ખ્યાતિકાંડ: કાર્તિક પટેલના 10 દિવસના રિમાન્ડ મંજૂર; તપાસ માટે 12 મુદ્દા રજૂ કરાયા; PMJAYમાંથી મેળવેલા 16 કરોડની તપાસ કરાશે

19 જાન્યુઆરી 2025 અમદાવાદ; ખ્યાતિ હોસ્પિટલનો ચેરમેન તથા આ સમગ્ર કાંડનો મુખ્ય આરોપી કાર્તિક પટેલ 65 દિવસ બાદ 17 જાન્યુઆરીની મોડી રાતે અમદાવાદ એરપોર્ટ પરથી ક્રાઈમ બ્રાન્ચના હાથે ઝડપાયો હતો. જેમાં આજે રવિવારે પોલીસ દ્વારા 14 દિવસના રિમાન્ડની માંગણી સાથે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરતા કોટે 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. જેમાં PMJAYમાંથી ગયા વર્ષમાં મેળવેલા કુલ 16 કરોડ ક્યાં ગયા છે? તેમજ બે મહિના સુધી નાસ્તા ફરતા અલગ અલગ હોટેલમાં રોકાવા માટે કોણે કોણે મદદ કરી છે! તે તમામ અંગે અરિમાન દરમિયાન તપાસ કરાશે
કાર્તિક પટેલનો હોસ્પિટલમાં 51% હિસ્સો
રિમાન્ડ માટે કોર્ટમાં ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કુલ 12 મુદ્દા રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં સરકારી વકીલ દ્વારા દલીલ કરતા જણાવ્યું હતું કે કાર્તિક પટેલ ખ્યાતિ કાંડનો મુખ્ય કિંગ છે. સરકારે નિમેલી મેડિકલ ટીમ મુજબ 30 ટકા બ્લૉકેજને 80% જેટલું ઊંચું બતાવ્યું જેથી PMJAYનો લાભ લઈ શકાય, છેલ્લા 956 જેટલા દિવસોમાં 3500થી વધુ ક્લેમ અને 3800 જેટલી એન્જોગ્રાફી અને એનજીઓ પ્લાસ્ટિક કરવામાં આવી છે. તેમજ આયુષ્યમાન કાર્ડ જે લોકો પાસે ના હોય તેવા લોકોને ખોટી રીતે આયુષ્યમાન કાર્ડ બનાવી આપતા એની લીંક આરોપી સાથે તપાસવાની બાકી છે. અમદાવાદની આસપાસના ડોક્ટરોને પૈસા આપી ખ્યાતીમાં રીફર કરવામાં આવતા વ્યવહારો અને ડોક્ટરોની તપાસ કરાશે. કાર્તિક પટેલનો ખ્યાતિ હોસ્પિટલમાં 51% જેટલો મુખ્ય હિસ્સો છે. જેની તપાસ કરાશે તેમજ આરોપી પોતાનો મોબાઇલ ઓસ્ટ્રેલિયામાં ખોવાઈ ગયો હોવાનું રટણ કરી રહ્યો છે. જે અંગે એક્સપર્ટની ટીમને જાણ કરવામાં આવશે કે તે ડેટા પાછો મળશે કે કેમ?
તમામ આરોપીઓની કડક તપાસ કરાશે
ક્રાઈમ બ્રાન્ચ એસીપી ભરત પટેલે પત્રકારોને માહિતી આપતા જણાવ્યું હતું કે 12 દિવસના રિમાન્ડ દરમિયાન મહત્વના મુદ્દાઓની તપાસ કરાશે જેમાં ખ્યાતિ હોસ્પિટલની માલિકી મેળવ્યા બાદ તેણે ક્યાં ક્યાં રોકાણ કર્યું અને આવકમાંથી તેણે કોઈ જગ્યાએ રોક્યા કે કેમ? બીજી તરફ સીએના રિપોર્ટની વિસંગતતા બાબતે પણ કાર્તિક પટેલની પૂછપરછ કરવાની બાકી છે એનો રિપોર્ટ આવ્યા બાદ આવક અને ખર્ચ બાબતે તેને શું કર્યું છે અને તેણે બીજી એજન્સીઓને ગેરમાર્ગે દોરવા કોઈ કંપનીઓ બનાવી શકે કેમ એમાં ટ્રાન્જેક્શન થયા છે કે નહીં? તેમજ અગાઉ પકડાયેલા આરોપીએ કઈ રીતે આખું કૌભાંડ ચલાવ્યું અને કેટલા સમયથી ચલાવતા હતા. તે તમામ વિગતોની ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તપાસ કરવામાં આવશે.