રાજકોટમાં સેન્ટ્રલ જીએસટી વિભાગનો અધિકારી રૂ.5000ની લાંચ લેતા ઝડપાયો


- સુરેન્દ્રનગર એસીબીની ટીમે છટકું ગોઠવી વર્ગ-2ના રામ મીનાને રંગેહાથ દબોચ્યો
રાજકોટ, 6 માર્ચ : રાજકોટમાં સેન્ટ્રલ જીએસટી વિભાગનો અધિકારી રૂ.5000ની લાંચ લેતા ઝડપાયો છે. સુરેન્દ્રનગર એસીબીની ટીમે છટકું ગોઠવી વર્ગ-2ના રામ મીનાને રંગેહાથ દબોચ્યો છે. આરોપી અધિકારીને એસીબીએ તેની જ કેબિનમાં લાંચ લેતા ઝડપી લીધો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
શા માટે લાંચ માંગી હતી?
આ કામના ફરીયાદી જીએસટી લગત સેવા આપવાનું કામ કરે છે. તેમના ગ્રાહકની ખાનગી કંપની માટે જીએસટી નંબર મેળવવા માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન કરેલ તે એપ્રુવ કરી કરાવી આપવા માટે આ કામના આક્ષેપીત રામ ભરતલાલ મીના (જીએસટી ઇન્સ્પેકટર, સેન્ટ્રલ જી.એસ.ટી. વર્ગ-૨)એ ફરિયાદી પાસે ગેરકાયદેસર લાંચ રૂ.5000ની માંગણી કરેલ હતી.
ફરીયાદીએ એસીબીને જાણ કરી
જે લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોય જેથી તેણે અંગે સુરેન્દ્રનગર એસીબીની ટીમને જાણ કરી હતી. જેથી એમ.એમ.લાલીવાલા, પોલીસ ઇન્સ્પેકટર, સુરેન્દ્રનગર એ.સી.બી.પો.સ્ટે. તથા એ.સી.બી.સ્ટાફ દ્વારા ફરીયાદીની ફરીયાદ આધારે આજરોજ આક્ષેપીતની કચેરી ખાતે ગોઠવેલ લાંચના છટકા દરમ્યાન આ કામના આક્ષેપીતે ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી, ગેરકાયદેસર લાંચની રકમ રૂ.5000 ફરીયાદી પાસેથી માંગી હતી જે ફરીયાદીએ આપતા તેને સ્વીકારી હતી.
આ પણ વાંચો :- રાજીવ ગાંધી ઉપરની ટિપ્પણી અંગે પૂર્વ CM ગેહલોતે મણિશંકર ઐયરને લીધા આડેહાથ, જાણો શું કહ્યું