કેન્દ્ર સરકાર મહિલાઓને 15000 રૂપિયા અને ડ્રોન આપી રહી છે, જાણો- કેવી રીતે અરજી કરવી?
11 માર્ચ, 2024: સમયાંતરે કેન્દ્ર સરકાર દેશના નાગરિકો માટે વિવિધ યોજનાઓ લઈને આવતી રહે છે. વિવિધ વિસ્તારના લોકો માટે જુદી જુદી યોજનાઓ છે. ખાસ કરીને મહિલાઓ માટે કેટલીક યોજનાઓ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહિલાઓ માટે આવી જ એક યોજના શરૂ કરી છે. જેનું નામ ‘નમો ડ્રોન દીદી યોજના’ છે. આ યોજના 2023 માં શરૂ કરવામાં આવી હતી. આ યોજના મહિલાઓને કૃષિ ક્ષેત્રે પ્રોત્સાહન પૂરું પાડે છે.
શું છે ‘નમો ડ્રોન દીદી યોજના’?
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે વર્ષ 2023માં આ યોજના શરૂ કરી હતી. આ યોજના હેઠળ મહિલાઓને કૃષિ ક્ષેત્રે નવી તકનીકો શીખવીને સશક્ત બનાવવાની છે. આ યોજના હેઠળ સ્વ-સહાય જૂથો સાથે જોડાયેલી મહિલાઓને 15,000 ડ્રોન આપવાનું લક્ષ્ય છે. નમો ડ્રોન યોજના હેઠળ મહિલાઓને ડ્રોન ઉડાવવાની તાલીમ આપવામાં આવશે. આ સાથે ટ્રેનિંગ દરમિયાન દર મહિને 15,000 રૂપિયા પણ આપવામાં આવશે.
આ યોજના હેઠળ ઉડતા ડ્રોનની સાથે મહિલાઓને તેના વિશે ટેકનિકલ માહિતી પણ આપવામાં આવશે. તેમને વિવિધ કૃષિ હેતુઓ માટે ડ્રોનનો ઉપયોગ કેવી રીતે કરવામાં આવશે તેની તાલીમ પણ આપવામાં આવશે. જેમાં પાકની દેખરેખથી માંડીને જંતુનાશક દવાઓ, ખાતર અને બિયારણ વાવવા સુધીની તમામ બાબતો પણ શીખવવામાં આવશે.
કેવી રીતે અરજી કરવી?
આ યોજનાનો લાભ મેળવવા માટે, મહિલાઓએ સ્વ-સહાય જૂથ સાથે સંકળાયેલું હોવું આવશ્યક છે. સ્વ-સહાય જૂથો સાથે સંકળાયેલી 18 વર્ષથી વધુ ઉંમરની તમામ મહિલાઓ આ યોજના માટે અરજી કરી શકે છે. યોજનાનો લાભ મેળવવા માટે કેટલાક દસ્તાવેજો હોવા જરૂરી છે. જેમાં આધાર કાર્ડ, પાન કાર્ડ, રહેઠાણનું પ્રમાણપત્ર, સેલ્ફ હેલ્પ ગ્રુપ આઈડી કાર્ડ અને પાસપોર્ટ સાઈઝ ફોટોનો સમાવેશ થાય છે. તેની સાથે ફોન નંબર અને ઈમેલ આઈડી હોવું પણ જરૂરી છે. હાલમાં આ સ્કીમ માટે સત્તાવાર વેબસાઈટ લોન્ચ કરવામાં આવી નથી.