સાબરકાંઠાના IPS રવિન્દ્ર પટેલના ઘરે કેન્દ્રીય એજન્સીની ટીમ ત્રાટકી, નાણાકીય હેરફેરની શંકાએ તપાસ


ખેડબ્રહ્મા, 20 માર્ચ : સાબરકાંઠાના IPS અધિકારી રવિન્દ્ર પટેલના ઘરે કેન્દ્રીય એજન્સીની ટીમ ત્રાટકી હોવાનું જાણવા મળી રહ્યું છે. સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા એટલે કે સેબીની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. IPS અધિકારી રવિન્દ્ર પટેલ દ્વારા નાણાકીય હેરફેરની શંકાએ તેમના ઘરે વહેલી સવારથી ટીમ ત્રાટકી હતી અને તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
IPS અધિકારીના સાળાના ઘરે પણ તપાસ
સૂત્રો પાસેથી પ્રાપ્ત અહેવાલ મુજબ, શેરબજાર કોમોડિટીમાં મોટાપાયે નાણાકીય હેરફેર કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. આ જ શંકાને ધ્યાનમાં રાખી નાણાકીય લેવડદેવડ અને મિલકત સંબંધિત પ્રશ્નોના જવાબ મેળવવા તપાસ શરૂ કરવામાં આવી છે. કેન્દ્રીય એજન્સી દ્વારા IPS અધિકારીના રોધરા સ્થિત મકાન તેમજ તેમના સાળા કે જેઓ ખેડબ્રહ્માના ગલોડિયા ગામે રહે છે તેમને ત્યાં તપાસ શરૂ કરવામાં આવી છે.
રવિન્દ્ર પટેલના પિતા પણ IPS હતા
મહત્વનું છે કે, IPS રવિન્દ્ર પટેલ હાલમાં ગુજરાત હાઉસિંગ બોર્ડ ખાતે એસપી તરીકે ફરજ બજાવી રહ્યા છે. તેમના પિતા પણ આઈજી કક્ષાના IPS અધિકારી રહી ચૂક્યા છે. હાલમાં ગુજરાતમાં એક IPS અધિકારીના ઘરમાં પડેલી રેડના અહેવાલના પગલે સમગ્ર આઈપીએસ અધિકારીઓના સંગઠન તેમજ રાજકીય અગ્રણીઓમાં ખળભળાટ મચી ગયો છે.
આ પણ વાંચો :- કેન્દ્ર સરકારે શરૂ કરેલી વિશ્વકર્મા યોજના ગુજરાતના કારીગરો માટે આશીર્વાદરૂપ બની, જાણો કેવી રીતે