અમદાવાદગુજરાતચૂંટણી 2024

ચૈતર વસાવા રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રામાં જોડાશે, કોંગ્રેસે AAPને આમંત્રણ આપ્યું

અમદાવાદ, 06 માર્ચ 2024, રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા આવતીકાલે સાતમી માર્ચે મધ્યપ્રદેશથી ઝાલોદમાં પ્રવેશ કરશે. આ યાત્રામાં જોડાવા માટે કોંગ્રેસે આમ આદમી પાર્ટીને આમંત્રણ આપ્યું છે. ગુજરાતમાં બે બેઠકો પર AAP અને 24 બેઠકો પર કોંગ્રેસ લોકસભાની ચૂંટણી લડશે તેવું ગઠબંધન થયું છે. ત્યારે ગુજરાતના સાત જિલ્લામાં રાહુલ ગાંધીની યાત્રા ફરવાની છે જેમાં કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ દ્વારા આમ આદમી પાર્ટીને આ યાત્રામાં જોડાવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. રાહુલ ગાંધીની આ યાત્રામાં ભરૂચ બેઠકના ઉમેદવાર ચૈતર વસાવા અને ભાવનગરના ઉમેદવાર ઉમેશ મકવાણા પણ જોડાશે.

5 લાખની લીડથી જીતવાનો દાવો નિષ્ફળ કરીશું: સાગર રબારી
હમ દેખેંગે ન્યૂઝ દ્વારા આમ આદમી પાર્ટીના નેતા સાગર રબારી સાથે ટેલિફોનિક વાતચીત કરવામાં આવી હતી. સાગર રબારીએ કહ્યું હતું કે, બંને પાર્ટીઓ દ્વારા ગઠબંધનનો નિર્ણય લેવામાં આવ્યો છે.રાજ્યની તમામ 26 લોકસભા બેઠકો ઉપર આમ આદમી પાર્ટી કોંગ્રેસ સાથે મળીને ચૂંટણી લડશે અને ભાજપને હરાવશે. ભાજપ દ્વારા જે દાવો કરવામાં આવ્યો છે કે અમે રાજ્યની તમામ બેઠકો પાંચ લાખની લીડથી જીતીશું. તેમને હું કહેવા માગું છું કે તેઓ મુંગેરીલાલના હસીન સપનાથી બહાર આવે અને રાજ્યની ખરી હકીકત જુએ તો ખ્યાલ આવે કે ગુજરાતનો દરેક નાગરિક હવે ભાજપથી પરેશાન છે.

7 માર્ચે ચૈતર વસાવા યાત્રામાં જોડાશે
હાલ રાજ્યમાં લોકસભા ચૂંટણીને લઈને આદિવાસી વોટબેંક ઉપર તમામ પક્ષો મહેનત કરી રહ્યા છે. ત્યારે સાગર રબારીએ ભરૂચ લોકસભા ઉમેદવાર ચૈતર વસાવા વિશે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે ચૈતર વસાવા મોટી સંખ્યામાં કાર્યકર્તાઓની સાથે 7 માર્ચ ગુરૂવારના રોજ ઝાલોદ ખાતેથી રાહુલ ગાંધી સાથે જોડાશે. જોકે નર્મદા ખાતે જવાની તેમને મનાઈ છે જેના કારણે તેઓ સીધા નેત્રંગ, ભરૂચ, સુરત, માંડવી, બારડોલી, વ્યારા સહિતની જગ્યાએ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ સાથે ભારત જોડો ન્યાય યાત્રામાં જોડાશે. ઉમેશ મકવાણા પણ 7 માર્ચથી ભારત જોડો ન્યાય યાત્રામાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ સાથે જોડાવા જઈ રહ્યા છે. તેઓ ભારત જોડો યાત્રાની શરૂઆતથી લઈને અંત સુધી રાહુલ ગાંધી સાથે જોડાશે અને જનતાની સમસ્યા સાંભળશે. અમારા પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી સહિત રાજ્યના તમામ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં આ વખતે ભાજપને હરાવવાનો પ્રયાસ કરશે.

આ પણ વાંચોઃરાજકોટથી લોકસભાની ટિકિટ કપાતા સાંસદ મોહન કુંડારિયાનો કટાક્ષ, જાણો શું કહ્યું

Back to top button