કેન્દ્ર સરકારના કર્મચારીઓને જૂની પેન્શન યોજના પસંદ કરવાની તક આપવામાં આવી છે. કર્મચારી મંત્રાલયે આ અંગે આદેશ જાહેર કર્યો છે. શુક્રવારે જાહેર કરાયેલા આદેશ અનુસાર, સેન્ટ્રલ સિવિલ સર્વિસિસ નિયમો, 1972 હેઠળ નેશનલ પેન્શન સિસ્ટમ (NPS)ની સૂચનાની તારીખ 22 ડિસેમ્બર, 2003 પહેલાં જાહેરાત અથવા સૂચિત પોસ્ટ્સ હેઠળ કેન્દ્ર સરકારની સેવાઓમાં જોડાતા કર્મચારીઓ હવે 2021 જૂની પેન્શન યોજનામાં જોડાવા માટે પાત્ર છે.
આ પણ વાંચો : હોળી પહેલા કેન્દ્રીય કર્મચારીઓ માટે આ તારીખે મોટી જાહેરાત કરવામાં આવશે !
સંબંધિત સરકારી કર્મચારીઓ 31 ઓગસ્ટ, 2023 સુધી આ વિકલ્પનો ઉપયોગ કરી શકે છે. 14 લાખ કેન્દ્ર અને રાજ્ય સરકારના કર્મચારીઓના સંગઠન નેશનલ મૂવમેન્ટ ફોર ઓલ્ડ પેન્શન સ્કીમ એ સરકારના આ નિર્ણયને આવકાર્યો છે. ઉલ્લેખનીય છે કોંગ્રેસ દ્વારા રાજસ્થાન, છત્તીસગઢ અને હમણાં હિમાચલમાં જૂની પેન્શન યોજના લાગુ કર્યા બાદ ભાજપ સરકાર 2024 લોકસભા ચુંટણીને ધ્યાનમાં રાખી કોઈ રિસ્ક લેવા માંગતી ન હોય તેવું લાગી રહ્યું છે.NMOPSના દિલ્હી યુનિટના વડા મનજીત સિંહ પટેલે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારના લાયક કર્મચારીઓ માટે આ સારા સમાચાર છે. અમે ફરી એકવાર કેન્દ્ર સરકારને હાલની નવી પેન્શન યોજનામાં સુધારો કરવા વિનંતી કરીએ છીએ જેથી કરીને કેન્દ્ર સરકારના તમામ કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ મળી શકે.