ચૈતર વસાવાની કોંગ્રેસને ચીમકી, ઝડપથી નિર્ણય લો નહીં તો ઉમેદવારો જાહેર કરાશે
બારડોલી, 17 ફેબ્રુઆરી 2024, ગુજરાતમાં લોકસભા ચૂંટણીના પડધમ વાગી ચૂક્યા છે. ભાજપ દ્વારા તાજેતરમાં જ રાજ્યમાં 26 કાર્યાલયોનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. જ્યારે કોંગ્રેસે કોને ઉમેદવાર બનાવવા તેની જિલ્લાના હોદ્દેદારો પાસે માહિતી માંગી છે.બીજી તરફ આમ આદમી પાર્ટી દ્વારા ભાવનગર અને ભરૂચ બેઠક પર ઉમેદવારો જાહેર કરી દેતાં ગઠબંધનમાં ભૂકંપ સર્જાયો હતો. દેડિયાપાડાના ધારાસભ્ય અને ભરૂચ બેઠક પર નક્કી થયેલા આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચૈતર વસાવાએ કોંગ્રેસને ચમકી આપી છે. ઝડપથી નિર્ણય લો નહીં તો બારડોલી બેઠકના ઉમેદવાર જાહેર કરી દેવાશે.તેમના આ નિવેદન બાદ રાજકારણમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
ચૈતર વસાવાએ કોંગ્રેસને ચીમકી આપી
દેડીયાપાડાના ધારાસભ્ય અને ભરૂચ લોકસભાના ઉમેદવાર ચૈતર વસાવાએ કાર્યકર્તાઓ સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, બારડોલી લોકસભામાં આમ આદમી પાર્ટીનું પ્રદર્શન કોંગ્રેસ કરતા સારું રહ્યું છે. અહીંયા આમ આદમી પાર્ટીનું સંગઠન પણ ઘણું મજબૂત છે. આજે અમે સંગઠનના સાથીઓને અને દાવેદારોને મળ્યા છીએ. અમારું માનવું છે કે જેટલા ઝડપથી ઉમેદવારનો નિર્ણય લેવામાં આવે એટલું ચૂંટણી લડવામાં સરળતા રહેશે. જો કોંગ્રેસ નિર્ણય લેવામાં સમય પસાર કરશે તો આમ આદમી પાર્ટી બારડોલી લોકસભા સીટ માટે પોતાનો ઉમેદવાર જાહેર કરી દેશે.
મનોજ સોરઠિયાએ પણ એલાયન્સ સમક્ષ બારડોલીની સીટ માંગી
આમ આદમી પાર્ટી દ્વારા આજે બારડોલી લોકસભામાં પણ વ્યારા ખાતે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠક દરમિયાન આમ આદમી પાર્ટીના પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયાએ કાર્યકર્તાઓ સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટી બારડોલી લોકસભા સીટ પરથી ચૂંટણી લડવા માટે તૈયાર છે. આમ આદમી પાર્ટી હાલ ઇન્ડિયા એલાયન્સમાં સભ્ય છે, માટે આમ આદમી પાર્ટીએ ઇન્ડિયા એલાયન્સ સમક્ષ બારડોલીની સીટ માંગી છે. આમ આદમી પાર્ટી સમગ્ર આદિવાસી વિસ્તારમાં ખૂબ જ મજબૂત પરિસ્થિતિમાં છે અને બારડોલી લોકસભા સીટ પર પણ એક મજબૂત ઉમેદવાર ઉતારવા જઈ રહી છે.
આ પણ વાંચોઃલોકસભાની સામાન્ય ચૂંટણીના ઉમેદવારોને ચીજવસ્તુઓના ભાવમાં મોંઘવારી નડશે