કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતવિશેષ

કેન્દ્ર સરકારની જૂનાગઢને ભેટ : ગુજરાતમાં સૌ પ્રથમ કોકોનેટ ડેવલપમેન્ટ બોર્ડ થશે કાર્યરત

Text To Speech

કેન્દ્ર સરકારના કૃષિ વિભાગ દ્વારા કોકોનેટ ડેવલપમેન્ટ બોર્ડની રચના કરવામાં આવી છે. આ બોર્ડ દ્વારા દરિયાઇ વિસ્તારમાં વધુને વધુ નાળિયેરનું ઉત્પાદન થાય, નાળિયરના પાકનું વાવેતર થાય અને નાળિયરેના પાક માટેની વિવિધ સરકારી યોજનાનો લાભ ખેડૂતો મળે તે માટે કામ થઇ રહયુ છે. પૂરા દેશમાં ગુજરાતમાં સૌથી વધુ મોટો દરિયા કિનારો હોઇ ભારત સરકાર દ્વારા સમગ્ર ગુજરાતમાં સૌપ્રથમ જૂનાગઢ ખાતે કોકોનેટ ડેવલપમેન્ટ બોર્ડની કચેરી કાર્યરત કરવાનો નિર્ણય કરાયો છે. જેનાથી ગુજરાતના દરિયાકિનારાના વિસ્તારો નાળિયેરીના વિસ્તારોમાં નાળિયેરીનો પાક વધશે. તેમજ ખેડૂતોને તેનો ફાયદો મળશે. બોર્ડ દ્વારા નાળિયેરીના રોપા તૈયાર કરવા નર્સરી બનાવવી, વાવેતર કરનાર ખેડૂતોને સહાય આપવા સહિતની યોજનાનો લાભ આ અહીના ખેડૂતોને મળશે. બોર્ડ દ્વારા વધુને વધુ ખેડૂતો સુધી પહોંચી શકાશે. તેમ કોકોનેટ ડેવલપમેન્ટ બોર્ડ, મહારાષ્ટ્રના ડેપ્યુટી ડાયરેકટર ડો.દેવનાથે જણાવ્યું હતું.

શું કહ્યું ઇન્ચાર્જ કલેકટરે ?

ઇન્ચાર્જ કલેકટર મિરાંત પરીખે જણાવ્યુ હતું કે ‘‘જૂનાગઢ માટે એ ગૌરવની વાત છે કે સમગ્ર ગુજરાતમાં સૌ પ્રથમ કોકોનેટ ડેવલપમેન્ટ બોર્ડ ઓફિસ જૂનાગઢમાં કેન્દ્ર સરકાર દ્વારા બનાવવામાં આવી રહી છે. જેનાથી આપણા માંગરોળ, ચોરવાડ, માળિયા, ગિર સોમનાથ, પોરબંદર સહિતના દરિયાઇ વિસ્તારના નાળિયરેના પાકનું ઉત્પાદન વધશે. કોકોનેટ ડેવલપમેન્ટ બોર્ડની લાભકારક સ્કીમનો સરળતાથી લાભ ખેડૂતો મેળવી શકશે. આ માટે જિલ્લા વહીવટી તંત્ર કેન્દ્ર સરકારની આભારી છે.’’

જિલ્લામાં ફળોમાં પ્રથમ કેરી અને પછી નાળિયેરનો પાક સૌથી વધુ

‘‘સમગ્ર ગુજરાતમાં નાળિયેરીના પાકનો વાવેતર વિસ્તાર ૨૫ હજાર હેકટર છે જે પૈકી ૧૫ હજાર હેકટર વાવેતર વિસ્તાર તો માત્ર જૂનાગઢ – ગિર સોમનાથમાં જ છે. સૌથી વધુ ગુજરાતમાં નાળિયેરનું પ્રોડકશન ગિરસોમનાથમાં જ થાય છે. જૂનાગઢ જિલ્લામાં ફળોમાં પ્રથમ કેરી અને પછી નાળિયેરનો પાક સૌથી વધુ થાય છે. જિલ્લામાં નાળિયેરનો ૬૩૦૦ હેકટર વાવેતર વિસ્તાર છે. માંગરોળમાં નાળિયેરી પાક માટેના રોપાઓ રોપ ઉછેર કેન્દ્રમાં તૈયાર કરવામાં આવે છે.’’ તેમ મદદનીશ બાગાયત નિયામક વિશાલ હદવાણીએ જણાવ્યુ હતું.

કેન્દ્રીય મંત્રી દ્વારા ઓફીસનું ઉદઘાટન કરવામાં આવશે

જૂનાગઢમાં કેન્દ્રીય મંત્રી નરેન્દ્રસિંહ તોમર કોકોનેટ ડેવલપમેન્ટ બોર્ડ ઓફિસ (રૂમ નં.૪, લેબર ઓફીસ, બહુમાળી)નું ઉદ્ઘાટન તા.૨ના સવારે ૧૦ કલાકે કરશે. આ તકે કૃષિ મંત્રી રાધવજીભાઈ પટેલ પણ ઉપસ્થિત રહેશે. ત્યારબાદ ૧૧ કલાકે એગ્રીકલ્ચર યુનિવર્સીટી ખાતે વિશ્વ કોકોનેટ ડે ઉપર ફંક્શન યોજાશે. આ સમારોહના સુચારુ આયોજન અંગેની બેઠક ઇન્ચાર્જ કલેકટર મિરાંત પરીખના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. નાળિયેર વિકાસ બોર્ડ, જૂનાગઢ કચેરીના ઉદ્ઘાટન માટે નિયુક્ત અધિકારીઓ, સંબંધિત એસડીએમ, મામલતદાર, નાયબ નિયામક બાગાયત, જિલ્લા કૃષિ અધિકારી, એનઆઈસી ટીમ અને પીજીવીસીએલ સહિતના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક કલેકટરે કરી હતી. આ તકે કલેકટરે ઓફિસ સ્થળના નવીનીકરણના કામની સમીક્ષા કરી હતી. આ તકે બેઠકનું સંચાલન અધિક નિવાસી કલેકટર વી.બી.બાંભણિયાએ કર્યુ હતું. કેન્દ્રીય મંત્રી વિશ્વ નાળિયેર દિવસ પર કોચી, કેરળ ખાતે ખેડૂતોને સંબોધિત કરશે, ઉદઘાટન સમારોહના સ્ક્રીન, વેબલિંક, વેબકાસ્ટિંગ અને લાઈવ સ્ટ્રીમિંગની વ્યવસ્થા માટે NIC ટીમને સૂચના આપી હતી.

Back to top button