ પર કોઈ અગવડ ન પડે તે માટે રોકાણ સહિતની વ્યવસ્થાઓ ઉપલબ્ધ કરાવીને ટુંકમાં નિર્ણય લેવામાં આવશે
- આજે સોમવારથી દરરોજ સવારે ૭ વાગ્યે રાણીપ એસ.ટી ડેપો, અમદાવાદથી એસી વોલ્વો બસ પ્રયાગરાજ જવા નિકળશે
ગાંધીનગર, 27 જાન્યુઆરી, 2025: ગાંધીનગરથી ચલો કુંભ ચલે યાત્રાનો ધર્મે – રંગે પ્રારંભ થઈ ગયો છે. પ્રયાગરાજ જવા માટે એકત્ર થયેલા શ્રદ્ધાળુઓનું સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ તથા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સ્વાગત કર્યું હતું તેથા પૂજાવિધિ બાદ યાત્રાની બસને રવાના કરાવવામાં આવી હતી.
ગુજરાતના શ્રદ્ધાળુઓ પોતાના પરિવારજનો સાથે પ્રયાગરાજ મહાકુંભમાં આસ્થાની ડૂબકી લગાવી શકે તે માટે પ્રયાગરાજ યાત્રા સરળ બનાવવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં ગુજરાતથી દરરોજ પ્રયાગરાજ એસી વોલ્વો બસ શરૂ કરવામાં આવી છે. તે અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રયાગ રાજ જતી પ્રથમ બસ ને ગાંધીનગર સર્કિટ હાઉસથી કેસરી ઝંડી આપી ‘ચલો, કુંભ ચલે’ યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો.
![ચલો કુંભ ચલે - HDNews](https://www.humdekhenge.in/wp-content/uploads/2025/01/Untitled-design-2025-01-27T132627.994.jpg)
ભારતીય સંસ્કૃતિ અને પરંપરા મુજબ મંત્રોચ્ચાર તેમજ વિધિ સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ પ્રથમ વોલ્વો બસમાં પ્રયાગરાજ જઈ રહેલા તમામ શ્રદ્ધાળુઓને સન્માનપૂર્વક આવકાર્યા હતા અને સુખદ યાત્રાની શુભકામનાઓ પાઠવી હતી.
મંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે, પ્રયાગરાજ ખાતે જઇને ગુજરાતના શ્રધ્ધાળુઓ મહાકુંભમાં આસ્થાની ડુબકી લગાવી શકે તે માટે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં જે સકારાત્મક નિર્ણય લીધો છે તેને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે. ઑનલાઇન બુકિંગ શરૂ થતાની સાથે જ ગણતરીના કલાકોમાં બુકિંગ ફૂલ થઇ ગયું હતું.
ગુજરાતના હજુ વધુ શ્રદ્ધાળુઓ પોતાના પરિવાર સાથે પ્રયાગરાજ જઈ શકે તે માટે વધુ બસો મૂકવા અંગે સરકારના દિશા નિર્દેશો મુજબ નિર્ણય લેવામાં આવશે. મુસાફરોને યાત્રા રૂટમાં કોઈ અગવડ ન પડે તે માટે રોકાણ સહિતની વ્યવસ્થાઓ ઉપલબ્ધ કરાવીને આ નિર્ણય લેવામાં આવશે.
![ચલો કુંભ ચલે - HDNews](https://www.humdekhenge.in/wp-content/uploads/2025/01/sudan-1.jpg)
હાલની સ્થિતિ મુજબ દરરોજ સવારે ૭ વાગ્યે રાણીપ એસ.ટી ડેપો, અમદાવાદ ખાતેથી એસી વોલ્વો બસ પ્રયાગરાજ જવા નિકળશે. માત્ર રૂ. ૮૧૦૦ માં પ્રતિ વ્યક્તિ ૩ રાત્રિ/૪ દિવસનું પેકેજ ગુજરાતના શ્રધ્ધાળુઓ માટે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ અને પ્રવાસન નિગમના સંયુક્ત ઉપક્રમે તૈયાર કરવામાં આવ્યુ છે. આ પેકેજમાં તમામ ૩ રાત્રિ માટે રોકાણ અને બસ મુસાફરીનો સમાવેશ કરવામાં આવ્યો છે. પ્રયાગરાજ ખાતે રાત્રિ રોકાણ ગુજરાત પેવેલિયનની ડોરમેટરી ખાતે કરવામાં આવ્યું છે.
![ચલો કુંભ ચલે - HDNews](https://www.humdekhenge.in/wp-content/uploads/2025/01/Untitled-design-2025-01-27T132505.804.jpg)
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ વોલ્વો બસ સેવાનો પ્રારંભ કરાવ્યો તે વેળાએ ગાંધીનગરના ધારાસભ્ય શ્રીમતી રીટાબહેન પટેલ, મેયર શ્રીમતી મીરાંબહેન પટેલ તેમજ શહેર અને જિલ્લા સંગઠનના પદાધિકારીઓ, પ્રવાસન અગ્ર સચિવશ્રી ડો. રાજેન્દ્ર કુમાર, એસ ટી કોર્પોરેશનના એમ ડી અનુપમ આનંદ અને વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચોઃ કેવડિયાઃ ગરવી ગુર્જરી સ્ટોલે કરી આટલી કમાણી, આટલા લાખ વિદેશીઓએ પણ લીધી મુલાકાત
મહાકુંભ વિશેના તમામ સમાચાર વાંચવા આ લિંક ઉપર ક્લિક કરો >>>
>>> https://www.humdekhenge.in/%e0%aa%ae%e0%aa%b9%e0%aa%be%e0%aa%95%e0%ab%81%e0%aa%82%e0%aa%ad-2025/
ઝડપી, સચોટ અને પ્રમાણિત સમાચાર મેળવવા નીચે જણાવેલા અમારા કોઈપણ વૉટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો >>>
https://chat.whatsapp.com/LuLIACK4WTYDPGdlAsSGrD