ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવર્લ્ડ

ભારત અને ઈરાન વચ્ચે ચાબહાર પોર્ટ ડીલથી અમેરિકા થયું નારાજ, પ્રતિબંધોની આપી ચેતવણી

Text To Speech
  • જે પણ દેશ ઈરાન સાથે વેપાર સોદો કરે છે તેના પર પ્રતિબંધોનું જોખમ છે: અમેરિકા

નવી દિલ્હી, 14 મે: ભારત અને ઈરાને તાજેતરમાં ચાબહાર બંદર પર ટર્મિનલના સંચાલન માટે લાંબા ગાળાના કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ પોર્ટ સાથે ડીલ થયા બાદ વ્યાપાર કરવાનું સરળ બનશે અને તેનાથી એશિયાઈ દેશોમાં ભારતની પહોંચ વધુ મજબૂત થશે. જો કે બીજી તરફ અમેરિકાએ આ ડીલને લઈને બહુ સકારાત્મક વલણ દાખવ્યું નથી. અમેરિકાએ પણ આ ડીલને લઈને પ્રતિબંધોના સંકેત અને ચેતવણી આપી છે. અમેરિકાએ કહ્યું છે કે, જે પણ દેશ ઈરાન સાથે વેપાર સોદો કરે છે તેના પર પ્રતિબંધોનું જોખમ છે.

 

અમેરિકાએ ચેતવણી આપતાં શું કહ્યું?

અમેરિકાએ કહ્યું છે કે, ઈરાન સાથે વ્યાપારી સોદો કરનાર કોઈપણ દેશ પર પ્રતિબંધોનું જોખમ છે. US સ્ટેટ ડિપાર્ટમેન્ટના ડેપ્યુટી પ્રવક્તા વેદાંત પટેલે કહ્યું છે કે, USA એ વાતથી વાકેફ છે કે ઈરાન અને ભારતે ચાબહાર પોર્ટ સંબંધિત કરાર પર હસ્તાક્ષર કર્યા છે. ભારત સરકારે ચાબહાર પોર્ટ અને ઈરાન સાથેના દ્વિપક્ષીય સંબંધોના સંદર્ભમાં તેની વિદેશ નીતિના લક્ષ્યો વિશે વાત કરવી જોઈએ.

પ્રતિબંધોથી વાકેફ રહેવું જોઈએ: અમેરિકા

દૈનિક પત્રકાર પરિષદમાં વેદાંત પટેલને ચાબહાર પોર્ટને લઈને ઈરાન-ભારત કરાર વિશે પૂછવામાં આવ્યું હતું. આ અંગે વેદાંત પટેલે કહ્યું હતું કે, ઈરાન પર અમેરિકન પ્રતિબંધો લાગુ છે અને અમે તેને જાળવી રાખીશું. કોઈપણ એન્ટિટી, કોઈપણ દેશ કે જે ઈરાન સાથે વેપાર સોદો વિચારી રહ્યું છે, તેણે સંભવિત જોખમો અને પ્રતિબંધોથી વાકેફ હોવું જોઈએ.

આ પણ જુઓ: ઈરાનના ચાબહાર પોર્ટનું સંચાલન 10 વર્ષ માટે ભારત હસ્તક, જાણો તેનું મહત્વ

Back to top button