ચૈત્ર નવરાત્રિ 2024: મા દુર્ગાનું ઘોડા પર આગમન, જાણો મહત્ત્વ અને કળશ સ્થાપનનું મુહૂર્ત
- આ વખતે ચૈત્ર નવરાત્રિ 2024 9 એપ્રિલથી શરૂ થઈ રહી છે. તેનું સમાપન 17 એપ્રિલના રોજ થશે. 17 એપ્રિલે રામનવમી પણ ઉજવવામાં આવશે. આ નવ દિવસ માતા દુર્ગાના અલગ અલગ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે.
નવરાત્રિનો તહેવાર વર્ષમાં ચાર વખત ઉજવવામાં આવે છે. તેમાં બે મુખ્ય નવરાત્રિ હોય છે એક ચૈત્ર નવરાત્રિ અને એક શારદીય નવરાત્રિ. બીજી બે ગુપ્ત નવરાત્રિ હોય છે. ચૈત્ર નવરાત્રિ 2024 9 એપ્રિલથી શરૂ થઈ રહી છે. તેનું સમાપન 17 એપ્રિલના રોજ થશે. 17 એપ્રિલે રામનવમી પણ ઉજવવામાં આવશે. આ નવ દિવસ માતા દુર્ગાના અલગ અલગ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. આ વખતે 9 એપ્રિલના દિવસે મંગળવાર આવી રહ્યો છે. આ દિવસે ઘટ સ્થાપના સાથે નવ દિવસ સુધી માતા દુર્ગાની આરાધના શરૂ થશે.
માના આવન જાવનની સવારી મહત્ત્વની
મા દુર્ગા ચૈત્ર નવરાત્રિમાં કયા વાહનથી આવે છે અને કયા વાહનથી જાય છે, તે અત્યંત મહત્ત્વપૂર્ણ છે, કેમકે તેનાથી જ દેશની દિશા અને દશાની ભવિષ્યવાણી નક્કી થાય છે. આ વખતે મા દુર્ગાનું આગમન મંગળવારના દિવસે થઈ રહ્યું છે. દેવી પુરાણ અનુસાર જો માતા મંગળવારે આવે તો ઘોડા પર સવાર થઈને આવે છે, જે શુભ માનવામાં આવતું નથી. તેના કારણે રાજકીય ઉથલપાથલ, યુદ્ધ અને આફતો આવે છે.
સ્થાપિત કળશ હોય છે ભગવાન વિષ્ણુનું પ્રતીક
નવરાત્રિના નવ દિવસ મા દુર્ગાને સમર્પિત હોય છે. નવરાત્રિના પહેલા દિવસે ઘટસ્થાપના કરવામાં આવે છે. પૌરાણિક કથાઓ અનુસાર કળશને ભગવાન વિષ્ણુનુ રૂપ માનવામાં આવે છે, તેથી નવરાત્રિના દિવસે દેવી દુર્ગાની પૂજા પહેલા કળશની સ્થાપના કરવામાં આવે છે. આ વર્ષે અશ્વિની નક્ષત્રમાં સવારે 6.11 વાગ્યાથી લઈને 10.23 સુધી કળશ સ્થાપનાનું શુભ મુહૂર્ત છે. અશ્વિની નક્ષત્ર અને મંગળવાર પડવાના કારણે વિશેષ યોગ અમૃતસિદ્ધિનું નિર્માણ થઈ રહ્યું છે, જે આ તિથિને પણ વિશેષ બનાવે છે.
આ પણ વાંચોઃ સૂર્ય ગ્રહણ આપી રહ્યું છે અનેક પ્રકારની ચેતવણી, સૂતક કાળ પણ જાણી લો