નવી કાર ખરીદો તો અધધ ડિસ્કાઉન્ટ? ગુજરાત સહિત 21 રાજ્યોએ કઈ શરતે કરી આ જાહેરાત?
- વાહનવ્યવહાર વિભાગના અધિકારીઓએ વાહનોના સ્ક્રેપિંગ અંગે ડ્રાફ્ટ પોલિસી તૈયાર કરી
- ગુજરાત સહિત 21 રાજ્યોમાં યોજના લાગુ
- કોમર્શિયલ વાહનો પર 15 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ
નવી દિલ્હી, 29 એપ્રિલ, જૂના વાહનોને સ્ક્રેપ કરવાની ઝુંબેશને હવે દેશભરમાં ફેલાવવાનું કામ શરૂ થઈ ગયું છે. દિલ્હી સરકાર રસ્તા પરથી જૂનાં વાહનોને હટાવવા માટે એક નવી યોજના લાવી રહી છે. દેશના 21 રાજ્યોમાં જૂના વાહનોને સ્ક્રેપ કરવાના બદલામાં નવાં વાહનો પર રોડ ટેક્સમાં 25 ટકા અથવા 50 હજાર રૂપિયા સુધીની છૂટ આપવામાં આવશે. વાહનવ્યવહાર વિભાગના અધિકારીઓએ વાહનોના સ્ક્રેપિંગ અંગે ડ્રાફ્ટ પોલિસી તૈયાર કરી છે.
જાણો શું કહ્યું રાજ્ય સરકારે ?
દેશના 21 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા એક મોટી જાહેરાત કરવામાં આવી છે. જો કોઈ પોતાની જૂની કાર ભંગારમાં આપે છે તો તેને રાજ્ય સરકાર દ્વારા નવી કાર પર ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. કેન્દ્ર સરકારે રાજ્ય સરકારોને તેમના રાજ્યોમાં જુના અને અયોગ્ય વાહનોનું સ્ક્રેપિંગ ફરજિયાત બનાવવા જણાવ્યું છે. જે બાદ બિહાર, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, હરિયાણા, કર્ણાટક, મહારાષ્ટ્ર, ગુજરાત, પંજાબ અને કેરળ સહિત 21 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ મોટર વાહન અથવા રોડ ટેક્સમાં છૂટ આપવાની જાહેરાત કરી છે.
કયા રાજ્યમાં વાહન માટે કેટલું ડિસ્કાઉન્ટ છે તે જાણો?
રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશ સરકારો જૂના વાહનોને સ્ક્રેપ કરવાને બદલે નવી કાર ખરીદવા પર 25 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ અને કોમર્શિયલ વાહનો પર 15 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ આપશે. 21માંથી 17 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ કહ્યું છે કે જૂના વાહનોને સ્ક્રેપ કર્યા પછી કોમર્શિયલ અથવા ટ્રાન્સપોર્ટ વાહનોના રજિસ્ટ્રેશન વખતે 15 ટકા રોડ ટેક્સમાં છૂટ આપવામાં આવશે. હરિયાણાને 10 ટકા છૂટ અથવા સ્ક્રેપ મૂલ્યના 50% કરતા ઓછી ઑફર કરશે. ઉત્તરાખંડ 25 ટકા અથવા 50,000 રૂપિયા બેમાંથી જે ઓછું હોય તે ડિસ્કાઉન્ટ આપી રહ્યું છે. કર્ણાટકમાં નવા વાહનની કિંમત અનુસાર રોડ ટેક્સમાં નિશ્ચિત છૂટ ઑફર કરી રહ્યું છે.
અત્યાર સુધીમાં 70,000 જેટલાં જૂનાં વાહનો આપોઆપ નષ્ટ કરવામાં આવ્યાં છે. જો કે, તેમાંથી મોટો હિસ્સો કેન્દ્ર અથવા રાજ્ય સરકારની એજન્સીઓનો છે. રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્રમાં 15 વર્ષથી જૂના પેટ્રોલ વાહનો અને 10 વર્ષથી જૂના ડીઝલ વાહનોને ચલાવવાની મંજૂરી નથી.
આ પણ વાંચો..કચ્છની 5 હજાર વર્ષ જૂની અજરખ હસ્તકલાને મળ્યો જીઆઈ ટેગ