ચૈતર વસાવાએ સવાલોના જવાબો નહીં મળતા કલેકટર ઓફિસ બહાર ધરણા કર્યા
નર્મદા, 20 જુલાઈ 2024 જિલ્લાના રાજપીપળા ખાતે કલેક્ટર ઓફિસે જિલ્લા સંકલન સમિતિની બેઠક રાખવામાં આવી હતી. આ બેઠકમાં જિલ્લામાં થતાં કામોની ચર્ચા કરવામાં આવી રહી હતી. ત્યારે બેઠકમાં હાજર ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ સવાલો પૂછતાં તેમના સવાલોનો કોઈએ જવાબ આપ્યો નહોતો. તેથી તેઓ ચાલુ સભામાંથી નીકળી ગયા હતા અને કલેક્ટરની ઓફિસ બહાર ધરણાં પર બેસી ગયા હતા.ચૈતર વસાવાના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં સમર્થકો ના આવે અને કોઈ અનિચ્છનીય બનાવ ના બને એ માટે પોલીસ સતર્ક થઈ ગઈ છે.ડેડિયાપાડાથી રાજપીપળા સુધીના રસ્તા પર પોલીસ ગોઠવી દેવામાં આવી છે.
એકતાનગરમાં સ્કૂલ ક્યારે બનશે એનો પણ જવાબ મળ્યો નથી
ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે ગુજરાતમાં 41 જેટલા તાલુકાને વિકસિત તાલુકા જાહેર કરવામાં આવ્યા છે, જેમાં ડેડિયાપાડા, સાગબારા તાલુકાનો પણ સમાવેશ થયો છે અને એનું 4 કરોડનું બજેટ આવ્યું હતું. એમાં ડેડિયાપાડાના 100 અને સાગબારાના 100 ખેડૂતોના બોર, મોટરો મંજૂર કર્યાં હતાં, જેના આયોજનને અધિકારીએ એજન્સીના ઇશારે બદલી તળાવો, બાયો ગેસ મંજૂર કરી દીધાં છે. આ સવાલ મેં પૂછ્યો તો મને કોઈ જવાબ આપવા તૈયાર નથી. મારો બીજો પ્રશ્ન છે ટ્રાયબલ મ્યુઝિયમમાં 30 ટકા કામગીરી થઈ છે, બાકીની ક્યારે થશે એ બાબતે પણ જવાબ આપ્યો નથી. જેની જમીનો ગઈ છે એવા એકતાનગરમાં સ્કૂલ ક્યારે બનશે એનો પણ જવાબ મળ્યો નથી,
સંકલન સમિતિમાં કોઈ અધિકારીઓ જવાબ આપતા નથી
તેમણે વધુમાં ઉમેરતાં જણાવ્યું હતું કે મનરેગામાં એકની એક જ એજન્સીને કામ કેમ આપે છે. જેની સમયમર્યાદા પૂરી થઈ ગઈ છે તેમને 22 કરોડનાં બિલો ચુકવણાં થયાં છે. ઝરવાણી ગામમાં પાણી નથી પહોંચ્યું અને 62 કરોડનાં કામો કરી નાખ્યાં છે, જેનો પણ અધિકારીઓએ જવાબ આપ્યો નથી. પ્રાયોજનામાં 275 કલમમાં 5 કરોડ 83 લાખનાં કામ થયાં છે. જે સ્થળ પર થયાં નથી છતાં અધિકારી બોલવા તૈયાર નથી. આ બધા સવાલોના મારે જવાબ જોઈએ છે. સંકલન સમિતિમાં કોઈ અધિકારીઓ જવાબ આપતા નથી તો શું કામ અમને બોલાવે છે?, માત્ર ચા-નાસ્તો કરવા બોલાવે છે?