અમદાવાદ, 29 માર્ચ 2024, હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી પ્રમાણે આજે કેટલાક જિલ્લાઓમાં રાત્રિ દરમિયાન વોર્મ નાઈટ રહેવાની શક્યતા છે. રાજ્યના ચાર જિલ્લાઓમાં રાત્રિ દરમિયાન સામાન્ય કરતાં ચાર ડિગ્રીથી વધુ તાપમાન રહેવાની સંભાવના છે. ઉપરાંત ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારમાં હજુ આગામી ત્રણ દિવસ લોકોને ગરમ પવનનો માર સહન કરવો પડશે. ગરમી વધતાં રાજકોટમાં છેલ્લા 48 કલાકમાં 44 લોકોને હીટવેવની અસર થતા સારવાર આપવામાં આવી છે. તે ઉપરાંત મધ્ય અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભરઉનાળે માવઠું થતાં ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે.
ચાર જિલ્લાઓમાં વોર્મ નાઈટની આગાહી
વધતી જતી ગરમીથી લોકોને બચાવવા માટે વહીવટી તંત્ર સજાગ બન્યું છે. છેલ્લા 48 કલાકમાં હીટવેવના કારણે રાજકોટ જિલ્લામાં 44 લોકોને 108 મારફત સારવાર આપવામાં આવી છે. રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લાની તમામ 108 એમ્બ્યુલન્સ એલર્ટ ઉપર મોકલવામાં આવી છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે મીડિયાને જણાવ્યું હતું કે, આજે ગુજરાતના ચાર જિલ્લાઓ બનાસકાંઠા, અમદાવાદ, આણંદ અને વડોદરામાં વોર્મ નાઈટની આગાહી કરવામાં આવી છે. ગઈકાલે રાત્રે પણ અમદાવાદમાં રેકોર્ડ થયો હતો. જેમાં રાત્રિ દરમિયાન સામાન્ય તાપમાન કરતાં 4.5 ડિગ્રી સેલ્સિયસ જેટલું વધીને 26.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.
મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં માવઠું
ગુજરાતમાં દરિયાકાંઠાના વિસ્તારોમાં હજુ પણ ત્રણ દિવસ સુધી બફારાનો અનુભવ થશે. આગામી 24 કલાક બાદ બે ડિગ્રી જેટલું તાપમાન વધતા ફરી અંગ દઝાડતી ગરમીનો અનુભવ થવાની શક્યતાઓ છે.રાજ્યમાં એક તરફ હીટવેવનો આનુભવ થઈ રહ્યો છે ત્યારે બીજી બાજુ રાજ્યના મધ્ય અને દક્ષિણ વિભાગમાં માવઠું થતાં ખેડૂતોની ચિંતા વધી છે. રાજ્યમાં વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, ડાંગ,તાપી,છોટાઉદેપુર અને દાહોદમાં આજે કમોસમી વરસાદ નોંધાયો છે. ધીમી ધારે વરસાદ થતાં ખેડૂતો ચિંતામાં મુકાયા છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં મહત્તમ તાપમાનની વાત કરીએ તો સૌથી વધુ અમરેલીમાં 40.8 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે અમદાવાદમાં 40 ડિગ્રી, ગાંધીનગરમાં 39.6 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
આ પણ વાંચોઃવધતી જતી ગરમીમાં હીટ સ્ટ્રોકથી રક્ષણ મેળવવાના ઉપાયો