કેન્દ્ર સરકારની FIFA સાથે બેઠક, U17 વર્લ્ડ કપ ભારતમાં યોજાઈ તેવી શક્યતા
સ્પોર્ટ્સ ડેસ્કઃ FIFAએ મંગળવારે 16 ઓગસ્ટના રોજ ઓલ ઈન્ડિયા ફૂટબોલ ફેડરેશન (AIFF)ને સસ્પેન્ડ કરી દીધું હતું. આ સાથે FIFAએ U17 મહિલા ફૂટબોલ વર્લ્ડ કપની યજમાની ભારત પાસેથી છીનવી લેવાની વાત કરી હતી. જો કે હવે કેન્દ્ર સરકારે આમાં હસ્તક્ષેપ કરવો પડશે અને ભારતને આ મામલે રાહત મળી શકે છે. કેન્દ્ર સરકારે ફિફા સાથે વાત કરવાની પહેલ કરી છે, જેમાં સકારાત્મક પ્રતિસાદ સામે આવ્યો છે.
સમાચાર એજન્સી પીટીઆઈએ ટ્વીટ કરીને માહિતી આપી છે કે, કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું છે કે, અંડર-17 મહિલા વર્લ્ડ કપ 2022ના સંગઠનને લઈને ફિફા સાથે બે બેઠકો થઈ છે. માનવામાં આવે છે કે, ફિફા અને એઆઈએફએફ વચ્ચે આ મામલો ઉકેલાઈ શકે છે. FIFAએ તૃતીય પક્ષ (કાનૂની અને રાજકીય) દખલગીરીને કારણે ભારતીય ફૂટબોલ ફેડરેશનને સસ્પેન્ડ કર્યું.
FIFA દ્વારા જારી કરવામાં આવેલી અખબારી યાદીમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે, FIFA ભારતના યુવા બાબતો અને રમત મંત્રાલય સાથે સતત સંપર્કમાં છે અને આશા છે કે આ બાબતના સકારાત્મક પરિણામો હજુ પણ પ્રાપ્ત થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટે AIFFમાં એક કમિટી ઑફ એડમિનિસ્ટ્રેટર્સ (COA)ની રચના કરવાનો આદેશ આપ્યો હતો અને CoAને ફેડરેશનની ચૂંટણી વહેલી તકે કરાવવાનો નિર્દેશ આપ્યો હતો, પરંતુ હજુ સુધી આવું થયું નથી.
સુપ્રીમ કોર્ટે ભારતીય ફૂટબોલ ફેડરેશન (એઆઈએફએફ) કેસની સુનાવણી 22 ઓગસ્ટ સુધી ટાળી દીધી છે. કારણ કે કેન્દ્રએ કહ્યું છે કે, ભારતમાં અંડર-17 મહિલા વર્લ્ડ કપ યોજવા માટે ફિફા સાથે વાતચીત ચાલી રહી છે. કોર્ટે કેન્દ્રને ભારતમાં વર્લ્ડ કપ યોજવા અને AIFFનું સસ્પેન્શન હટાવવા માટે જરૂરી પગલાં લેવા પણ કહ્યું હતું.
સોલિસિટર જનરલ તુષાર મહેતાએ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ, એએસ બોપન્ના અને જેબી પરીડવાલાની બેંચને જણાવ્યું હતું કે, સરકાર અને પ્રશાસકોની સમિતિએ ફિફા સાથે બે બેઠકો કરી છે અને ભારતમાં અંડર-17 મહિલા વર્લ્ડ કપનું આયોજન કરવાના પ્રયાસો ચાલુ છે. તેમણે આ મામલાની સુનાવણી 22 ઓગસ્ટ સુધી મુલતવી રાખવા વિનંતી કરી જેથી AIFFના સક્રિય પક્ષો વચ્ચે સર્વસંમતિ બની શકે.