CGST અમદાવાદ નોર્થ વિભાગે વિરમગામ GIDCમાં 2 કરોડની કરચોરીનો કર્યો પર્દાફાશ


- કંપનીઓ બિલ બનાવ્યા વગર જ માલ વેચતી હતી
- તપાસમાં વાંધાજનક દસ્તાવેજો અને ડિજીટલ ડેટા મળ્યા
- કરચોરીનો આંકડો વધે તેવી અધિકારીઓની શક્યતા
અમદાવાદ : CGST અમદાવાદ નોર્થ વિભાગે વિરમગામ GIDC એસ્ટેટમાં રૂ. 2 કરોડની કરચોરી પકડી પાડી છે. ગુપ્તચર અધિકારીઓએ તપાસ હાથ ધરી ત્રણ કંપનીઓમાં કરચોરીનો પર્દાફાશ કર્યો છે. મળેલી બાતમીના આધારે અધિકારીઓએ કરચોરી અંગે કાર્યવાહીવ હાથ ધરી હતી, જેને લઈ વિરમગામ જીઆઈડીસીમાં દરોડા પાડવામાં આવ્યા હતા. તપાસમાં સામે આવ્યું છે કે આ ત્રણેય કંપનીઓ બિલ બનાવ્યા વગર જ માલ વેચી રહી છે.
મળતી માહિતી મુજબ આ ત્રણ કંપનીઓના નામ યોગેશ્વર સેલ્સ કોર્પોરેશન, શ્રી ગણેશ એન્ટરપ્રાઈઝ અને સુમી ઈન્ડસ્ટ્રીઝ છે જે આર્યનના વાયરનું ઉત્પાદન કરે છે. દરોડાની કામગીરી દરમિયાન બે કરોડની કરચોરી બહાર આવી છે. ચોંકાવનારી બાબત એ છે કે, તપાસમાં વાંધાજનક દસ્તાવેજો અને ડિજિટલ ડેટા મળી આવ્યા છે. બીજી તરફ કંપનીઓમાં હજુ પણ તપાસ ચાલી રહી છે. તેમજ અધિકારીઓએ કરચોરીનો આંકડો વધે તેવી શક્યતા પણ દર્શાવી છે.
સીજીએસટી ઉત્તર અમદાવાદ ડિવિઝન દ્વારા બિલ વગર કોને માલ વેચવામાં આવ્યો છે તેની તપાસ હાથ ધરી છે. ટ્રાન્સપોર્ટરોની પણ તપાસ થઈ શકે છે. કંપનીઓના ખાતાઓની તપાસમાં માત્ર 30% વેચાણની એન્ટ્રી જોવા મળી હતી. બાકીનો માલ કઇ રીતે વેચાયો તે અંગે તપાસ ચાલુ છે. એટલું જ નહીં, CGST ઉત્તર અમદાવાદ વિભાગે ટેક્સ ચોરી કરનારાઓની બ્લેક લિસ્ટ તૈયાર કરી છે. જેના આધારે આગામી દિવસોમાં મોટા પાયે કાર્યવાહી કરવામાં આવશે તેવી માહિતી મળી છે.
આ પણ વાંચો: અમદાવાદ: દરોડામાં નકલી એન્ટિબાયોટિક દવાઓ બનાવવાના કૌભાંડમાં થયો મોટો ખુલાસો