ઇડર-બડોલી વચ્ચે 14 કિ.મી લાંબા બાયપાસ માટે કેન્દ્ર સરકારે ₹ 705 કરોડ મંજૂર કર્યા

- મહેસાણા અને શામળાજી તરફ જતો ટ્રાફિક સુગમ બનશે , બાયપાસમાં 2 મેજર બ્રિજ, 1 આર.ઓ.બી અને 4 વ્હિકલ અંડરપાસ રહેશે
ગાંધીનગર, 29 માર્ચ 2025: ગુજરાતમાં રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવા ઉપર ધ્યાન આપવામાં આવી રહ્યું છે અને એ સંદર્ભે 14 કિ.મી લાંબા ઇડર-બડોલી બાયપાસ Idar-Badoli bypass માટે કેન્દ્ર સરકારે ₹ 705 કરોડ મંજૂર કર્યા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પહેલથી ગુજરાતમાં રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વ્યાપ વધારવા માટે વધુ એક ભેટ આપવામાં આવી છે. સાબરકાંઠા જિલ્લામાં ઇડરથી બડોલી સુધીના 14 કિલોમીટર લાંબા બાયપાસના નિર્માણ માટે કેન્દ્ર સરકાર દ્વારા ₹705 કરોડ મંજૂર કરવામાં આવ્યા છે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ ગઈકાલે શુક્રવારે તેની જાહેરાત કરી હતી. આ 4 લેન બાયપાસનું નિર્માણ થવાથી ઇડરમાં ટ્રાફિકની સમસ્યા દૂર થશે તેમજ મહેસાણા અને શામળાજી તરફ જતો ટ્રાફિક સુગમ બનશે.
ઇડરમાં ટ્રાફિક સમસ્યા દૂર થશે, રાજસ્થાન સાથે કનેક્ટિવિટીમાં વધારો થશે: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ
ગુજરાતને મળેલી આ ભેટ અંગે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ 4-લેન રોડના નિર્માણ માટે ₹705.09 કરોડ મંજૂર કરવા બદલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીનો આભાર વ્યક્ત કર્યો હતો. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે આ કામગીરીથી ઇડરમાં ટ્રાફિકની સમસ્યા દૂર થવાની સાથે અંબાજી અને રાજસ્થાન સાથે કનેક્ટિવિટીમાં વધારો થશે અને સલામત અને ઝડપી મુસાફરી સુનિશ્વિત થશે. મોદીજીના દૂરંદેશી નેતૃત્વ હેઠળ, કેન્દ્ર અને ગુજરાત સરકારના સમન્વય સમાન આ આ ડબલ એન્જિન સરકારના લીધે સતત લોકાભિમુખ વિકાસ થઇ રહ્યો છે અને માળખાગત સુવિધાઓમાં અભૂતપૂર્વ પરિવર્તન સાકાર થયું છે.
Gratitude to Hon’ble PM Shri @narendramodi Ji & Hon’ble Union Minister Shri @nitin_gadkari Ji for approving ₹705.09 Cr for the construction of this 4-lane road.
This upgrade will decongest traffic in Idar, enhance connectivity to Ambaji & Rajasthan, and ensure safer faster… https://t.co/1r2bAXSvX1
— Bhupendra Patel (@Bhupendrapbjp) March 28, 2025
નેશનલ હાઇવે-168G પર બાયપાસનું નિર્માણ
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ આ બાબતે સોશીયલ મીડિયામાં શેર કરેલી પોસ્ટમાં જણાવ્યું હતું કે આ બાયપાસ સાબરકાંઠામાં નેશનલ હાઇવે-168G પર નિર્માણ થશે. નેશનલ હાઇવે-168G મહેસાણાથી શરૂ થઇને વિસનગર, વડનગર, ખેરાલુ, ઇડર, બડોલી, ભીલોડા થઇને શામળાજી પાસે નેશનલ હાઇવે -48 સુધી લંબાય છે. આ ભાગ ઇડરમાંથી પસાર થતો હોવાથી શહેરમાં અવારનવાર ભારે ટ્રાફિક સર્જાય છે. તે સિવાય મહેસાણા અને શામળાજી તરફ જતા ટ્રાફિક માટે ઇડર એ મહત્વપૂર્ણ ટ્રાન્ઝિટ નોડ છે. આ સમસ્યાઓના નિરાકરણ માટે આ રોડને 4 લેનમાં અપગ્રેડ કરવામાં આવશે જેનાથી સુરક્ષા અને ટ્રાફિકની સુગમતા સુનિશ્વિત થશે.
બાયપાસમાં 2 મેજર બ્રિજ, 1 આર.ઓ.બી અને 4 વ્હિકલ અંડરપાસ
નેશનલ હાઇવે-168G પર મણિયોરથી ઇડર શહેરનો બાયપાસ શરૂ થશે જે બડોલી જંક્શનથી આગળ શામળાજી હાઇવે સુધી જોડાશે. 14.2 કિલોમીટરનો આ બાયપાસ મણિયોરથી શરૂ થઈ સાપાવાડા, લાલોડા, સવગઢ છાવણી, બુઢિયા અને વાંસડોલથી આગળ વધીને બડોલી સુધી પહોંચશે. આ બાયપાસમાં 2 મેજર બ્રિજ, 1 માઇનર બ્રિજ, 1 આર.ઓ.બી (રેલવે ઓવરબ્રિજ)અને 4 વ્હિકલ અંડરપાસ (વીયુપી) નિર્માણ કરવામાં આવશે.
ત્રણ પેકેજમાં 168-G નેશનલ હાઇવેનું નિર્માણ
મહેસાણાથી શામળાજી સુધી ત્રણ પેકેજમાં 4/2 લેન નેશનલ હાઇવે 168-Gની કામગીરી અત્યારે અલગ અલગ સ્તરે ચાલી રહી છે. જેમાં બીજા પેકેજ અંતર્ગત ઇડર-બડોલી બાયપાસની કામગીરી માટે આ મંજૂરી આપવામાં આવી છે.
આ પણ વાંચોઃ દીકરી યુરોપ ફરવા ગઈ હતી, અમેરિકા કેવી રીતે પહોંચી અમને ખબર નથીઃ તગેડી મૂકાયેલા ગુજરાતીઓ વિશે જાણો
ઝડપી, સચોટ અને પ્રમાણિત સમાચાર મેળવવા નીચે જણાવેલા અમારા કોઈપણ વૉટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો >>>
https://chat.whatsapp.com/LuLIACK4WTYDPGdlAsSGrD