ગુજરાતમધ્ય ગુજરાત

ચૈતર વસાવાએ અલગ ભીલ પ્રદેશ બનાવવાની કરી માંગ, જાણો શુ છે મામલો

  • ધારાસભ્ય ચૈતર વસાવાએ અલગ ભીલ પ્રદેશ બનાવવાની કરી માંગ
  •  અલગ અલગ રાજ્યોના આદિવાસી નેતા સાથે કરશે બેઠક 
  • ભીલ પ્રદેશને લઈ આગામી દિવસમાં ચલાવશે મુહિમ

નર્મદાના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ અલગ ભીલ પ્રદેશ બનાવવાની માંગ કરી  છે, તેમણે કહ્યું ભીલીસ્તાન અમારો હક છે,અલગ ભીલીસ્તાન બનાવીશું, અમારી આદિવાસી સંસ્કૃતિ પર અતિક્રમણ થઈ રહ્યું છે, ગુજરાત અને રાજસ્થાનના આદિવાસી નેતાઓને જોડાવવા અપીલ કરીશું.

અલગ ભીલ પ્રદેશ જાહેર કરવાની માંગ

છેલ્લા કેટલાક દિવસથી નર્મદા જિલ્લાના રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. ડેડીયાપાડા બેઠકના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા સતત ચર્ચામાં રહે છે. થોડા સમય પહેલા જ ચૈતર વસાવાએ સાંસદ મનસુખ વસાવાને પડકાર ફેક્યો હતો. ત્યારે હવે ચૈતર વસાવાએ ગુજરાત રાજ્યથી અલગ ભીલ પ્રદેશની માંગ કરી છે.

 આદિવાસી નેતા સાથે કરશે બેઠક

ડેડિયાપાડાના આપના ધારાસભ્ય ચૈતર વસાવાએ ગુજરાત રાજ્યથી અલગ ભીલ પ્રદેશની માંગ કરી છે.ચૈતર વસાવાએ આદિવાસી વિસ્તારને અલગ ભીલ પ્રદેશ જાહેર કરવાની માંગ કરી છે. જેને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. આ અંગે ચૈતર વસાવાએ કહ્યું કે, તેઓ આ મુદ્દે ગુજરાત, રાજસ્થાનના આદિવાસી નેતા સાથે બેઠક કરશે. તેમજ તેઓએ આદિવાસીઓની સંસ્કૃતિ પર અતિક્રમણ થઈ રહ્યું હોવાનો આક્ષેપ પણ કર્યો હતો. અને તેઓએ આગામી દિવસમાં ભીલીસ્તાન માટે મુહિમ ચલાવવા પણ કહ્યું છે.

ચૈતર વસાવા-humdekhengenews

ચાર રાજ્યોમાંથી આ માંગ ઉઠી હોવાનો દાવો

ચૈતર વસાવાએ કહ્યું કે, ” આ માંગ ચાર રાજ્યોમાંથી ઉઠી છે.જેમાં ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના આદિવાસીઓએ આ માંગ કરી છે. આ માંગ પહેલાથી જ કરવામા આવી રહી છે તમે ઈતિહાસ જોઈ લો. ગુજરાત બહારથી પણ આ માંગ ઉઠી છે. અને આ માંગ આમ આદમી પાર્ટીની નથી, પરંતુ સ્થાનિક લોકોની છે. કેવડિયામાં તપાસ કરો તો કેવડિયામાં કેટલાય નેતાઓએ સ્થાનિક લોકોની જમીન પચાવી પાડી છે.અમારો ભીલપ્રદેશ હતો, તમે ઈતિહાસ જોઈ લો. 75 વર્ષના વિકાસની વાતો કરાય છે, પરંતુ અમારો ક્યાંય વિકાસ થતો નથી”

ચૈતર વસાવાએ આ બાબતે ડર જાહેર કર્યો

ચૈતર વસાવાએ  વધુમાં કહ્યું કે, આદિવાસીઓને થતા અન્યાય અને શોષણ સામે લડતા કોઈપણ નેતાઓને નક્સલવાદી સાબિત કરી દેવામાં આવે છે. અને  તેમની રાજકીય કારકિર્દી ખતમ કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે. ત્યારે મને ડર છે કે, ભાજપ સરકાર મારી સામે પણ આદિવાસીઓને ન્યાય માટે ઉશ્કેરીને નક્સલવાદ ઉભો કરવાના બેબુનિયાદ આરોપો લગાવશે અને મારી રાજકીય કારકિર્દી ખતમ કરવાના પ્રયાસ કરશે.

છોટુભાઈ વસાવાએ પણ કરી હતી માંગ

ઉલ્લેખનીય છે કે અલગ ભીલ પ્રદેશની માંગ આ પહેલા છોટુભાઈ વસાવાએ પણ કરી હતી. ચુંટણી સમયે અનેક વખત અલગ ભીલીસ્તાનની માગણી થઈ ચૂકી છે. પરંતુ હજુ સુધી આ મામલે કોઈ નિર્મણ લેવાયો નથી ત્યારે ભીલ પ્રદેશને લઈ ચૈતર વસાવા સરકાર સાથે લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યા છે.

આ પણ વાંચો : સાવલી ખાતે આયોજિત આઠમાં સર્વ જ્ઞાતીય સમુહલગ્ન સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાજર રહ્યા

Back to top button